મહિલા કોર્પોરેટરોની હાજરીમાં કશ્યપ શુકલ અપશબ્દ બોલ્યા હોવાનો આક્ષેપ: પોતે ગાળ બોલ્યા હોવાનો આક્ષેપ શુકલાએ નકાર્યો: મામલો ઝપાઝપી સુધી પહોંચતા સ્હેજ અટકયો

કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સેક્રેટરી ચેમ્બરમાં આજે સવારે ભાજપના સિનીયર કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ અને કોંગી મહિલા નગરસેવિકા ધર્મિષ્ઠાબા જાડેજાના પતિ મયુરસિંહ જાડેજા વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. એક તબકકે મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો જોકે વિજિલન્સ પોલીસે મામલો સંભાળી લેતા બધુ થાળે પડી ગયુ હતું.

આગામી ૨૦મી ઓકટોબરના રોજ કોર્પોરેશનમાં જનરલ બોર્ડની બેઠક મળનારી છે જેમાં પ્રશ્ર્નો રજુ કરવા માટે આજે સવારે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આવ્યા હતા. કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાનો પ્રશ્ર્ન જયારે રજુ કરવામાં આવ્યો ત્યારે આ પ્રશ્ર્ન લેવાનો સેક્રેટરી ઈન્કાર કર્યો હતો કારણકે તેઓને ગેરલાયક ઠેરવવા માટે રાજય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે અને સમગ્ર મામલો હાલ કોર્ટમાં પેન્ડીંગ છે ત્યારે સામાપક્ષે કોર્પોરેટરના પતિદેવ મયુરસિંહ જાડેજાએ એવી દલીલ કરી હતી કે ન્યાયાલયે હજી તેઓને ગેરલાયક ઠેરવ્યા નથી ત્યારે બીપીએમસી એકટ મુજબ જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોનો સમાવેશ કરવો જોઈએ.DSC 4084

આ દલીલમાં ભાજપના સિનીયર કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ વચ્ચે પડયા હતા. દરમિયાન કશ્યપભાઈ અને મયુરસિંહ જાડેજા વચ્ચે સેક્રેટરીની ચેમ્બરમાં જ બરાબરની જામી પડી હતી. કશ્યપભાઈએ મહિલા કોર્પોરેટરોની હાજરીમાં જ અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના મયુરસિંહ જાડેજાએ કર્યો હતો. સામાન્ય પક્ષે કશ્યપભાઈ શુકલએ એવું જણાવ્યું હતું કે, હું અપશબ્દ બોલ્યો નથી, ઉગ્ર બોલાચાલી થઈ હતી.

એક તબકકે મામલો ઝપાઝપી સુધી પણ પહોંચી જવા પામ્યો હતો જોકે તાત્કાલિક વિજિલન્સ પોલીસ આવી જતા સમગ્ર મામલો થાળે પડયો હતો. દરમિયાન કશ્યપભાઈએ જે કોર્પોરેટર ન હોય તેઓને સેક્રેટરીની ચેમ્બરમાંથી બહાર કાઢવાની માંગણી કરી હતી. મયુરસિંહ સહિતનાને સેક્રેટરી ચેમ્બરમાંથી બહાર કાઢયા બાદ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ મધ્યસ્થી કરી હતી અને ધર્મિષ્ઠાબા જાડેજાનો સવાલ જનરલ બોર્ડની પ્રશ્ર્નોતરીમાં સમાવી લેવા જણાવ્યું હતું અને લીગલ અભિપ્રાય લેવાનું કહેતા તેઓના પ્રશ્ર્નોનો બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.