૧૯૬,૦૦૦ એમપીએચની ઝડપથી ફરતો પદાર્થ અવકાશયાન હોવાનો કેટલાક ખગોળ શાસ્ત્રીઓનો મત
આપણી સૂર્યમાળાની બહાર પણ જીવન હોવાની આશા વધુ પ્રબળ બની છે. ખગોળ શાસ્ત્રીઓને સૂર્યમાળા બહાર ‘પા’ માઈલ લાંબો એલીયન પદાર્થ મળ્યો છે જે ગેલેકસીમાં ૧૯૬,૦૦૦ એમપીએચની ઝડપે નીકળ્યો હતો અને ખગોળ શાસ્ત્રીઓની નજરે ચડયો હતો. આપણી સૂર્યમાળામાં આ પ્રકારની સ્પીડથી એક પણ પદાર્થ ફરતો નથી.
યુનિવર્સિટી ઓફ હવાઈના ખગોળ શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પાન-સ્ટાર્સ-૧ના માધ્યમથી આ પદાર્થને શોધવામાં આવ્યો છે. પદાર્થનું નામ ઓમુમુવા રાખવામાં આવ્યો છે. જેનો અર્થ થાય છે મેસેન્જર. આ પદાર્થ કયાં સ્થળેથી આવી રહ્યો છે તેનાથી હાલ ખગોળ શાસ્ત્રીઓ વાકેફ નથી. ઘણા સમયથી સંશોધકો આ પદાર્થ પર નજર રાખી રહ્યાં છે. કેટલાકનું માનવું છે કે, આ સ્પેશયાન હોઈ શકે છે.
ખગોળ શાસ્ત્રીઓએ મેળવેલી આ સિદ્ધી ખૂબજ મહત્વની માનવામાં આવી હરી છે. અવકાશમાં આ પ્રકારનો પદાર્થ મળવાથી અન્ય અવકાશ ગંગામાં જીવન હોવાની આશા પ્રબળ બની જાય છે. વિશ્ર્વભરના ખગોળ શાસ્ત્રીઓએ અન્ય ગ્રહો પરના જીવન શોધવા માટે વિશાળકાય ટેલીસ્કોપ બનાવ્યું છે. જેને વિવિધ સ્થળોએ નજર રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. હવાઈમાં આ પ્રોજેકટ ૬૫૦૦ કરોડના ખર્ચે સ્થપાયો છે.
હાલ અવકાશ ગંગામાં મળેલો આ પદાર્થ આર્ટીફીશીયલ હોવાનું માનવામાં આવે છે. જેથી આ પદાર્થ અવકાશ યાન હોવાની શકયતાઓ છે. ટૂંક સમયમાં પા માઈલ લાંબા આ રહસ્યમય પદાર્થથી નવી જીવ સૃષ્ટિના રહસ્ય પરથી પડદો ઉઠી જાય તેવી અપેક્ષા છે.