રૂ.૧.૩૧ કરોડનો ચેક કોલકતામાં બોગસ બનાવ્યાનું ખુલ્યું:તાલુકા પોલીસને મળી સફળતા
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નોવા ટેકસ ટાઇલ્સ પ્રા.લી. કંપનીના બેન્ક એકાઉન્ટમાંનો બોગસ ચેક રાજકોટની ચીકન હાઉસ દ્વારા વટાવવાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા બોગસ ચેક કલકતાના ચાર શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ધર્મેન્દ્ર પાર્કમાં રહેતા અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નોવા ટેકસ ટાઇલ્સ પ્રા.લી.માં મેનેજર તરીકે ફરજ બજાવતા ગણેશભાઇ કયુરજી ખવાસે રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ ગોલ્ડન પાર્કમાં રહેતા સંજય આણંદ સંજપટ, મુંબઇના વિરાટ કારગીલનગરમાં રહેતા કમલેશ જસવંત હરસોડા, સુરતના કામરેજ વિસ્તારના બાબુ ગોપાલ સોરઠીયા અને કલકતાના વિશ્ર્વજીત મઝમુદાર નામના શખ્સોએ બોગસ ચેક વટાવવાનો પ્રયાસ કર્યાની કબૂલાત આપી છે. રાજકોટના સંજય આણંદ સંજપટે મોટા મવા ખાતે આવેલી એચડીએફસી બેન્કમાં પોતાના ચીકન હાઉસ નામના ખાતામાં નોવા ટેકસ ટાઇલ્સનો યુનાઇટેડ બેન્કનો ચેક વટાવવા નાખવામાં આવ્યો હતો. યુનાઇટેડ બેન્કના કર્મચારી દ્વારા ગત તા.૧૩ સપ્ટેમ્બરે નોવા ટેકસ ટાઇલ્સ કંપનીમાં ફોન કરી ચેક ચીકન હાઉસને લખ્યો છે કે કેમ તે અંગે વેરીફાઇ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.નોવા ટેક્સ ટાઇલ્સ પ્રા.લી. દ્વારા ચીકન હાઉસને આવો ચેક આપ્યો ન હોવા છતાં તેઓએ રાજકોટના મોટા મવા ખાતે આવેલી એચડીએફસી બેન્કમાં વટાવવા નાખ્યો હોવાતી કંપનીના મેનેજર ગણેશભાઇ તપાસ અર્થે રાજકોટ આવી તાલુકા પોલીસ મથકમાં લેખિત અરજી આપતા પી.આઇ. વણઝારા સહિતના સ્ટાફે ચારેય સામે બોગસ ચેકને ખરા તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યા અંગેનો ગુનો નોંધી કલકતાના વિશ્ર્વજીત બિમલ મઝમુદારે બોગસ ચેક તૈયાર કરાવ્યા બાદ વિકા બિમલ સરકાર, સાહિદ અમીર ઉલ્લા કલીમની મદદ સંજય અજય ગુંદ નામના શખ્સના નામે રાજકોટમાં ચીકન હાઉસ નામની પેઢીનું એચડીએફસી બેન્કમાં ખાતુ ખોલાવી ચેક વટાવવા પ્રયાસ કર્યોની કબુલાત આપી છે.તાલુકા પી.આઇ. વણઝારા, હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, અરજણભાઇ ઓડેદરા, વી.એમ.જાડેજા અને અશોક ડાંગર સહિતના સ્ટાફે ચારેય શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.