આપણા ગઝલ સમ્રાટ અમૃત ઘાયલના શબ્દો ડગલે ને પગલે યાદ આવે છે….

જેવું તેવુંય મકાન તો આપો,

ધૂળ જેવુંય ધાન તો આપો,

શું કામ સાવ જૂઠું બોલ્યા કરો છો?

એકાદ સાચી જબાન તો આપો…”

ઘાયલ સાહેબની આ અરજમાં દમ છે. એક કદાવર ગઝલકાર અને માઁ જગદંબા તથા જગદીશ્વર ને અરજ કરવાનું દૈવત ધરાવતા સીધા સાદા તેમજ પવિત્ર માનવીએ મહાશિવરાત્રિના પર્વને અવસરે ત્રિનેત્રેશ્વીરને મસ્તક નમાવતી વખતે આ અરજ કરી હતી, એમ એમના સંગાથીઓએ એમની ગરીબો પ્રત્યેની હમદર્દીની પ્રશંસા કરતાં દર્શાવ્યું હતું.

દેશના સુકાનીઓ અને સામાજીક સુધારાઓના ઢોલ પીટતા લોકો એમની આ અરજને કાને ઘરે એવી ભાવનાથી તેમણે વિશ્વેશ્વર ભોળાનાથ તેમજ સકળ વિશ્વની જનેતા – જોગેશ્વરી દ્વારા આવી અરજ કરી હોવી જોઇએ !

‘દયા ધરમ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન’ એ સંત તુલસીદાસનું કથન છે. ઘાયલ સાહેબની આ અરજનાં મૂળમાં એમની દયાવાન માનસિકતા જ હોવી.

આજે તેઓ સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ એમનાં સંસ્મરણો તો છે જ, માણસ મરે છે પણ એના સંસ્મરણો નથી મરતાં, એ સનાતન સત્ય છે.

કોઇપણ વ્યકિતએ કરેલું સારું કાર્ય નકામું જતું નથી. જો એને દરિયામાં ફેંકી દો તો એ ડૂબતું નથી, પણ તરે છે !

‘શિવરાત્રી’નું પર્વ માનવ જાતને જડતા માંથી જગાડે છે. અને આત્માોન્નતિનો પ્રકાશ તેમજ દિવ્યોત્તમ તેજસ્વીતા બક્ષે છે.

આ તબકકે એમ કહી શકાય તેમ છે કે, ઘાયલ સાહેબ જેવી અરજ આજે પણ કરવી પડે તેમ છે.

આપણો દેશ આર્થિક, શૈક્ષણિક,  સામાજીક અને રાજકીય ક્ષેત્રોમાં તેમજ સંસ્કાર સભ્યતાની બાબતમાં વધુને વધુ કંગાલિયત પ્રતિ ધકેલાતો રહ્યો છે.

આપણા દેશમાં ૬૫ ટકા વસ્તી ગરીબાઇમાં સબડે છે એક અબજ વીસ કરોડની જનસંખ્યામાંથી કરોડો નરનારીઓ એવા છે કે જેમની પાસે ઘાયલ સાહેબના શબ્દોમાં કહીએ તો ‘જેવું તેવું ય મકાન નથી. ધુળ સરખુંય ધાન નથી, દેશના સુકાનીઓ ચૂંટણી વઅતે અને ચૂંટણી પછી જૂઠ ઉપર જૂઠ બોલ્યા કરે છે, સાચું બોલે એવા નેતાઓ… રાજકારણીઓ તથા એમના તપાવટ મળતિયાઓ ગોત્યા જડતા નથી?…’

ગરીબોની આજીજીઓ સાંભળે એવો ભગવાનથી ડરતા માણસો નહિવત છે. એવી માનવતાભીની સંસ્થાઓ પણ નહિવત છે !

અત્યારે આપણા દેશને ગરીબોની વ્હારે ચઢે તેવા કથાકારો અને સંસ્થાઓનો ખપ છે !

સંસ્થા શબ્દ આજે ઇમારતે ઇમારતે વંચાય છે. પુસ્તકે પુસ્તકે દેખાય છે. માસિકે માસિકે નજરે પડે છે.

સંસ્થા શબ્દોનો સંસ્કૃમમાં ‘સમ’ એટલે ‘સારી રીતે’ અને ‘સ્થા’ એટલે ‘ઊભા રહેવું’ એવો અર્થ થાય છે.

અર્થાત સારી રીતે અને સાચી રીતે ઊભી રહે એ જ સાચી સંસ્થા !

પરંતુ આજે તો હકિકત એ જ બની છે કે સંસ્થા શબ્દ એવો ને એવો રહી ગયો છે. જયારે એના અર્થનું પૂર્ણશીર્ષાસન થઇ ચૂકયું છે.

સંસ્થાઓનો આજે રાફડો ફાટયો છે, એવો કોઇ દેશ નહિ હોય જીલ્લો નહિ હોય, પ્રાન્ત નહિ હોય એવું કોઇ શહેર નહિ હોય, જયાં એકેય સંસ્થા ન ચાલતી હોય.

હા ! એટલે જરૂર આજની સંસ્થાઓમાં સ્વયં સંચાલનશકિત તો લગભગ રહી જ નથી. એ કોઇના ધકકાથી જ ચાલતી હોય છે. નાના બાળકની ધકકા ગાડીમાં ને આજની સંસ્થાઓમાં આપણને કંઇ જ તફાવત દેખાતો નથી. કોઇનો ધકકો હોય ત્યાં સુધી ચાલે, જયાં ધકકો બંધ થયો કે અધવચ્ચે જ અટકી પડી !

આજની સંસ્થાઓને આપણે જોઇએ છીએ તો આંખ સામે માંદગીના બિછાને પડેલી ઓકસીજન ઉપર જીવતી સાઠ સીત્તેર વર્ષની કોઇ ઘરડી ડોશીનું ચિત્ર ઉપસી આવે છે.

એ વખતે આપણને એવું લાગે છે કે આ બેમાં શો તફાવત હશે ?

એ પણ મરવા પડી છે ને આ પણ મરવા પડેલી છે. આ પણ ઓકસીજનના બળે જીવે છે ને એ પણ એવા જ કોઇ ઓકસીજનના વિશ્વાસ પર શ્વાસ મૂકતી ઊભી છે !

આ દેશની વસ્તી તેંત્રીસ કરોડની હતી તે દેશકાળથી હમણા સુધી કથાકારો દેશની સ્વરૂપે ઘણી જાતનું અને ઘણું બધું કહેતા આવ્યા છે. એમનો બધાનો ઇરાદો શ્રોતાઓને કશુંક ને કશુંક શીખવવાનો અને કશુંક ને કશુંક સમજાવવાનો હોવો જોઇએ. કાં તો ન સમજયા હોઇએ તે સમજાવવાનો અથવા તો જે સમજી જ ચૂકયા હોઇએ તેનું દ્રઢીકરણ કરવાનો એમનો હેતુ હોય તો નવાઇ નહિ.

આખા દેશમાં એક જ સમય એક સાથે હજારો કથાકારો કથા કરે છે એવું સર્વેક્ષણ કોઇએ કર્યુ છે, ટીવી ચેનલો પર શ્રેણીબઘ્ધ કથાઓ કિર્તનો તેમજ સત્સંગનો પ્રવાહ અખંડ ચાલુ રહે છે. હિન્દુત્વને એ સાંકળે છે, વેદ-પુરાણોને સાંકળે છે. કેટલાક કથાકારો તો ભાષાનો જબરો વૈભવ ધરાવે છે. અભિવ્યકિતનું પાવર ધાપણુ પણ એમનામાં હોય છે. વાકપટુતાની જબરી ચોટ પણ તેઓ શ્રોતાઓના ચિત્ત પર મૂકે છે. શ્રોતાઓને મનોરંજિત  કરવાની ચોતુરી પણ એમનામાં જોઇ શકાય છે.

આ બધું હોવા છતાં મનુષ્યો કેટલા  બદલ્યા છે. અને સામાજીક, દુવ્યવસ્થા ની તથા બેઇમાનીની બદબુ કેટલી નાબુદ થઇ છે એવો સવાલ આપણો જ સમાજ ઉઠાવે છે. અખબારો એની ચાડી ખાધા વિના રહી શકતા નથી.

આ બધું એમ માનવા પ્રેરે છે કે, આપણો દેશ અને તેના સુકાનીઓ સારી પેઠે આ દેશની બેહાલી અંગે ઉપેક્ષિત કે ઊંધતા રહ્યા હશે. કોઇ ક્ષેત્ર એવું નથી દેખાતું કે જેને આવી અધોધગતિના ડંખ વેઠવા પડયા ન હોય !…

શિવરાત્રિને આપણા પૂર્વજોએ નિદ્રામાંથી જાગી જવાના અને નવાં નવાં સર્જન અંગે સભાનપણે વિચારવાના પર્વ તરીકે ઓળખાવેલ છે. ભૌતિક અને આઘ્યત્મિક ઉન્નતિ પ્રતિ આગે કદમનો એ સંદેશ આપે છે. ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય સંસ્કૃતિ નવાં કલેવર આપવાનો મંત્ર શિવરાત્રિનું પર્વ આપે છે.

આ પર્વએ વાતની પણ યાદ પણ આપે છે કે આ દેશની પ્રજાએ આગામી ચુંટણીમાં એવા લોકોને જ ચૂંટવાના છે કે, જે તેમના મત વિસ્તારોને ઇષ્ટદેવ સમા માને અવાર નવાર એની મુલાકાત લે લોકોને હળે મળે તેમના વિચારો જાણે અને એને સંસ્કૃતિ પ્રધાન બનાવવા સતત કાર્યરત રહે

શિવરાત્રિના અવસરે આપણા હાલના સુકાનીઓ રાષ્ટ્રની સેવા માટે પુરેપુરા સજાગ બન્યા હશે એમ કોપ નહિ ઇચ્છે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.