સિંચાઈ માટે પાણી બંધ કરાતા ખેડુતોમાં ભારે રોષ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ પડતાં ખેડુતોને હાલાકી પડી રહી છે ત્યારે લખતર તાલુકાના આસપાસના ગામોમાં ખેડુતોને પાણી મુદ્દે ગઈકાલે મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો.
લખતર તાલુકાના અનેક ગામોના ખેડુતો નર્મદા કેનાલ દ્વારા સિંચાઈ અને ખેતી માટે પાણી મેળવે છે ત્યારે થોડા દિવસો પહેલા નર્મદા વિભાગ દ્વારા કેનાલ પર રાખવામાં આવેલ બકનળીઓ દુર કરવામાં આવતા ખેડુતોએ આજે સમગ્ર લખતર શહેર બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડુતો એકત્ર થઈ શહેરને બંધ રાખવા અનુરોધ કરાયો હતો.
ખેડુતો દ્વારા જણાવવામાં આવ્યું કે ચાલુ વર્ષે વરસાદ ઓછો થતા પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર દ્વારા રવિપાક માટે બકનળી દ્વારા પાણી લઈ જવામાં આવતું હતું. આ બકનળીઓ અધિકારીઓ દ્વારા ઉપાડી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે એલડી-૧ અને એલડી-૨ તેના સહિત માઈનોર કેનાલ ખેતર સુધી પાણી પહોંચે તે રીતે કેનાલનું કામ પણ પૂર્ણ થયેલ નથી. આથી ખેડુતો છેલ્લા ઘણા સમયથી મુખ્ય કેનાલમાંથી બકનળી દ્વારા લખતર તળાવમાં અને ત્યાંથી સિંચાઈ માટે પાણી લેતા હતા. ખેડુતો દ્વારા કોઈ કેનાલ તોડીને ચોરીથી પાણી લઈ ગયેલ ન હોવા છતાં અધિકારીઓ દ્વારા બકનળી ઉપાડી લેવામાં આવી હતી. આથી ખેડુતો રોષે ભરાઈ અને લખતર શહેરને સજ્જડ બંધ પાળી સરકાર વિરુઘ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. લખતરના ખેડુતને પાણી નહીં મળતા જીરું એરંડા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આથી લખતરના માર્ગો પર ખેડુતો નિકળી હલ્લાબોલ કરી સરકાર વિરુઘ્ધ સુત્રોચ્ચાર કરી તાત્કાલીન પાણી આપવાની માંગ કરી હતી.