ગાંધીનગર એલસીબી પોલીસની વિવિધ 15 ટીમોએ 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું
ગુજરાત સરકાર હસ્તકની કંપની ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં કૌભાંડ આચરનાર આરોપીઓ સામે પોલીસે વધુ ગાળીયો કસ્યો છે. ગાંધીનગર એલસીબીએ 38 કરોડથી વધુની રકમના કૌભાંડ મામલે પોલીસની વિવિધ 15 ટીમો બનાવી 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.આ સર્ચ ઓપરેશન દરમિયાન ગાંધીનગર એલસીબીએ સવા કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંધીનગર પોલીસે રોકડ, ઘરેણા તથા લગ્ઝરી કારનો કાફલો જપ્ત કર્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર ઋચી ભાવસાર પાસેથી વાહનો કબ્જે કર્યા છે, જ્યારે અન્ય આરોપીઓના ઘરેણા તથા રોકડ જપ્ત કરી છે. મુખ્ય સૂત્રધાર ઋચી ભાવસારે કૌભાંડના નાણાંથી ચાર ગાડીઓ ખરીદી હતી. આરોપીઓએ ખોટા વાઉચર ચેક અને બીલો બનાવી 38 કરોડ કરતા વધુનું કૌભાંડ આચર્યું હતું જેની ફરિયાદના આધારે પોલીસની ચાલી રહેલી તપાસમાં હજૂ પણ અનેક બાબતો બહાર આવી શકે છે.
સમગ્ર કૌભાંડમાં જીઆઈએલ કંપનીમાં ફરજ બજાવતા અને કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા રૂચી જયમિન ભાવસાર, પ્રિયંકા સુશીલભાઈ સોલંકી, પ્રિતેશ મોહનભાઈ પટેલ, દિપક હર્ષદરાય મહેતા તથા જયદીપ ધીરજલાલ ઠક્કર (દિયા કોમોડીટીઝ )ની સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં રૂચી ભાવસારની 85 લાખની ચાર લકઝુરિયસ કાર જપ્ત કરાઈ છે. જયદીપ ઠક્કર પાસેથી 14 લાખની રોકડ જપ્ત કરાઈ છે. અન્ય આરોપીઓ પાસેથી સોનાના દાગીના જપ્ત કરાયા છે. દરોડાની કાર્યવાહી દરમ્યાન એકંદરે સવા કરોડની મિલકત જપ્ત કરાઈ છે.
જીઆઈએલ કંપનીમાંથી પ્રિયા કોમોડિટીમાં 1.55 કરોડ જમા થયા હતા. આ ઉપરાંત ધ બ્લેક બોકસ કંપનીમાં 2.47 કરોડ જમા થયા હતા. દિપક મહેતાના એકાઉન્ટમાં ધ બ્લેક બોકસ કંપનીના એકાઉન્ટમાંથી 22 લાખ જમા થયા હતા. જુદી જુદી મળતિયા કંપનીઓના એકાઉન્ટમાંથી જયદીપ ઠક્કરની દીયા કોમોડિટીઝના એકાઉન્ટમાં 7.20 કરોડ જમા થયા હતા. બધુંમાં મુખ્ય સૂત્રધાર રૂચી ભાવસાર સહિતના 5 કૌભાંડીઓની સવા કરોડની મિલકત જપ્ત કરતી ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ માહિતી આપી હતી.