પોલ્યુશન બોર્ડના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના નમુના લઇ તપાસ શરુ કરી
મોરબીના સામાંકાંઠે સો-ઓરડીમાં આવેલા મારુતિ પ્લોટ વિસ્તારમાં સિરામીક કંપની દ્વારા કેમીકલ યુકત પાણી છોડવામાં આવતા સ્થાનીકોમાં રોષ વ્યાપી ગયો હતો. જોખમકારક કેમિકલયુકય પાણી લોકોના ઘરો સુધી ધુસતા રહેવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને આ મુદ્દે રહેવાસીઓ દ્વારા જીલ્લા કલેકટર અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. વરસાદની સીઝન શરુ થતાં મારુતી પ્લોટ નજીક આવેલ સીરામીક ફેકટરી અને કેમીકલના ગોડાઉન દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી અતિ દુર્ગંધ મારતું અને તેના દ્વારા પગમાં બળતરા થાય તેટલું ઝેરી છે. હાલ આ પ્રદુષિત પાણી બાબતે સ્થાનિકો એ તંત્રને જાણ કરતા તાબડતોબ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સ્થળ પહોંચીને સોસાયટીમાં ધુસી આવેલા અતિશયદુર્ગંધ મારતા પાણીના નમુના લઇને હાલ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે. હવે જોવાનું રહેશે કે પોલ્યુશન વિભાગ દ્વારા આવા પ્રદુષણ છોડતા એકમો સામે શું પગલાં લે છે ?સીરામીક એસોસિએશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વારંવાર જાહેરમાં નિયમ વિરુઘ્ધ પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પરંતુ આ નિર્દેશની જાણે સીરામીક ઉઘોગકારો પર કોઇ અસર ના પડી હોય મોરબીમાં અનેક જગ્યાએ જાહેરમાં પ્રદુષણ છોડવાની ફરીયાદો ઉઠતી રહે છે અને આજે તો હદ થઇ કે આ પ્રદુષિત પાણી રહેણાંક વિસ્તારોમાં છોડવામાં આવ્યા હતા. અમુક સીરામીક ઉઘોગકારો વરસાદી પાણીની સાથે જોખમકારક કેમિકલયુકત પાણીનો નિકાલ કરવાનો કારસો રચી આ કૃત્ય કરવામાં આવ્યાની ચર્ચા છે.