પાર્કિંગ સિસ્ટમ માટે રોબોટીકસ પ્રોગ્રામ બનાવીને નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાની ચેલેન્જ પૂર્ણ કરી

આઈ.આઈ.ટી.-મુંબઈ દ્વારા ઈજનેરી કોલેજીસના અધ્યાપકો માટે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન રોબોટીકસ સ્પર્ધામાં રાજકોટની આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના અધ્યાપકોની ટીમે પ્રથમ સ્થાને રહીને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ ટીમમાં ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના અધ્યક્ષ પ્રો.આશિષ કોઠારીના નેતૃત્વમાં તે જ વિભાગના અધ્યાપક પ્રો.તુષાર મહેતા, ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગના અધ્યાપકો પ્રો.નીતિન અદ્રોજા અને ધવલ રાવલનો સમાવેશ થતો હતો.

ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા નેશનલ મિશન ઓન એજયુકેશન અંતર્ગત ‘ઈ-યંત્ર’ યોજના અપનાવી છે. જેમાં રોજબરોજની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે દેશના વિવિધ ક્ષેત્રના ટેકનોક્રેટ્સને આહવાન કરવામાં આવે છે. આઈ.આઈ.ટી.-મુંબઈ દ્વારા ઈ-યંત્ર પ્રણાલી અંતર્ગત ટેકનોલોજીની કોલેજીસના અધ્યાપકો માટે ટાસ્ક બેઝડ ટ્રેનિંગ (ટીબીટી) પ્રોગ્રામ હેઠળ તા.૧૭ એપ્રિલથી ૫ જુન દરમિયાન ઓનલાઈન ચેલેન્જ આપવામાં આવી હતી. આ વર્ષે અધ્યાપકોને પાર્કિંગ સીસ્ટમ માટે રોબોટીકસ પ્રોગ્રામ બનાવીને નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાની ચેલેન્જ આપવામાં આવી હતી. આ વર્ષે સાડત્રીસ ઈજનેરી કોલેજીસના એકસો સુડતાલીસ અધ્યાપકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આત્મીય કોલેજની ટીમે પ્રોગ્રામિંગ અને કોમ્પોનન્ટ સિલેકશનમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે નિયત સમયમાં આ ચેલેન્જ સોલ્વ કરીને અપલોડ કરી હતી. તાજેતરમાં આ ચેલેન્જનું પરિણામ જાહેર થતા આત્મીય કોલેજની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ટીમ લીડર અને ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વડા ડો.આશિષ કોઠારીએ આ સિદ્ધિ અંગે ‘અબતક’ને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આત્મીય કોલેજના ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગમાં આઈ.આઈ.ટી.-મુંબઈ દ્વારા પ્રમાણિત સૌરાષ્ટ્રની સર્વપ્રથમ અને એકમાત્ર સેન્ટર ઓફ એકસસલેન્સ ઈન એમ્બેડડેડ સિસ્ટમ્સ એન્ડ રોબોટિકસની અદ્યતન લેબોરેટરી છે કે જેમાં વિદ્યાર્થીઓને રોબોટિકસ વિષય પર અવનવા ડેવલપમેન્ટ કરવાની તક મળે છે. આ શૈક્ષણિક સુવિધાને કારણે જ ચેલેન્જ સ્વીકારીને સફળતા મેળવી શકયા છીએ. આવી સુવિધા ઉભી કરવા માટે તેમણે મેનેજમેન્ટ પરત્વે આભારની લાગણી વ્યકત કરી હતી.

આત્મીયના અધ્યાપકોની સફળતા અંગે હર્ષની લાગણી વ્યકત કરતા પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું છે કે, લોકોપયોગી સંશોધનમાં રત રહીને આ અધ્યાપકોએ દાખલો બેસાડયો છે. વિદ્યાર્થીઓમાં જીજ્ઞાસા જાગે અને કૌશલ્ય પ્રાપ્ત કરે તે માટે તેના માર્ગદર્શક અધ્યાપકો પણ પ્રવૃત રહે તે આજના સમયની અનિવાર્યતા છે. આત્મીય ગ્રુપના નિયામક ડો.જે.એન.શાહ અને પ્રિન્સીપાલ ડો.જી.ડી.આચાર્યએ પણ અધ્યાપકોની સફળતા માટે આનંદની લાગણી વ્યકત કરવાની સાથે કહ્યું છે કે, આવા વિદ્વાન અધ્યાપકો પાસે અભ્યાસ કરવાની તક મળે તે વિદ્યાર્થીઓનું પણ સૌભાગ્ય છે. અધ્યાપકોની સાથે સાથે તેમના વિદ્યાર્થીઓ અભિનંદનના અધિકારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.