ડાઇ શીખામણ આપે,ગાંડી સાસરે જાય તેવો કોંગ્રેસનો ઘાટ
એઆઈસીસીમાં નિમાયેલા ગુજરાતનાં ૯૦ ડેલીગેટોમાંથી ૨૧ને કદી પાર્ટીએ ટિકિટ આપી નથી; જયારે ૧૫ ડેલીગેટો છેલ્લા ૧૦ વર્ષમાં એકપણ ચૂંટણી જીત્યા નથી
ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે યુવાનોને વધારે તક આપીને સારો દેખાવ કર્યો હતો. જેથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ‘ગુજરાત મોડલ’ પર દેશભરની ચૂંટણીઓમાં યુવાનોને આગળ કરી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજયોની ચૂટણીમાં પણ યુવાનોને તક આપી કોંગ્રેસ ત્રણ રાજયોમાં સફળતા મેળવી હતી.પરંતુ, દેશની સૌથી જૂની એવી કોંગ્રેસ પાર્ટીમાં પીઢ નેતાઓનું જ વર્ચસ્વ હોય તેમ ગઈકાલે એઆઈસીસીનાં ડેલીગેટોની થયેલી નિમણુંકોમાં ગુજરાતનાં દાયકાઓ જુના ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસક પાર્ટીએ એઆઈસીસીનાં ડેલીગેટોની યાદીની ગઈકાલે જાહેર કરી હતી જેમાં ગુજરાતમાંથી ૯૦ નેતાઓને સમાવવામાં આવ્યા છે. જેમાં ૬૮ ડેલીગેટો અને ૨૨ કો-ઓપ્ટ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. આ ૬૮ ડેલીગેટોમાંથી ૨૧ સભ્યો એવા નિમાયેલા છે. જેઓને કદી પાર્ટીએ ટીકીટ આપવા યોગ્ય ગણ્યા નથી. જયારે ૧૫ એવા સભ્યો છે કે જેઓ છેલ્લા ૧૦ વર્ષમાં એકપણ ચૂંટણી લડયા નથી.
જયારે, કો-ઓપ્ટ સભ્યો તરીકે નિમાયેલા ૨૨ સભ્યોમાંથી ૧૩ સભ્યોને કદી ચૂંટણીની ટીકીટ અપાઈ નથી જયારે ૨ નેતાઓએ ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થઈ હતી તમામ ૯૦ સભ્યોની ગણતરી કરી એ તો ૫૫ સભ્યો એવા છે કે જેમને પાર્ટીએ કદી ટીકીટ આપી નથી. છેલ્લા દશ વર્ષમા ચૂંટણી જીત્યા નથી કે નિવૃત જીવન ગાળી રહ્યા છે. કોંગ્રેસે આવા ‘દિગ્ગજો’ને નિર્ણાયક ભૂમિકામાં મૂકીને પાર્ટીને યુવાનાને નહી પરંતુ ‘પીઢો’ના આધારે લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. તે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ નિમણુંકો સામે પ્રદેશની યુવાનેતાગીરીમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે પણ આ પીઢોની નિમણુંકો સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળે છે.
એઆઈસીસીમાં ડેલીગેટ તરીકે જેમની નિમણુંકો કરાય છે તેમાં નરેશ રાવલ, સાગર રાયકા, ધીરૂ ગજેરા, વિજય દવે, ચંદ્રીકાબેન ચુડાસમા, કરશનદાસ સોનેરી, નિશિત વ્યાસ, મૌલીન વૈષ્ણવ ગૌરવ પંડયા, ગુણવંત મકવાણા, હિમાંશુ વ્યાસ, રાજેન્દ્રસિંહ પટેલ અને અલ્કા ક્ષત્રીય એવા નામો કે જેને કાર્યકરો નામથી ઓળખે છે નરેશ રાવલને ગત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ શહેરી વિસ્તારોની બેઠકો માટે ચૂંટણી કમિટીના ચેરમેન બનાવ્યા હતા. પરંતુ તેમના ચેરમેન પદે પાર્ટીએ દરેક શહેરી વિસ્તારોમાં નબળો દેખાવ કર્યો હતો. તેવી જ રીતે દલિત નેતા અને પૂર્વ સ્પીકર કરશનદાસ સોનેરીને પાર્ટીએ કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ તેઓ દલિત મતોને આકર્ષવામાં જોઈએ તેટલા સફળ રહ્યા નહતા.
તેવી જ રીતે હિંમાશુ વ્યાસને કોંગ્રેસ દ્વારા ગત વર્ષે ઈલેકટ્રોનીકસ મીડીયા ક્ધવીનર બનાવ્યા હતા તેઓ વઢવાણ વિધાનસભામાંથીબે વખત ચૂંટણી હારી ચૂકયા છે. ઉપપ્રમુખ મૌલીન વૈષ્ણવને પણ એકાદી ચૂંટણી લડવાનો અનુભવ છે. ભરતસિંહ સોલંકીની નજીકન ગણાતા વિનય દવે એલિસબ્રિજ વિધાનસભાની ચૂંટણીમાં હારી ચૂકયા છે. જયારે કુલદીપ શર્મા, લાલજી દેસાઈ, મનીષ દોશી, મૌલીન વૈષ્ણવ, નિશિત વ્યાસ, અલ્કા ક્ષત્રીય, વિજય દવે અને સોનલ પટેલને થોડોક અથવા જરાપણ ચૂંટણી લડવાનો અનુભવ નથી જયારે વડોદરામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સામે ચૂંટણી લડનારા નરેન્દ્ર રાવત, ધારાસભ્ય સી.જે. ચાવડા ડો હેમાંગ વસાવડા, ધારાસભ્ય ડો.અનિલ જોષીયારા, ધારાસભ્ય સુરેશ પટેલ, નૈષધ દેસાઈ અને સુનીલ જીકાર જેવા નેતાઓને જેએઆઈ સીસી ડેલીગેટમા મૂકાયા નથી.
આ અંગે પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પુછતા તેમને જણાવ્યું હતુ કે આ બધા ડેલીગેટોની નિમણુંકો પાર્ટીના નિયમો મુજબ મેરીટ ઉપર અને તેમની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને સારી કામગીરીને ધ્યાને લઈને કરવામાં આવી છે. તેમાં ચૂંટણીનો અનુભવ ન ધરાવતા નેતાઓ પણ હોય શકે પરંતુ પાર્ટી આ માટે અલગથી વિચારે છે. જયારે, પાર્ટી માટે છેલ્લા ૨૦ વર્ષથી કામ કરતા એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતુ કે આ નિમણુંકોમાં દરેક મહત્વના નેતાઓએ કવોટા સિસ્ટમ મુજબ પોતાના અંગત ટેકેદારોની નિમણુંક કરાવી દીધી છે. પરંતુ ઉચ્ચ નેતાઓની ‘મારો એ સારો પણ સારો એ મારો નહીં’ની વિચારધારા પાર્ટી માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
જયારે, આ અંગે પાર્ટીના પ્રવકતા
ડો. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ
કમિટીના સભ્યોમાંથી ૨૦ ટકા સભ્યોને આપોઆપ એઆઈસીસીમાં નિમણુંક આપવી પડે છે. જે માટે પ્રદેશ કમિટીએ ૩૪૭ સભ્યોમાંથી ૬૮ નામોની પસંદગીકરી હતી. આ પસંદગી પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને બીજા
વરિષ્ટ નેતાઓ સાથે મસલત કર્યા બાદ કરવામાં આવી છે.