ઘરેથી દારૂ પીવાના બહાને રામાપીર મંદિરે લઇ જઇ છરીના ચાર ઘા ઝીંકી ઢીમઢાળી દીધું: વિધવા માતાના એકના એક પુત્રની હત્યાથી પરિવારમાં અરેરાટી: એકની ધરપકડ
શહેરના જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરના દલિત યુવાનનું જૂના મનદુ:ખના કારણે મિત્રએ છરીના ચાર ઘા ઝીંકી હત્યા કર્યાનું પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. દારૂ પીવાના બહાને રામાપીર મંદિરે લઇ જઇ હત્યા કરી ફરાર થયેલા એક શખ્સની પોલીસે ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા રાહુલ હરીશભાઇ પરમાર નામના ૨૦ વર્ષના વાલ્મીકી યુવાનની રામાપીરના મંદિરેથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પ્ર.નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મુળ પોરબંદરના વતની અને કોર્પોરેશનમાં સફાઇ કામ કરતી જશુબેનના એકના એક પુત્રને એકાદ વર્ષ પહેલાં પરસાણાનગરમાં રહેતા પોતાના મિત્ર કમલેશ ઉર્ફે લાલુ કાળુ પરમાર સાથે માથાકૂટ થઇ હતી. રોહિતે એકાદ વર્ષ પહેલાં કમલેશ પરમાર સાથે અવાર નવાર ઝઘડો થતો હોવાથી રાહુલની હત્યા કર્યાની જશુબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક રાહુલની બહેન બીમાર હોવાથી માતા જશુબેન સાથે જામટાવર પાસે રહેતા મામા રમેશભાઇ રામજીભાઇને ત્યાં રાતે જતા રહ્યા હતા અને રાહુલ પરમાર પોતાના ઘરે એકલો હતો ત્યારે તેને દારૂ પીવા માટે કમલેશ ઉર્ફે લાલુ સહિતના શખ્સોએ બોલાવ્યા બાદ રામાપીર મંદિરે લઇ જઇ છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સવારે મંદિરે દશાર્નાથી ગયા ત્યારે રાહુલ પરમારની લોહી લુહાણ હાલતમાં લાશ જોવા મળતા તેના માતા અને માતાને જાણ કરવામાં આવી હતી. મૃતક રાહુલના પિતા હરીશભાઇ કોર્પોરેશનમાં સફાઇ કામદાર હતા અને તેઓનું અવસાન થતા પંદર દિવસ બાદ રાહુલ પરમારને તેની વારસાગત નોકરી મળે તેમ હોવાનું જાણવા મળે છે. એસીપી હર્ષદ મહેતા સહિતના સ્ટાફે કમલેશ ઉર્ફે લાલુ કાળુ પરમારની ધરપકડ કરી છે.