સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાં કુલ ૪૩૦ કોરોના પોઝિટિવ કેસ : ૧૫ના મોત
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત રહ્યો છે. આજ રોજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૪ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૨ જિલ્લામાં કુલ ૪૩૦ કોરોના પોઝિટિવ અને ૧૫ દર્દીઓના મોત નિપજ્યા છે. ગઈ કાલે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વધુ ૧૪૩ સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા ૫૨ સેમ્પલ નેગેટિવ અને હજુ ૯૧ રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનો સિલસિલો હજુ યથાવત રહ્યો છે. જેમાં ધોરાજીના ચિચોડ ગામે ૫૦ વર્ષના ભારતીબેન બરોડાથી આવ્યા બાદ તેમનો રિપોર્ટ કરવામાં આવતક તેઓને કોરોનાનો ચેપ હોવાનું જાણવા મળ્યું હતું. જસદણ તાલુકાના વિરનગર ગામે બે દિવસ પહેલા અમદાવાદથી આવેલા પૂજાભાઈ સોલંકી નામના પ્રૌઢને પણ કોરોના સંક્રમણ હોવાનું જાણવા મળ્યું હતું. જામકંડોરણા તાલુકાના રાયડી ગામે રહેતા નવીનભાઈ ઉઘાડ ના પુત્રને બે દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને પણ કોરોનાનો ચેપ લાગતા નવીનભાઈને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મોટી પાનેલી ગામે પણ માધુરીબેન નામના ૩૦ વર્ષની યુવતીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ જિલ્લામાં આજ રોજ વધુ ૪ કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ ગ્રામ્યના ૨૭ અને શહેરના ૮૩ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૧૦ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે.
ઉપલેટા માં ૨૦ દિવસ પહેલા પતિએ પત્નિ પર છરીથી હુમલો કરતા તેણીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી પરત ફરતા તેણીની તપાસ કરાવતા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે તેમના પરિવારજનોને ક્વોરેઇન્ટઇન કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
સૌરાષ્ટ્રમાં પણ ગઈ કાલે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં ૧૨ જિલ્લામાં કુલ ૪૩૦ કોરોનાગ્રસ્ત અને ૧૫ દર્દીઓના મોત નિપજ્યા છે. ભાવનગર અને રાજકોટમાં સૌથી વધુ ૧૦૦ને પાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં ૮, રાજકોટ-જામનગર-બોટાદ માં બે-બે અને સુરેન્દ્રનગરમાં એક મળી કુલ ૧૫ દર્દીઓના કોરોનાએ ભોગ લીધા છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં સૌથી વધુ ૧૨૦ કોરોના પોઝિટિવ કેસ અને રાજકોટ જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કેસ ૧૦૦ને પાર પહોંચ્યા છે. જૂનાગઢમાં ૨૯, જામનગરમાં ૫૨, ગીર સોમનાથમાં ૪૫, કચ્છમાં ૭૯, બોટાદમાં ૫૯, સુરેન્દ્રનગરમાં ૩૩, દેવભૂમિ દ્વારકામાં ૧૨, અમરેલીમાં ૮ અને પોરબંદરમાં પણ ૮ પોઝિટિવ કેસ અત્યાર સુધી નોંધાયા છે.