હનુમાન મઢી ચોકના મોમાઈ ગરબી મંડળ તથા સુભાષનગરના જય ઉમિયા ગરબી મંડળની ખેલૈયાઓના રાસથી લોકો મંત્રમુગ્ધ
નવરાત્રી મહોત્સવ પૂર્ણ થઈ ચુકયો છે. આ મહોત્સવ દરમિયાન અનેક સંસ્થાઓ દ્વારા રાસ-ગરબાના આયોજન થયા હતા. જેમાં પ્રાચીન રાસની પરંપરા જાળવવામાં ગરબી મંડળોએ મેદાન માર્યું છે. હનુમાનમઢી ચોકની મોમાઈ ગરબી મંડળ તથા સુભાષનગર જય ઉમિયા ગરબી મંડળના ખેલૈયાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સુભાષનગર ખાતે જય ઉમિયા ગરબી મંડળના અલ્પા પાટડીયાએ કહ્યું કે, છેલ્લા ૨૯ વર્ષથી કાર્યરત છે જેમાં અમે નાની-નાની બાળાઓથી માંડીને ૧૨ વર્ષ સુધીની બાળાઓ માટે ગરબીનું આયોજન કરીએ છીએ.
આ ગરબી મંડળની અંદર નાની બાળાઓ દ્વારા અર્વાચીન રાસ તથા પ્રાચીન રાસનું આયોજન અમે કરીએ છીએ. તેમાં નાની બાળાઓ દ્વારા ખંજરી રાસ, દિવડા રાસ, ધડા રાસ, દાંડિયા રાસ, ટીપ્પણી રાસ, માંડવળી રાસ તેમજ આ વર્ષે પણ અમે નવો વાટકારાસનું આયોજન કરેલ છે. આ બાળાઓ સતત અમારી ગરબી મંડળ સાથે કાર્યરત રહે છે. કોઈપણ જાતનો ફાળો લેવા જાતા નથી. આનો ફાળો ગ્રુપ અને લતાવાસીઓ દ્વારા ફાળવવામાં આવે છે અને દરેક બાળાઓને સોનાનું આભુષણ લ્હાણીરૂપે આપવામાં આવે છે.
રૈયા રોડ હનુમાન મઢી ચોકના મોમાઈ ગરબી મંડળના જીતુભાઈ ઘાટોડીયાએ કહ્યું હતું કે, અમારી મોમાઈ ગરબી મંડળ આશરે ૪૦ વર્ષથી ચાલે છે. આ ગરબીમાં લગભગ ૩ પેઢીથી વંશ-વારસ રમી ગયા છે જેથી આ ગરબીએ પ્રાચીન અને સંસ્કૃતિ જાળવી રાખી છે. જીતુભાઈ સખીયા અને માન બિલ્ડરના કેશુભાઈ ઠેસીયાએ કહ્યું કે, ગરબી ચાલુ રાખજો જે કાંઈ ઘટશે તો મારી સાથે જ છીએ. આથી આ દાતાને કારણે આ ગરબી હજુ ચાલુ છે. પ્રાચીન ગરબીમાં અવનવા રાસ રજુ કરીએ છીએ. ગયા વર્ષે અમે મોગલ રાસ જીવતો જાગતો રાસ રજુ કર્યો હતો.