એપીએમસીની ચૂંટણીમાં હરાવવા માટે પરેશ ધાનાણી, વિરજી ઠુંમર અને પ્રતાપ દુધાતે પ્રયત્નો કર્યા હોવાનો દિપક માલાણીનો આક્ષેપ
જસદણ-વીંછીયાના તાલુકા કોંગ્રેસ પ્રમુખોના રાજીનામા બાદ કોંગ્રેસને અમરેલીમાં બીજો ફટકો
વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાંજ કોંગ્રેસનો આંતરીક વિખવાદ બહાર આવ્યો છે. સાવરકુંડલાના એપીએમસીનાં ચેરમેન દિપક માલાણીએ એવા આક્ષેપો કર્યા છે કે પરેશ ધાનાણી, વિરજી ઠુંમ્મર અને પ્રતાપ દુધાતે તેઓને એપીએમસીની ચૂંટણીમાં હરાવવા માટે પ્રયત્નો કર્યા હતા. ઉપરાંત દિપક માલાણીએ આજથી અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ભવન સામે ધરણા પણ શરૂ કરી દીધા છે.
હાલ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા લોકસભાની બેઠકો કબ્જે કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પોતાનું ડેમેજ કંટ્રોલ કરવામાં જ વ્યસ્ત બન્યું છે. તાજેતરમાં જ જસદણ અને વિંછીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપી દીધા હતા. જેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો કોંગ્રેસને બીજો ફટકો પડી ગયો છે.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો આંતરીક કલેહ હવે જાહેર થઈ ગયો છે. સાવરકુંડલા એપીએમસીનાં ચેરમેન તેમજ કોંગ્રેસ આગેવાન દિપક માલાણીએ વીપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય વીરજી ઠુંમ્મર અને પ્રતાપ દુધાત સામે આક્ષેપો કર્યા છે. દિપક માલાણીએ આરોપ લગાવ્યા છે કે આ ત્રણેય કોંગ્રેસ અગ્રણીઓએ મળીને તેઓને એપીએમસીની ચૂંટણીમાં હરાવવા માટે ખુબ પ્રયત્ન કર્યા હતા.
ઉપરાંત દિપક માલાણીએ એવા પણ આરોપ લગાવ્યા છે કે આ ત્રણેય કોંગ્રેસ અગ્રણી પરીવારવાદ ચલાવે છે. તો સામે વીરજીભાઈ ઠુંમરે પ્રત્યુતરમાં જણાવ્યું કે દિપક માલાણીનાં આરોપો વાહીયાત છે. કોંગ્રેસે દિપક માલાણીનાં પરિવારને ટીકીટ આપી જ છે. પરિવારવાદની વાત તદન પાયા વિહોણી છે. કોંગ્રેસ પક્ષથી નારાજ થયેલા દીપક માલાણીએ આજથી અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ભવનની સામે ધરણા પણ શરૂ કર્યા છે.