રાજમહેલમાં દર્શન દેતી મેગા મૂર્તિ ભાવિકોને ભાવવિભોર કરશે: ૧૧ દિવસ દરમિયાન સાંસ્કૃતિક અને સામાજીક કાર્યક્રમોની હારમાળા
‘ત્રિકોણબાગ કા રાજા’ ગણપતિ મહોત્સવનો આગામી ગુરૂવાર, તા. ૧૩ થી રાજકોટમાં ત્રિકોણબાગ ચોક ખાતે સુશોભીત વિશાળ પરિસરમાં મંગલ પ્રારંભ થશે.
૧૩, સપ્ટેમ્બરથી ૨૩, સપ્ટેમ્બર સુદીના ૧૧ દિવસ આસ્થાના માહોલમાં અવનવાં કાર્યક્રમો સાથે યોજાનાર આ ૧૯મા ભવ્ય, ભાતીગળ અને ભકિતમય મંગલમૂર્તિ મહોત્સવની વિગતો અબતકને આપતા ગણેશ ઉપાસનાનાઆ ધર્માયોજનાના આધસ્થાપક જીમ્મીભાઈ અડવાણી જણાવે છે કે, ૧૩ સપ્ટેમ્બર ગૂરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્યે ત્રિકોણબાગ ચોક ખાતેના રંગબેરંગી રોશનીથી ઝગમગતા સુશોભીત પંડાલમાં પ્રસ્થાપિત થનાર ગણપતિજીની અનુપમ અને ભાવવાહી મૂર્તિમાં આ વર્ષે વિશેષતા એ છેકે, હજારો હીરા માણેક જડીત પોષાક અને રંગબેરંગી આભુષણોથી શોભતા વિઘ્નહર્તાદેવ રાજા સ્વરૂપે ભકતજનોને આશીર્વાદ આપતા હોય એવી મુદ્રામાં બિરાજમાન થશે, ગણપતિજીનું આવું અલભ્ય દર્શન ગુજરાતમાં કયાંય જોવા નહિ મળે.
ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે પ્રસ્થાપિત થનાર આ વંદનીય અને દર્શનીય મૂર્તિની ગણપતિ મહોત્સવના ૧૧ દિવસ દરમ્યાન દરરોજ રાત્રે ૮.૧૫ વાગ્યે ચોકકસ સમયે તમામ ધર્મ સંપ્રદાયના સન્માનીય સંતો, સામાજીક અને રાજકીય પક્ષોના આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા શહેરના ભકતજનોનો સમૂદાય એક મંચ ઉપર પંડિતો દ્વારા લાઈવ પૂજા આરતી કરશે.
આ વર્ષે વંદના, સ્વર સાધના સહિતના કાર્યક્રમો ભાવિક દર્શકોનું આકર્ષણ બની રહેશે. અન્ય નવતર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નામી કલાકારોનો હાસ્ય દરબાર, ઈસ્કોન મંદિરનો ધૂન-નૃત્યનો ભકિત કાર્યક્રમ, આર્ટ ઓફ લીવીંગનો ભકિત સત્સંગ, કસુંબલ લોક ડાયરો, શ્રીનાથજીની ઝાંખીની ભકિત સંગીત સંધ્યા, અખાડાની એક કલાકની આરતી ઉપસ્થિત શ્રોતા દર્શકોને મોજ કરાવશે.
ત્રિકોણબાગકા રાજા ગણપતિ મહોત્સવ ૨૦૧૮ના સમગ્ર આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિના સુત્રધાર જીમ્મી અડવાણી તથા તેમની ટીમના જયપાલસિંહ જાડેજા, ભરત રેલવાણી, વિશાલ નેનૂજી, ચંદુભાઈ પાટડીયા, કમલેશ સંતુમલાણી, સંજયભાઈ ટાંક, દર્શન પાલા, આનંદ પાલા, અભિષેક કણસાગરા, દિલીપભાઈ પાંધી, કુમારપાલ ભટ્ટી, અર્જુન બાવળીયા, નાગજીભાઈ બાંભવા, ભાવિન અધિયા, બિપીન મકવાણા, વિશાલ કવા, નિરવ ડેડકીયા, નિલેશ ચૌહાણ, વિમલ નૈયા વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ મહોત્સવની વિગતો આપવા આજે ‘અબતક’ની મુલાકાતે જીમ્મીભાઈ અડવાણી, ચંદુભાઈ પાટડીયા, નિલેષભાઈ ચૌહાણ, સંજયભાઈ ટાંક, રાજન દેસાણી, નાગજી બાંભવા, બીપીન મકવાણા, અભિષેક કણસાગરા, વિમલ નૈયા, દિગ્વીજય સરવૈયા, મલ્હાર ત્રિવેદી, વૈભવ ચાગાણી, વિક્રમ બાવલીયા, કુમારપાલ ભટ્ટી અને ભરત મકવાણા સહિતના આવ્યા હતા.