પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન કેન્દ્રએ 7.02 લાખ કરોડની રાજકોષીય ખાધ લીધી હતી, આમ 2021-22 દરમિયાન સરકાર 12.05 લાખ કરોડની રાજકોષીય ખાધ ઉપયોગમાં લેશે
અબતક, નવી દિલ્હી : કોરોનાના કારણે દેશના અર્થતંત્રને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે અર્થતંત્રને ફરી દોડતું કરવા માટે મોદી સરકાર બીજા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 5.03 લાખ કરોડની રાજકોષીય ખાધ ઉપયોગમાં લેશે. આ રાજકોષીય ખાધ અર્થતંત્રને ફરી ધબકતું કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે.
કેન્દ્ર વર્તમાન નાણાકીય વર્ષના બીજા ભાગમાં કોરોનાના લીધે થંભી ગયેલા અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા તથા મહેસૂલી આવકમાં પડેલી ઘટને સરભર કરવા 5.03 લાખ કરોડની રાજકોષીય ખાધ ઉભી કરશે, એમ નાણા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું. પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન કેન્દ્રએ 7.02 લાખ કરોડની રાજકોષીય ખાધ લીધી હતી . આમ 2021-22ના સમગ્ર નાણા વર્ષ દરમિયાન સરકાર 12.05 લાખ કરોડની રાજકોષીય ખાધ ઉભી કરી રહી છે.
સરકાર હવે બીજા ભાગમાં 5.03 લાખ કરોડની રાજકોષીય ખાધ લેવાનું આયોજન ધરાવે છે. આ રકમમાં રાજ્યોને જીએસટી પેટે આપવામાં આવનારી લોન ફેસિલિટીની રકમ તથા વળતર પેટે આપવામાં આવનારી રકમનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે ઉમેર્યુ હતુ.
બજેટ 2021-22 મુજબ સરકારનું કુલ ઋણ ૧૨.૦૫ લાખ કરોડ રહેવાનો અંદાજ હતો, જ્યારે પહેલી એપ્રિલથી શરુ થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ચોખ્ખુ ઋણ 9.37 લાખ કરોડ રહેવાનો અંદાજ છે.
આ કુલ ઋણમાં ભૂતકાળની લોનની ચૂકવણીનો સમાવેશ થાય છે. આગામી નાણાકીય વર્ષમાં અગાઉની લોન પેટેના 2.80 લાખ કરોડની રકમની ચૂકવણી કરવાની છે.
સરકાર તેની રાજકોષીય ખાધને ડેટેડ સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલ્સ દ્વારા ફંડ કરવા માટે બજારમાંથી નાણા ઊભી કરવાની છે. આગામી નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીના 9.5 ટકાથી ઘટીને 6.8 ટકા રહેવાનો અંદાજ છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષના બીજા ભાગમાં લેવામાં આવનારુ ઋણ 23 હજાર કરોડથી 24 હજાર કરોડના કુલ 21 હપ્તામાં સાપ્તાહિક ધોરણે લેવામાં આવનાર છે. આ ઋણ વિવિધ સમયગાળાની મુદતે પાકશે. તેમા બે વર્ષનું ઋણ ચાર ટકા, પાંચ વર્ષનું 11.9 ટકા, દસ વર્ષનું 28.4 ટકા, 14 વર્ષનું 17.4 ટકા, 30 વર્ષનું 13.9 ટકા અને 40.1 વર્ષનું 15.1 ટકાના દરે લેવાશે. ફ્લોટિંગ રેટ બોન્ડ્સ હેઠળ 8.8 ટકાના દરે ઋણ લેવાશે. આમ છતાં પણ જો સરકારના ખાતામાં ઘટ પડે તો રિઝર્વ બેન્ક વેઝ એન્ડ મીન્સ પેટે 50,000 કરોડની રકમ ઠાલવશે.