વિકાસ મલ્ટીક્રોપનો શેર ૧૫૦૮ ટકા, મેકલોઈડ ૯૩૯ ટકા, વિકાસ ઈકો ટેકમાં ૮૮૪ ટકા, જીબીએલ ઈન્ડસ્ટ્રીમાં ૭૯૫ ટકા, આલોક ઈન્ડસ્ટ્રીમાં ૭૩૦ ટકા જેટલો ઉછાળો નોંધાયો
કોરોના મહામારી દરમિયાન ભારતીય શેરબજારે અનેક ઉતાર-ચઢાવ જોયા હતા. સેન્સેકસ ખુબ વોલેટાઈલ રહ્યો હતો. અનેક રોકાણકારોના પૈસા ધોવાઈ ગયા હતા. તો અનેક રોકાણકારો માલામાલ પણ થઈ ગયા હતા. જો કે, મસમોટી કંપનીઓના શેરના સ્થાને કેટલીક એવી કંપનીઓ પણ સામે આવી હતી જેને પેનીસ્ટોક તરીકે માનવામાં આવે છે. ‘ચણા-મમરા’ની કિંમતે તે સમયે વેંચાયેલા શેરમાં રોકાણકારોને ૧૫૦૦ ટકા જેટલું અધધધ… વળતર પણ મળ્યું હતું. અલબત પેનીસ્ટોકમાં રોકાણ કરવાની સલાહ સામાન્ય રીતે અપાતી નથી.
સામાન્ય રીતે સ્ટોક માર્કેટમાં પેનીસ્ટોક માટે કોઈ અલાયદ્દી વ્યાખ્યા નથી પરંતુ જે કંપનીના શેરની કિંમત સિંગલ ડિઝીટમાં હોય તેને પેનીસ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત આવી કંપનીઓ મોટા દેણામાં હોય અથવા તો પ્રમોટરનું હોલ્ડીંગ ખુબજ ઓછુ હોય તેવા કિસ્સા પણ જોવા મળે છે. ડિવીડન્ટનો ટ્રેક રેકોર્ડ પણ ખરાબ હોય છે. આ વ્યાખ્યામાં વોડાફોન-આઈડિયા કે સુઝલોન એનર્જી જેવા કંપનીના શેર આવતા નથી. આ કંપનીના શેર બલે રૂપિયા ૧૦ થી ઓછી કિંમતના હોય પરંતુ તેમનું માર્કેટ કેપીટલાઈઝેશન વધુ છે.
પાંચ મહિનામાં એવા ૫૨૧ પેનીસ્ટોક સામે આવ્યા હતા જેમાં વળતર ૧૫૦૦ ટકા સુધીનું હતું. કેટલાક શેર પાંચ ગણા વધ્યા હતા. જેમ કે વિકાસ મલ્ટીક્રોપનો શેર ગત ૧ એપ્રીલના રોજ ૧.૦૯ની સપાટીએ હતો. આ શેર ૧૫૦૮ ટકા વધીને ૧૭.૫૩ની સપાટીએ પહોંચ્યો હતો. આવી જ રીતે મેકલોઈડ કંપનીના શેરમાં પણ ૯૩૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વિકાસ ઈકો ટેકમાં ૮૮૪ ટકા, જીબીએલ ઈન્ડસ્ટ્રીમાં ૭૯૫ ટકા, આલોક ઈન્ડસ્ટ્રીમાં ૭૩૦ ટકા, ભારત ઈમ્યુનિલોજીકલમાં ૬૫૨ ટકા, બિરલા ટાવરમાં ૬૩૯ ટકા, પ્રવેગ કોમ્યુનિકેશનમાં ૫૨૮ ટકા, બલરપુર ઈન્ડસ્ટ્રીમાં ૪૭૨ ટકા, કૌશલ્યા ઈન્ફાસ્ટ્રકચરમાં ૪૩૯ ટકા જ્યારે બાયોફિલ કેમીકલમાં ૪૩૦ ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો.
સારૂ મેનેજમેન્ટ, ફાયનાન્સીયલ પરર્ફોમન્સમાં કાળજી સહિતના મુદ્દા ધ્યાને રાખીને શેરના ભાવ આગળ વધતા હોય છે. જો કે, પેનીસ્ટોકમાં રોકાણ કરવા મુદ્દે નિષ્ણાંતની સલાહ આવશ્યક છે. આવા સ્ટોકમાં કાળજી લેવી જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે. આવા શેર જ્યારે પડે છે ત્યારે સર્કિટ લાગે છે અને નાનો રોકાણકાર આવી સર્કિટમાંથી બચી પણ શકતો નથી. જેથી જ્યારે વોલ્યુમ વધુ હોય ત્યારે જ ટ્રેડ કરવું જોઈએ તેવું નિષ્ણાંતોનું કહેવું છે.
કોરોના સમયે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. મસમોટી કંપનીઓના શેર પણ તળીયે પહોંચી ગયા હતા. આજે પણ કોરોના મહામારીના કારણે શેરબજાર પર અસર જોવાઇ છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૨૧૧ પોઇન્ટના ઉછાળા સાથે ૩૯૩૨૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.