અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની ટી-20 સિરીઝમાં પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ બીજા મેચમાં ભારતે બદલો વાળ્યો હતો. જે પિચ પર 200 રન બની શકે તે પિચ પર ભારતીય બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને ઈંગ્લેન્ડને 164 રને સમેટી દીધા હતા. જેમાં ભુવનેશ્વર કુમાર, સુંદર, શાર્દુલ અને ચહલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રથમ ઓવરના ત્રીજા બોલે જ ભુવનેશ્વર કુમારે જોશ બટલરને શૂન્ય રને પેવેલિયન ભેગો કરી દીધો હતો. જે બાદ યુઝવેન્દ્ર ચહલે મલાનને આઉટ કર્યો હતો. બીજા છેડે રોય ફોર્મમાં આવીને કમાન સંભાળી ક્રિઝ પર ઉભો હતો પરંતુ વોશિંગટન સુંદરે રોયની 46 રને ’સુંદર’ વિકેટ લીધી હતી. મેચના રિયલ હીરો બોલર્સ સાબિત થયાં હતાં. ત્યારે બીજી બાજુ બેટિંગ લાઈનમાં પ્રથમ ઓવરમાં જ કે.એલ. રાહુલની શૂન્ય રને વિકેટ પડી જતા ભારતીય ટીમ પર દબાણ વધ્યું હતું. તેવા સમયે ટી-20માં ડેબ્યુ કરી રહેલા ઈશાન કિશને સહેજ માત્ર પણ દબાણમાં આવ્યા વિના ફક્ત 37 બોલમાં 56 રનની ઇનિંગ રમીને ભારતને એક મજબૂત શરૂઆત આપી હતી. ત્યારબાદ કેપ્ટન કોહલી અને રિષભ પંત ભારતને જીત તરફ લઈ ગયા હતા અને અંતે કોહલી અને શ્રેયસે મેચને પૂર્ણ કર્યો હતો.
ભારતે ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 165 રનનો પીછો કરતાં 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તો પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઝારખંડના ખેલાડી ઈશાન કિશને મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હતો. ઈશાન કિશને ડેબ્યુમાં શાનદાર ફિફટી મારી હતી, આ ઉપરાંત અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. ઈશાન કિશને 36 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 56 રન કર્યા હતા. આ સાથે જ કિશન ડેબ્યુ ટી-20 મેચમાં ચાર સિક્સ મારનાર પ્રથમ ભારતીય પ્લેયર બન્યો છે. કિશને કેપ્ટન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી.
ઈશાન કિશન ડેબ્યુમાં ફિફ્ટી ફટકારી પ્રથમ મેચમાં સૌથી વધુ સિક્સ બનાવવાનો રેકોર્ડ બનાવ્યો ઉપરાંત પહેલી મેચમાં જ મેન ઓફ ધ મેચ બનાવવાનો રેકોર્ડ પણ ઝારખંડના આ ખેલાડીએ પોતાના નામે કર્યો છે. ઈશાન કિશને ડેબ્યુ ઇનિંગ્સમાં બાઉન્ડરી પર્સેન્ટેજ દ્વારા સૌથી વધુ રન ફટાકારનાર ખેલાડીની યાદીમાં પણ આવી ગયો છે. આ ઉપરાંત ઈશાંત કિશને ટી-20માં સૌથી યંગેસ્ટ ઓપનર ખેલાડીઓની યાદીમાં પણ સ્થાન બનાવ્યું છે.
પરફેક્ટ ટીમ કોમ્બિનેશન અને યુવાનોને અપાયેલી તકે ભારતને અપાવી શાનદાર જીત
પ્રથમ મેચમાં જે રીતે પીઢ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી પરંતુ પીઢ ખેલાડીઓ તેમની ક્ષમતા પ્રમાણે રમી શક્યા ન હતા અને ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે બીજા મેચમાં ઈશાન કિશન, શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, રિષભ પંત, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, સૂર્યાકુમાર યાદવને તક અપાઈ અને યુવા પ્રતિભાઓએ આ તક ઝડપી લીધી. બોલિંગ લાઈનમાં સુંદર અને શાર્દુલે મહત્વની બે વિકેટ ઝડપી ઇંગ્લેન્ડની ઇનિંગને નબળી બનાવી, ત્યારે બીજી બાજુ ઈશાન કિશન, રિષભ પંત અને શ્રેયસ ઐય્યરે મજબૂત બેટિંગ કરીને ભારતને જીત અપાવી હતી.
ડેબ્યુ મેચમાં ઈશાન કિશન ‘મેન ઓફ ધ મેચ’!!
ઈશાન કિશને મળેલી તકનો ફાયદો ઉઠાવતા ડેબ્યુ પર શાનદાર ફિફટી મારી હતી. તેણે ફક્ત 36 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 56 રન કર્યા હતા. તે આદિલ રાશિદની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે કપ્તાન વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. તેમજ કિશન ડેબ્યુ ટી-20 મેચમાં ચાર સિક્સ મારનાર પ્રથમ ભારતીય પ્લેયર બન્યો છે. ભારતની જિતનો શ્રેય ખરા અર્થમાં કિશનને જાય છે. જે રીતે પ્રથમ ઓવરમાં રાહુલની વિકેટ પડી જતા ભારતીય ટીમ પર દબાણ વધી જતાં ઇશાને સહેજ પણ દબાણમાં આવ્યા વિના ભારતને જિતની નજીક પહોંચાડી દે તેવી ઇનિંગ રમી હતી.