ગાદીના વારસે સત્તા આડે નડતા પ્રતિસ્પિર્ધીઓને એક ઝાટકે દૂર કર્યા: ૧૧ શાહજાદા અને અનેક મંત્રીઓની ધરપકડ
સાઉદી અ્રેબીયામાં રાજ પરિવારમાં સત્તાની જંગ નેપાળના રાજ પરિવારની જંગની જેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અગાઉ નેપાળમાં પણ સત્તા હસ્તગત કરવા રાજ પરિવારમાં અનેકનું કાશળ કાઢી નખાયું હતું. ત્યારે સાઉદીના ક્રાઉન પ્રિન્સે ભ્રષ્ટાચારના નામે સત્તા હસ્તગત કરવા માટે શાહજાદા અલ વાલીદ બિન તલાલ સહિત ૧૧ રાજકુંવરોની ધરપકડ કરાવી છે. ઉપરાંત ચાર વર્તમાન મંત્રીઓ અને ડઝનેક પૂર્વ મંત્રીઓને પણ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
સાઉદીની સરકારે રાજગાદીના પ્રબળ દાવેદાર અને સાઉદી નેશનલ ગાર્ડના વડા, સાઉદી નૌકાદળના વડા તથા નાણામંત્રીને પણ બરતરફ કરી નાખ્યા છે. વર્ષ ૨૦૦૯માં જેહાદમાં આવેલા વિનાશક પુર અને સેંકડો લોકોના ભોગ લેનાર મીડાલીસ્ટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ વાયરસ સામે લડવા અપાતી સરકારી સહાયમાં આચરાયેલા ભ્રષ્ટાચારની તપાસમાં અનેક ખુલાસા બાદ આ પગલા લેવામાં આવેલા છે.
સાઉદીના પૂર્વ શાસક સ્વ.કિંગ અબ્દુલ્લાહના શક્તિશાળી પુત્ર પ્રિન્સ મિતેબ બિન અબ્દુલ્લાહની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમને મહત્વના હોદ્દા પરથી તત્કાલ ખદેડી દેવાયા છે. પ્રિન્સ અલવાલીદની ધરપકડના કારણે મિડલ ઈસ્ટની મહાકાય મલ્ટીનેશનલ કંપનીઓમાં સોંપો પડી ગયો છે. સત્તાના સૂત્રો હાથમાં આવે તે પહેલા ગાદીના વારસે પ્રતિસ્પર્ધિઓને માર્ગમાંથી હટાવી દીધા છે.
હરિફોને ભ્રષ્ટાચારના આરોપસર એક યા બીજી રીતે સજા કરી સાઉદી અરબમાં પાટવી કુંવર મોહમદ બિન સલમાન સત્તાના સૂત્રો સંભાળી લેશે. તેણે અને તેના સાથીદારોએ હરિફોને રસ્તામાંથી દૂર કરવા ભ્રષ્ટાચાર વિરોધી લડાઈનું શસ્ત્ર અજમાવ્યું છે. બીજી તરફ ભ્રષ્ટાચાર સામેની લડાઈ ઈસ્લામીક ફરજ હોવાની દલીલ ધર્મગુરૂઓએ કરી છે.