ટીમનો યુવા બોલર નવદિપ સૈની મેન ઓફ ધી મેચ: સાર્દુલ ઠાકુરે ઝડપી ૩ વિકેટ
શ્રીલંકા સામેની ૩ મેચની ટી-૨૦ સિરીઝનો પ્રથમ મેચ ગોહાટી ખાતે વરસાદનાં કારણે બંધ રહ્યો હતો ત્યારે બીજો ટી-૨૦ મેચ કે જે ઈન્દોર ખાતે રમાયો હતો તેમાં ભારતીય ટીમે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈજાથી બહાર આવેલા જસપ્રીત બુમરાહની વાપસી ભારતીય બોલીંગ ડિપાર્ટમેન્ટ માટે ઉત્સાહપૂર્વક રહી હતી ત્યારે ભારતીય બોલરો જાણે શ્રીલંકા પર ભારે પડયા હોય તેવું લાગ્યું હતું. નવદિપ સૈની દ્વારા ૧૮ રન આપી ૨ વિકેટ ઝડપી હતી અને ૨ મહત્વપૂર્ણ કેચ પણ કર્યા હતા ત્યારે તેની સર્વશ્રેષ્ઠ રમત બદલ તેને મેચ ઓફ ધી મેચનો નવાજવામાં આવ્યો છે. જયારે સાર્દુલ ઠાકુરે પણ ૩ વિકેટ ઝડપી હતી. કુલદિપ યાદવ બે વિકેટ, વોશિંગ્ટન સુંદર એક વિકેટ અને જસપ્રીત બુમરાહે પણ એક વિકેટ ઝડપી શ્રીલંકાને ૧૪૨ રન પર સીમીત રાખ્યું હતું.
મંગળવારે ઈંદોરના હોલકર મેદાન પર ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી૨૦માં ભારતે આસાન વિજય મેળવતા શ્રીલંકાને ૭ વિકેટથી હરાવી ૩ મેચોની શ્રેણીમાં ૧-૦થી લીડ બનાવી લીધી છે. શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૨ રન બનાવ્યા હતા જેની સામે ભારતે ૧૫ બોલ બાકી રહેતા જ ૩ વિકેટ ગુમાવી ટાર્ગેટ પાર કરી લીધો હતો. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ ૪૫ રન બનાવ્યા હતા જ્યારે બોલિંગમાં શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. અગાઉ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને શ્રીલંકાને બેટિંગ ઉતાર્યું હતું. શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી અને પ્રથમ ત્રણ બેટ્સમેનોએ સારો સ્કોર બનાવ્યો હતો. જોકે, મિડલ અને લોઅર ઓર્ડરના બેટ્સમેનો ભારતીય બોલિંગ આક્રમણ સામે રન બનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા અને સમયાંતરે વિકેટ ગુમાવતા રહ્યાં હતા. આખરે ૨૦ ઓવરમાં શ્રીલંકા ૯ વિકેટ ૧૪૨ રન જ બનાવી શક્યું હતું. શ્રીલંકા તરફથી કુશલ પરેરાએ સૌથી વધુ ૩૪ રન બનાવ્યા હતા. બીજી તરફ ભારત માટે શાર્દુલ ઠાકુરે ૨૩ રન આપી ૩ વિકેટ લીધી હતી.
કુલદીપ યાદવ અને નવદીપ સૈનીને પણ બે-બે વિકેટો મળી હતી. ૧૪૩ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર્સ કે એલ રાહુલ અને શિખર ધવને સારી શરૂઆત અપાવી હતી.બંનેએ ૯ ઓવરમાં ૭૧ રનની ભાગીદારી કરી હતી. ધવન (૩૨) આઉટ થયા બાદ શ્રેયર ઐયરે પણ ૩૪ રનની ઈનિંગ રમી હતી. રાહુલે સૌથી વધુ ૪૫ રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી ૩૦ રન બનાવી છેક સુધી અણનમ રહ્યો હતો. આખરે ભારતે ૧૫ બોલ બાકી રહેતા જ ૩ વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગુવાહાટી ખાતેની પ્રથમ ટી૨૦ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને આ મેચમાં ભારતે જીત મેળવી ૩ મેચોની સીરિઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે. હવે ૯ જાન્યુઆરીએ સીરિઝની છેલ્લી મેચ રમાશે.