ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડનો ‘પાવર ડાઉન’!!

બીજો ટેસ્ટ મેચ ચોથા દિવસના લંચ સુધીમાં જ સમેટાઈ જાય તેવી શકયતા

પ્રથમ ટેસ્ટ મેચની હારનો બદલો લેવા બીજા ટેસ્ટમાં ભારતીય ટીમે વળતો પ્રહાર કર્યો છે. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે 329 લક્ષ્યાંક આપ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 134 રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. ખાસ તો, પિચ ટર્નિંગ હોય ભારતીય સ્પિનરોને લાભ મળ્યો હતો. અશ્વિને પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખતા પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ચટકાવી હતી. નોંધનીય છે કે, પ્રથમ ઇનિંગમાં રોહિત શર્માએ રનની સટાસટી બોલાવતા 161 રન ફટકાર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ રોહિતના સ્કોર સુધી પણ પહોંચી શકી ન હતી. આજે બીજી ઇનિંગમાં ભારતીય ટીમ 250 રન બનાવે તો ઇંગ્લેન્ડ માટે 450 રન ચેઝ કરવા હિમાલય સર કરવા જેટલું અઘરું બની જશે અને મેચ આજે અથવા તો આવતીકાલે લંચ પૂર્વે જ સમેંટાઈ જાય તેવી પ્રબળ શક્યતાઓ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. બીજા દિવસે ઇન્ડિયન ટીમ પ્રથમ દાવમાં 329 રનમાં ઓલઆઉટ થઈ હતી. રોહિત શર્માએ 161 રનની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં ઇંગ્લિશ ટીમ રોહિત જેટલા રન પણ નહોતી કરી શકી અને 134 રનમાં ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસના અંતે ભારતે 1 વિકેટે 54 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયાની લીડ 249 રનની થઈ ગઈ છે. બીજી ઇનિંગમાં શુભમન ગિલનું ખરાબ પ્રદર્શન યથાવત રહ્યું હતું. પ્રથમ ઇનિંગમાં ગિલ શૂન્ય રને આઉટ થઈ ગયો હતો જ્યારે બીજી ઇનિંગમાં ગિલ 14 રને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ઉપરાંત પુજારા પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. પુજારા 7 રનના નિજી સ્કોરે રન આઉટ થઈ ગયો હતો.પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ 86 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત અને અજિંક્ય રહાણેએ ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 162 રનની ભાગીદારી થઇ હતી. આ દરમિયાન રહાણેએ તેની કારકીર્દીની 23મી ફિફ્ટી બનાવી હતી. રોહિતે પણ ટેસ્ટ કારકિર્દીની 7મી સદી ફટકારી હતી. તેની છેલ્લી 9મેચોમાં આ તેની ચોથી સદી હતી. રોહિતે ઓક્ટોબર, 2019માં દક્ષિણ આફ્રિકાની સામે છેલ્લી સદી રાંચીમાં ફટકારી હતી. રોહિતે કારકીર્દિની સાતેય સદી ભારતમાં જ બનાવી છે. ચેન્નઇમાં આ તેની પ્રથમ સદી હતી.

અશ્ર્વિન ડાબોડીઓના ‘ડબ્બા ડુલ’ કરવામાં માહેર

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ડાબોડી બેટ્સમેનોની સૌથી વધુ વિકેટ લેનાર બોલરનો ખિતાબ અશ્વિનના શિરે મુકાયો છે. હાલ સુધી આ રેકોર્ડ શ્રીલંકાના મુરલીધરનના નામે હતો. મુરલીધરને 191 ડાબોડી બેટ્સમેનોને આઉટ કર્યા છે જ્યારે તેનો રેકોર્ડ તોડી અશ્વિને 200 ડાબોડી બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં અશ્વિને 5 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડના 7 બેટ્સમેનો સિંગલ ડિજિટમાં આઉટ

ઈંગ્લેન્ડ માટે બેન ફોક્સે સૌથી વધુ 42 અને ઓલી પોપે 22 રન કર્યા. કેપ્ટન જો રૂટ સહિત 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા. ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિને 5 અને ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા અક્ષર પટેલે 2 વિકેટ લીધી. ઈશાંત શર્માને પણ 2, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી.

પંતની સતત ચોથી ટેસ્ટમાં ફિફ્ટી

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સતત ચોથી ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી છે. તેણે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 91 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલા તેણે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે 89 અને સિડનીમાં 97 રન બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.