અમદાવાદ-વડોદરા બાદ હવે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનશે, પ્રવાસન, ઉદ્યોગ અને રોજગાર જગતને ફાયદો જ ફાયદો થશે
રાજકોટ હવે ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર બની રહ્યું છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એરપોર્ટ અને એઇમ્સ જેવી સવલતો આવી રહી છે ત્યારે આ શહેરનો વિકાસ કલ્પનાતીત થશે સાથે સાથે વર્લ્ડ કલાસ સુવિધાઓ પણ ઘર આંગણે મળી રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દ્રઢ ઈચ્છાશક્તિથી સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મેળવવા જઈ રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ હવે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતનાં દીર્ધદૃષ્ટા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રશંસનીય પ્રયાસોથી રાજકોટથી 27 કિલોમીટરના અંતરે 1025.5 હેક્ટર જમીન ઉપર ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. રાજકોટ નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનતા સમગ્ર સૌરાષ્ટ્રનાં પ્રવાસન, ઉદ્યોગ, હોટેલ, રોજગાર વગેરે ક્ષેત્રોને ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અતિ મહત્ત્વનાં માનવામાં આવતા પ્રોજેક્ટમાં રાજકોટના આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનો સમાવેશ થાય છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંગત રસ દાખવી પોતાના માર્ગદર્શન વડે અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા હીરાસર ગામ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરાવી રહ્યા છે. નવા એરપોર્ટમાં 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રન-વે બનાવાશે. નવા એરપોર્ટના કારણે 10 જિલ્લાના ઉદ્યોગોને અકલ્પનીય ફાયદો થશે અને દેશનું સંભવત: સૌથી મોટું કાર્ગો સ્ટેશન નવા એરપોર્ટ ખાતે બનવાનું હોઈ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં રાજકોટ-ચોટીલા વચ્ચે હીરાસર ગામ નજીક નવા બની રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે યાત્રિકોની સરળતા અને સુવિધા માટે એસ.ટી બસ સ્ટેન્ડ પણ બનાવાશે. એરપોર્ટ આસપાસ ફાઇવ સ્ટાર-થ્રી સ્ટાર હોટલ, કોમર્શિયલ બિલ્ડિંગ, એક્ઝિબિશન સેન્ટર સહિતના પ્રોજેક્ટ પણ શરૂ થવાના છે. આ એરપોર્ટમાં વધારાના વિમાનોના પાર્કિંગ, ફ્યુઅલ સ્ટેશન, કોમર્શિયલ બિલ્ડિંગ, હોટલ ઉપરાંત સ્ટાફ કવાટર્સ સહિતની તમામ સગવડતાઓ ઉપલબ્ધ કરાશે. જે માટેના પ્લાનો પણ બનાવવામાં આવ્યા છે. આ એરપોર્ટના નિર્માણ પાછળ થનારો રૂ. 2500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભેટનો લાભ ઝડપથી મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અથાક મહેનત કરી રહ્યા છે અને ટુંકસમયમાં આ એરપોર્ટ નિર્માણ પામી કાર્યરત થાય તે માટેનાં પ્રયાસો હાથ ધરી જરૂરી તમામ કામગીરી કરી રહ્યાં છે.