પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્યો, સાંસદ કમિશ્નર, મેયરને મહાઅન્નકુટની પ્રથમ આરતીનો ધર્મલાભ
રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરનાં રજત જયંતી મહોત્સવ ઉપક્રમે ભગવાનના મહાઅન્નકૂટ ઉત્સવનો તા.13 અને 14 નવેમ્બર બે દિવસ સુધી સવારે 8 થી રાત્રે 9 સુધી શહેરીજનોએ ધર્મલાભ લીધો હતો. નવી ઋતુમાં તૈયાર થયેલું અન્ન ભગવાનને અર્પણ થાય ત્યાર પછી જ તેનો સ્વીકાર થાય એ હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા રહી છે. એ પરંપરા અંતર્ગત પ. પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વિશ્વના 55 દેશોનાં 1300 મંદિરોમાં નૂતન વર્ષે ભગવાન સમક્ષ વિવિધવાનગીઓના અન્નકૂટ રચવામાં આવે છે.
રાજકોટબી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરે આ વર્ષે 450 જાતના વિવિધ મિષ્ટાન, 300 જાતનાં વિવિધ ફરસાણ, 100 જાતનું ભીનું મિષ્ટાન, 200 જાતનાં ભીના ફરસાણ અને નાસ્તાઓ, 495 જાતની ભીની વાનગીઓ, 400 જાતની બેકરીની વાનગીઓ, 140 જાતનાં આઈસક્રીમ અને કેન્ડી, 280 જાતના મુખવાસ,અથાણાં અને ચીકી, 80 જાતનાસુકામેવા અને ફ્રુટ,555 જેટલા જ્યુસ, શરબત, લસ્સી,મિલ્કશેક અને સૂપ સહિત કુલ 3000થી અધિક વિવિધ વાનગીઓનો અન્નકૂટ નીલકંઠવર્ણી મહારાજ સમક્ષ અને મંદિર પર ઠાકોરજી સમક્ષ રચવામાં આવ્યો છે.
આ મહા અન્નકૂટમાં મિલેટસ યર નિમિત્તે સૌપ્રથમ કળશમાં મિલેટસની અદભુત ગોઠવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત નમકીન, અનાજ, કઠોળ, ધાન્ય, મરી, મસાલા, તેજાના, ડ્રાયફ્રુટ, કપકેક, વગેરે વાનગીઓનાં 8000 જેટલા થાળ અવનવી ક્રિએટીવીટી સાથે ઠાકોરજીને ધરવામાં આવ્યા હતા. આ મહાઅન્નકૂટમાંમંદિરના મુખ્ય શિખર નીચે ધરાવવામાં આવેલ વિવિધ વાનગીઓમાંથી સૌ પ્રથમવાર ચોકલેટમાંથી બનાવવામાં આવેલ મૂર્તિઓ, ચોકલેટનો ફુવારો, મમરા અને ફ્રાયમ્સમાંથી બનાવેલ તોરણો દર્શનાર્થીઓનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ મહાઅન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મ્યુની.કમિશ્નર આનંદ પટેલ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ,ડીડીઓ દેવ ચૌધરી, મેયર નયનાબેન પેઢડીયા, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મૌલેશભાઈ ઉકાણી તથા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શાળા સંચાલકોઅને મહાનુભાવોની હાજરીમાં 10:00 વાગ્યે સંપન્ન થયેલી અને ત્યારબાદ દર કલાકે રાત્રે9:00 વાગ્યા સુધી બે દિવસ સુધી આરતીનો લાભ પ્રાપ્ત થશે.
આ મહા અન્નકૂટમાં ભગવાનને ધરાવેલ વાનગીઓ પ્રસાદરૂપે રાજકોટ શહેરનાં અનાથાશ્રમ, વૃદ્ધધાશ્રમ, બાલાશ્રમ, મુકબધીર આશ્રમ ઉપરાંત રાજકોટ જેલના કેદીઓ અને રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડાઓમાં હજારો ભક્તો-ભાવિકોના ઘરોમાં પહોચાડવામાં આવશે.રાજકોટ મંદિરમાં યોજાયેલ મહાઅન્નકૂટ ઉત્સવના આયોજનમાં રાજકોટ બી.એ.પી.એસ.સ્વામિ નારાયણ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, પૂ.અપૂર્વમુનિ સ્વામી, પૂ.મુનિપ્રિય સ્વામી,ભંડારી પૂ.ગુરુચિંતન સ્વામી, 22 સંતો તથા 2000 જેટલા કાર્યકર્તાઓએ છેલ્લા એક મહિનાથી ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તા.13 અને 14 નવેમ્બર બે દિવસ સુધી રાજકોટના ભાવિક ભક્તોએ અત્યાર સુધી ન નિહાળેલ અને અતિભવ્ય એવા મહાઅન્નકૂટઉત્સવનાં દર્શનનો લાભ લીધો હતો.