ષડયંત્ર વિશે ખુદ સાક્ષી પાસે તમામ વિગતો હોય તેને આરોપી તરીકે જોવા દલીલ કરાઈ
વર્ષ ૨૦૦૮ના શ્રેણીબઘ્ધ ધડાકા કેસમાં નવો વળાંક આવ્યો છે. કેસમાં શંકાસ્પદ આતંકવાદીએ ગુપ્ત સાક્ષીને આરોપી તરીકે જોવા અદાલત સમક્ષ રજુઆત કરી છે. ઈન્ડિયન મુઝાહીદીનના આતંકીએ કેસના ગુપ્ત સાક્ષીને આરોપી તરીકે જોવા માંગ કરી છે. આ કેસમાં ૯૫૫ સાક્ષીઓની ઉલટ તપાસ થઈ ચુકી છે. જેમાં ૨૬ સાક્ષીઓ ગુપ્ત રાખવામાં આવ્યા છે. આ ગુપ્ત સાક્ષીઓમાંથી એક સાક્ષી આરોપીનો મિત્ર છે.
કથિત રીતે આરોપીના મિત્રને ગુપ્ત સાક્ષી તરીકે રજુ કરાયા બાદ હવે શંકાસ્પદ આતંકી તે સાક્ષીને પણ આરોપી તરીકે જોવામાં આવે તેવું કહી રહ્યો છે. ગુપ્ત સાક્ષી પોલીસને નિવેદન આપ્યા બાદ જુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ પોતાના બયાનને વરગી રહ્યો હતો ત્યારબાદ બચાવ કાઉન્સીલે ગુપ્ત સાક્ષી પણ ક્રિમીનલ કોન્સપેરન્સીનો ભાગ હોવાનું કહેવાયું છે. સીઆરપીસીની કલમ ૩૧૯ હેઠળ સાક્ષીને આરોપી તરીકે જોવામાં આવે તેવી દલીલ થઈ છે.
ગુપ્ત સાક્ષી ષડયંત્ર અંગે વધુ જાણ હોય તે સંગઠનનું નામ પણ જાણતો હોય તેને આરોપી તરીકે જોવો જોઈએ તેવી દલીલ થઈ હતી. આ ઉપરાંત સાક્ષી ધડાકા માટેનો સામાન કયાંથી અને કોની પાસેથી લાવ્યો હોવાનું જાણતો હોવાની વાત પણ થઈ હતી. એક રીતે ષડયંત્રમાં ગુપ્ત સાક્ષીની સંડોવણીની વાત અદાલત સમક્ષ મુકી તેને પણ આ કેસમાં જોડી દેવા માટે જણાવાયું છે.