જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કોરોનાના કારણે મંગળવારથી ખેડૂતોની જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે, અને આગામી તા. 16 થી 18 દરમિયાન લોક ડાઉન ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને પોતાની જણસી ના લાવવા યાર્ડ તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.
જુનાગઢ માર્કેટિગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલના જણાવ્યા અનુસાર, મંગળવાર તા. 13 એપ્રિલ મંગળવાર બપોરના 2 વાગ્યાથી યાર્ડમાં તમામ જણસીની આવક બંધ કરી દેવામાં આવી હતી. ખેડૂતો અને વેપારીઓને આર્થિક રીતે હેરાન થવું ન પડે તે માટે જે જણસી પડતર છે તેથી ગઈકાલ બુધવાર અને આજે ગુરૂવાર એમ 2 દિવસ હરરાજી કરવામાં આવશે, બાદમાં તા. 16 થી 18 એપ્રિલ સુધી મુખ્ય અનાજ કઠોળ માર્કેટીંગ યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. જેથી રવિવાર સુધી સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન પાડવામાં આવશે.
જૂનાગઢ શહેરના 54 સહિત જિલ્લાના 106 લોકો કોરોનાની ઝપેટમાં
જૂનાગઢ શહેરના એક અને વિસાવદર પંથકના એક મળી સોરઠ પંથકના 2 કોરોના ગ્રસ્ત દર્દીને ભરખી જવાની સાથે જૂનાગઢ સહિત જિલ્લામાં કાળમુખા કોરોના એ પોતાનું ભયંકર સંક્રમણ જારી રાખ્યું છે અને ગઈકાલે જૂનાગઢ શહેરના 54 લોકો સહિત જિલ્લાના 106 લોકોને ઝપેટમાં લઇને કોરોના એ પોઝિટિવ બનાવી દેતા સમગ્ર સોરઠ પંથકના લોકોમાં ભયનો માહોલ ખડો થઈ જવા પામ્યો છે, સતત વધતા જતા કોરોના કેસના કારણે જિલ્લા તંત્રમાં ચિંતા વ્યાપી જવા પામી છે, અને કોરોનાને વધતો રોકવા સકાય તેટલી કામગીરી હાથ ધરાઈ રહી છે. તો શહેરની કોવિડ હોસ્પિટલો ફુલ થઈ રહી છે.
જૂનાગઢ સહિત જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી કોરોના પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ સતત ઉંચો જઈ રહ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ ગઈકાલે જૂનાગઢ શહેરના 54, જૂનાગઢ તાલુકાના 5, કેશોદ તાલુકાના 11, ભેસાણ તાલુકાના 3, માળિયા તાલુકાના 6, માણાવદર તાલુકાનાં 5, મેંદરડા તાલુકાનાં 4, માંગરોળ તાલુકાના 8, વંથલી તાલુકાના 6 અને વિસાવદર તાલુકાના 4 મળી કુલ 106 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થતાં તેમને હોસ્પિટલમાં સારવારમાં લેવામાં આવ્યા છે. જો કે તેમની સામે કોરોનાને મહાત આપેલ 39 દર્દીઓને ગઈકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.