હિતેશ રાવલ – સાબરકાંઠા
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી બચવા માટે એક જ ઉપાય છે અને એ છે વેક્સીન. જો કે ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી અંધશ્રદ્ધાને કારણે લોકો રસી મૂકાવવાને બદલે બહાના કાઢી રહ્યાં છે. આવા સમયે સાબરકાંઠાના પોશીનાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકોએ રસી મૂકાવીને સમાજ માટે પ્રેરણારૂપ કામ કર્યું છે.
હંમેશા ગામડાઓમાં અંધશ્રદ્ધાનો વ્યાપ વધુ જોવા મળતો હોય છે. પરંતુ આજના યુગમાં આ વાત ખોટી સાબિત થઇ હોય એમ લાગી રહ્યું છે. સાબરકાંઠાના પોશીનાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં લોકોમાં સારી એવી જાગૃતતા જોવા મળી રહી છે. અહીં આદિવાસી વિસ્તારોમાં 70 ટકાથી વધુ રસીકરણ થઇ ગયું છે. પોશીનામાં દૂર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોએ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ કોરોના સામે કવચ બનાવી લીધું છે.
પોશીનાના આદિવાસી ગામડાઓમાં વેક્સીનેશનની કામગીરી શરૂ થાય એટલે ઢોલ વગાડવામાં આવે છે. ઢોલનો અવાજ સાંભળતા જ ગામલોકો દોડી દોડી વેક્સીન સેન્ટરે દોડી આવે છે. સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા અવિરત પ્રયાસોથી થયેલી વેક્સિનેશન કામગીરીએ અન્ય તાલુકાઓ સહિત ગુજરાતના પૂર્વ પટ્ટીમાં આવતા તમામ તાલુકાઓ માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.