મગન આણી મંડળી દ્વારા પેઢલાના ગોડાઉન જેવું જ કૌભાંડ શાપરમાં? સીઆઈડી-પુરવઠાની તપાસમાં ખુલાસો
ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં આગ લાગવાની ઘટના બાદ જેતપુરના પેઢલા ખાતે સંગ્રહાવવામાં આવેલી મગફળીમાં મોટાપાયે ધુળ-માટીની મિલાવત સામે આવતા સરકાર દ્વારા એક પછી એક કૌભાંડોની તપાસ કરવામાં આવી રહી છે અને મગન ઝાલાવડીયા આણી મંડળી દ્વારા શાપરના ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળીના આગ પ્રકરણને ફરી ઉખેડવામાં આવ્યું છે. ગઈકાલે સીઆઈડી ક્રાઈમ અને પુરવઠાની સંયુકત તપાસ બાદ મગફળીની રેન્ડમની ચકાસણીમાં એક-એક ગુણીમાંથી ત્રણ-ત્રણ કિલોથી વધુ ધુળ-ઢેફા નિકળ્યા હોવાનું ટોંચના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જેતપુરના પેઢલાના મગફળી ગોડાઉનમાં મિલાવટ સામે આવ્યા બાદ ગુજકોટના મેનેજર મગન ઝાલાવડીયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કૌભાંડો પરથી એક પછી એક રહસ્યો ખુલ્લી ગયા છે. અગાઉ માર્કેટીંગ યાર્ડમાં પડેલા કરોડો રૂપિયાના ગોડાઉન સળગી જવા પ્રકરણમાં મગનની સંડોવણી છતી થયા બાદ ગઈકાલે સીઆઈડી ક્રાઈમ દ્વારા અચાનક જ શાપર વેરાવળમાં જે ગોડાઉનમાં આગ લાગવામાં આવી હતી તે ગોડાઉનની તપાસ કરવામાં આવી હતી.
વધુમાં પુરવઠા વિભાગને સાથે રાખી સીઆઈડી ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં શાપર-વેરાવળમાં નેશનલ કોટન કોર્પોરેશનના ગોડાઉનમાં આગમાંથી બચી ગયેલી મગફળી જયાં સંગ્રહાવવામાં આવેલી છે તેવા ગોડાઉનમાં મગફળીનું રેન્ડમલી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ મગફળીમાં પણ મગન આણી મંડળીએ કૌભાંડ આચરી કરોડો રૂપિયાના ગોટાળા કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જ બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સીઆઈડી ક્રાઈમ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીઓને સાથે રાખી ગોડાઉનમાં સંગ્રહાવવામાં આવેલી મગફળીના કોથળામાં રેન્ડમલી ૩૦ કોથળા પસંદ કર્યા હતા અને આ કોથળા ખોલાવી કેટલી મગફળી અને કેટલી ધુળ તેની ચકાસણી હાથ ધરતા પ્રત્યેક કોથળામાંથી ત્રણ કિલોથી વધારે ધુળ-ઢેફા હોવાનું બહાર આવ્યું હતું.
જોકે સતાવાર રીતે હજુ સીઆઈડી કે પુરવઠા વિભાગે આ મગફળીમાં મિલાવટ હોવાનું જાહેર કર્યું નથી પરંતુ અત્યંત સુમાહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું કે, મજુરો મારફતે આ તમામ કોથળાઓનું બારીકાઈભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મગફળી અને ધુળ-ઢેફાનો કચરો અલગ તારવવામાં આવતા પ્રત્યેક ગુણીમાંથી ૩ કિલોથી વધુ માટી મળી આવી હોવાનું જણાવ્યું હતું.
આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે જે સમયે શાપર વેરાવળના આ ગોડાઉનમાં આગ લાગી હતી ત્યારે આ જ સીઆઈડી અધિકારીઓ અને આ જ પુરવઠા વિભાગના અધિકારીઓ આ મિલાવટ શોધી શકયા ન હતા ત્યારે હવે નિકળેલી મિલાવટમાં મગનની સંડોવણી પુરવાર થાય છે કે કેમ ? તે જોવું રહ્યું.