૧૫૦ વિદ્યાર્થીઓ બેસી શકે તેવા હાઈટેક સેમિનાર હોલનું નિર્માણ
રાજ્ય સરકારે CCDC ની સરાહનીય કામગીરી ધ્યાને લઈ ૬ કરોડની ગ્રાન્ટ ફાળવી’તી: અઢી કરોડની ગ્રાન્ટ પુસ્તકો ખરીદવા મંગાઈ
દેશમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા માટેની સ્પેશિયલ લાયબ્રેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિર્માણ પામી રહી છે. વર્ષ ૨૦૧૫ માં રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં CCDC ની સરાહનીય કામગીરીને ધ્યાનમાં રાખી માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને તાલીમ માટેની હાઈટેક લાયબ્રેરી શરૂ કરવા માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી. ૧ લાખ પુસ્તકો અને એક સાથે ૧૮૦ વિદ્યાર્થીઓ વાંચી શકે તે પ્રકારની સુવિધાયુક્ત લાયબ્રેરી આગામી પાંચ માસમાં નિર્માણ પામશે. લાયબ્રેરીમાં દરેક જગ્યાએ સૂર્યનો સીધો પ્રકાશ પહોચી શકે તે પ્રકારે ગ્રીન બિલ્ડીંગ બનશે. જેનાથી વર્લ્ડ બેંકની ગ્રાન્ટ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળી શકે તેવી સંભાવના છે.
દેશની ૫૮૫ યુનિવર્સિટીમાંથી ૪૦ યુનિવર્સિટીમાં ઞઙજઈ સેન્ટર કાર્યરત છે ત્યારે વર્ષ ૨૦૧૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કેરિયર કાઉન્સીલ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા યુનિવર્સિટીમાં એન્ટ્રી ટુ સર્વિસનાં માધ્યમથી સ્પેશિયલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની લાયબ્રેરી શરૂ કરવા માટે યુ.જી.સી.ની પંચવર્ષીય યોજના હેઠળ ગ્રાન્ટ માંગવામાં આવી હતી. જોકે લાયબ્રેરી શરૂ કરવા માટેનું પ્રેઝન્ટેશન નિહાળી ઉચ્ચ શિક્ષણ કમિશ્નરે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવા તૈયારી બતાવી હતી. પ્રથમ વર્ષે ૩ કરોડ અને બીજા વર્ષે ૩ એમ કુલ ૬ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જેથી રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની સ્પેશિયલ લાયબ્રેરી શરૂ થઈ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના જણાવ્યા પ્રમાણે, આ લાયબ્રેરીમાં ૧ લાખ જેટલા પુસ્તકો, ઇ બુક, મલ્ટી મીડિયા, વિડીયો લેકચર, મોક ટેસ્ટ, ઓનલાઈન ટ્રેનીંગની સુવિધા ઉભી થશે. જેમાં યુપીએસસી, જીપીએસસી, બેંકિંગ, પોસ્ટ સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ પણ વિડીયો લેકચરથી માર્ગદર્શન મળી રહેશે. ૧૫ ફૂટની હાઇટ ધરાવતી ઇકો ફ્રેન્ડલી લાયબ્રેરી ગ્રીન બિલ્ડીંગ ગણાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાયબ્રેરીયન નિલેષ સોની અને તેની ટીમે આઈ.આઈ.એમ. – અમદાવાદ સહિતની ૧૪ યુનિવર્સિટી – કોલેજની મુલાકાત લીધી હતી ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાની લાયબ્રેરી શરૂ કરવા માટેની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. લાયબ્રેરીનું ઇન્ટીરિયર કાચનું બનાવવામાં આવશે. જેથી પારદર્શકતા જળવાઈ રહે.
એમ.બી. એ ભવન પાસે બનશે નવું ઓડિટોરિયમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.બી.એ ભવન પાસે નવો ઓડિટોરિયમ હોલ બનવા જઇ રહ્યો છે. ૯૫૦ વ્યક્તિઓની બેસવાની ક્ષમતા ધરાવતા આ ઓડિટોરિયમ માટે રૂ.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.