સોલાર પેનલો ગોઠવી અભ્યારણમાં ગેરકાયદેસર કબજો જમાવતા માફીયાઓ
અબતક, દિપક સથવારા
સુરેન્દ્રનગર
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાને અડીને આવેલ કચ્છના નાના રણમાં પરંપરાગત અગરીયાની આડમાં ભૂ માફીયાઓ દ્વારા અભ્યારણમાં ગેરકાયદેસર કબજો જમાવી મોટું સામ્રાજ્ય ઉભું કરવામાં આવેલું છે.અભ્યારણમાં ગેરકાયદે કબજો જમાવનાર સામે કાર્યવાહી થવા ઉચ્ચ કક્ષાએ રજુઆતો થયા બાદ કુંભ કર્ણ નિદ્રામાંથી જાગેલ અભ્યારણ વિભાગ દ્વારા દબાણો હટાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના રણને સરકાર દ્વારા ઘુડખર અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવેલ છે. રણ વિસ્તારમાં વસવાટ કરતા અતિ દુર્લભ ઘુડખર માટે આદિ અનાદી કાળથી નાનુ રણ આશ્રય સ્થાન બનેલુ છે. પરંતુ છેલ્લા એકાદ દાયકાથી ભૂ માફીયાઓ દ્વારા અગરિયાની આડમાં કચ્છના નાના રણમા જમીનો પર ગેરકાયદે કબજો કરવામાં આવી રહ્યો છે. રણમાં મીઠું પકવતા પરંપરાગત અગરિયાઓની આડમાં વગદાર માથાભારે તત્વો દ્વારા કોઈ પણ મંજૂરી વગર અભ્યારણમાં ગેરકાયદેસર સોલાર પેનલો ગોઠવી મીઠુ પકવવા બોર બનાવવામાં આવ્યા હતા. જેને લઇને રણમાં વાહનોની અવર જવર વધતા રણમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ માટે ખુબ મોટુ જોખમ ઉભુ થવા પામ્યું હતુ.અભ્યારણમાં અગરિયાની આડમાં ગેરકાયદેસર કબજો જમાવનાર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી થવા ઉચ્ચ કક્ષાએ વખતો વખત રજૂઆતો કરવામાં આવી હતી. જેને કારણે મોડે મોડે જાગેલા અભ્યારણ વિભાગ દ્વારા કચ્છના નાના રણમાં ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાતલપુર તાલુકા ને અડીને આવેલ કચ્છના નાના રણમાં ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલી 78 સોલાર પ્લેટો અભ્યારણ ના કર્મચારીઓ દ્વારા કબજે કરવામાં આવી હતી. જ્યારે પ્લેટો કોને ઊભી કરી જમીન પર કોના દ્વારા કબ્જો કરવામાં આવ્યો હતો જે બાબતે તપાસ ચાલુ હોવાનુ વનપાલ દ્વારા જણાવવામા આવ્યું હતુ. અભ્યારણ વિભાગ અંડરમાં આવેલ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં પ્લેટો ગોઠવી જમીન પર ગેરકાયદે કબજો કરનાર માથાભારે ઇસમો સામે અભ્યારણ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જે આશ્ચર્યજનક બાબત હોવાનુ જણાઈ રહ્યું છે.
અભ્યારણમાં ગેરકાયદેસર કબજો કરનાર ભૂ માફીયાઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.