દસથી વધુ એસટી બસ પર પથ્થમારો અને આગ ચાપી દેવાઇ: બંધ કરાવવા દુકાનો અને શો રૂમમાં તોડફોડ
સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એકટમાં કરેલા સુધારાના વિરોધમાં દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપી ગઇકાલે બંધ કરાવવા નીકળેલા ટોળાએ ઠેર ઠેર એસટી બસ પર પથ્થરમારો કરી દસથી વધુ બસમાં નુકસાન કર્યાની અને દુકાનો તેમજ શોરૂમમાં નુકસાન કર્યાની ૧૮ જેટલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
અમરેલીના કિશોરભાઇ અમૃતલાલ જોષી રાજકોટ-વિછીંયા રૂટની એસટી બસ લઇને રાજકોટ આવ્યા ત્યારે ઢેબર રોડ પર જુના બસ સ્ટેશન પાસે આઠ જેટલા અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી લાકડીથી કાચ ફોડી રૂ.૧૯ હજારનું નુકસાન કર્યાની, બગસરાના સલીમભાઇ ગફારભાઇ મેર જી.જે.૧૮ઝેડ. ૮૨૧૯ નંબરની એસટી બસ લઇને ઢેબર રોડ પર પીડીએમ પાસેથી પસાર થતા હતા ત્યારે ચારેક જેટલા શખ્સોએ પથ્થર અને લાકડીથી બસમાં તોડફોડ કરી રૂ.૨૫ હજારનું નુકસાન કર્યાની, પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અશોકસિંહ વેલુભા જાડેજા જી.જે.૧૮વાય. ૨૬૬૫ નંબરની ભૂજ-પોરબંદર રૂટની એસટી બસ લઇને માલવીયા કોલેજ પાસેથી પસાર થતા હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી રૂ.૨ હજારનું નુકસાન કર્યાની અને માંગરોળમાં રહેતા પ્રકાશભાઇ મેણંદભાઇ ચાવડા જી.જે.૧૮વાય. ૮૧૮૨ નંબરની બાટવા-રાજકોટ ‚ટની બસ લઇને ગોંડલ રોડ એસટી વર્કસ સોપ પાસેથી પસાર થતા હતા ત્યારે બે બાઇકમાં આવેલા ત્રણ શખ્સોએ પેટ્રોલ ભરેલી બોટલ બસ પર ફેંકી દિવાસળી ચાંપી સળગાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ધારીમાં ૧૫૦૦ જેટલા શખ્સો મામલતદારને આવેદન પત્ર પાઠવી પરત ફર્યા ત્યારે દંભાણી સ્કૂલ ચાલુ હોવાથી બંધ કરાવવા પ્રિન્સીપાલ શાંતિલાલ હરીભાઇ પરમાર પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જામનગર મહાપાલિકા કચેરી, સુપર માર્કેટના શો‚મમાં તોડફોડ કરી ટોળાએ લાલ બંગલા સર્કલ પાસે ચક્કા જામ કરી વડા પ્રધાન અને મુખ્ય મંત્રીના પોસ્ટર અને હોલ્ડીંગ તોડી ટાયર સળગાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
જૂનાગઢની મધુરમ ચોકડી, વડાલ ચોકડી પાસે ટોળાએ ચક્કાજામ કરી ઝાંઝરડા રોડ પર આવેલી દુકાનમાં તોડફોડ કરી નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કોડીનાર અને ઉનામાં પણ ટોળાએ દુકાનો બંધ કરાવવા નુકસાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કોડીનારમાં તોડફોડ કરતા ટોળાને વિખેરવા પ્રયાસ કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે દુકાનો બંધ કરાવવા ટોળાએ પથ્થરમારો કરી નુકસાન કર્યાની, ધ્રાંગધ્રાંમાં એક બસને ટોળાએ આગ ચાંપી દીધાની અને એક બસ પર પથ્થરમારો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ચોટીલામાં બંધ કરાવવા નીકળેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. ટોળાએ વેપારીઓ પર પણ હુમલો કર્યાની પોલીસમાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ટોળાએ લીંબડીમાં હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો.ભાવનગરમાં નિલમ બાગ અને ગંગાજળીયા વિસ્તારમાં ટોળાએ પથ્થરમારો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,