ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા
મુમુક્ષુઓ આત્માઓની સેંકડો ભાવિકોથી શોભતી સંયમ શોભાયાત્રામાં સર્વત્ર જય-જયકાર ગુંજી ઉઠ્યો
અબતક-રાજકોટ
ક્ષણ-ક્ષણ અનંત જીવો સંસાર વૃદ્ધિ તરફના પુરુષાર્થોમાં રાચી રહ્યા છે ત્યારે સદાને માટે સંસાર ત્યાગની વીરતા દર્શાવીને, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં સાત-સાત મુમુક્ષુ આત્માઓ સંયમ અંગીકાર કરવા જઈ રહ્યા છે ત્યારે ગોંડલ સંપ્રદાય સંસ્થાપક આચાર્યદેવ પૂજ્ય ડુંગરસિંહજી મહારાજ સાહેબના ગાદીના ગામ એવા ગોંડલમાં ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે મુમુક્ષુઓના સંયમ ભાવની અનુમોદના કરતા “સંયમઅનુજ્ઞા અર્પણમ” અવસર આયોજિત કરવામાં આવ્યો હતો.
પ્રભુ પંથે પ્રયાણ કરી રહેલા મુમુક્ષુ પ્રિયંકાબેન પારેખ, મુમુક્ષુ હેતાલીબેન દોશી, મુમુક્ષુ જીનલબેન શેઠ, મુમુક્ષુ દેવાંશીબેન ભાયાણી, મુમુક્ષુ નિધીબેન શાહ, મુમુક્ષુ નિશાબેન દોશી અને મુમુક્ષુ ભવ્યભાઈ દોશીની સંયમ ભાવનાને વધાવતા આ અવસરે ધર્મવત્સલા માતા જ્યોત્સનાબેન ગોવિંદભાઈ દેસાઈ પરિવારના આંગણેથી આયોજિત કરવામાં આવેલી સંયમ સન્માન શોભાયાત્રા અણુઅણુને ગજાવતા બેન્ડ, માથે કળશ ધારી બાલિકા તથા મસ્તક પર સજાવેલ આગમધારી બહેનો, દેવવિમાન સમી સજાવેલી સુંદર બગીઓમાં બિરાજમાન થયેલા મુમુક્ષુ આત્માઓ, જયકાર ગુંજવતા સંઘ શ્રેષ્ઠવર્યો અને સેંકડો ભાવિકો, બોધસૂત્ર લઈને ઉત્સાહથી ચાલતા લુક એન લર્ન જૈન જ્ઞાન ધામના બાળકોથી શોભતી શોભાયાત્રા ગોંડલના રાજમાર્ગોને ગુંજવતી ગાદીના ઉપાશ્રયે વિરામ પામી હતી.
મુમુક્ષુ આત્માઓના સંયમ ભાવોની અનુમોદનાના ભાવ સાથે આ અવસરે રાજકોટના સ્થાનકવાસી જૈન મોટા સંઘ-વિરાણી પૌષધશાળા, રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, મહાવીરનગર સંઘ, નેમિનાથ વીતરાગ સંઘ, ગોંડલ રોડ વેસ્ટ સંઘ, શાલીભદ્ર સરદારનગર સંઘ, ગીતગુર્જરી સંઘ, મનહર પ્લોટ સંઘ, શ્રમજીવી સંઘ, રેસકોર્સ પાર્ક સંઘ, જૈન ચાલ સંઘ, ચંદ્રપ્રભુ આરાધના ભવન સંઘ, વખારીયા સંઘ, ઉવસ્સગહર સાધન ભવન, શેઠ ઉપાશ્રય, સદર સંઘ સાથે વેરાવળ સ્થા. જૈન સંઘ, જુનાગઢ સ્થા. જૈન સંઘ, ઉપલેટા સ્થા. જૈન સંઘ, જેતપુર સ્થા. જૈન સંઘ, અમરેલી સ્થા. જૈન સંઘ, ધારી સ્થા. જૈન સંઘ, બગસરા સ્થા. જૈન સંઘ, વિસાવદર સ્થા. જૈન સંઘ, માળીયા હાટીના સ્થા. જૈન સંઘ, પોરબંદર સ્થા. જૈન સંઘ, બિલખા સ્થા. જૈન સંઘ, જેતલસર સ્થા. જૈન સંઘ, ચાવંડ સ્થા. જૈન સંઘ આદિ સમગ્ર સૌરાષ્ટ્રના સંઘોના પ્રતિનિધિઓની સાથે ગોંડલ સ્ટેટના રાજવી પરિવારના યુવરાજ કુમાર જ્યોતિર્મયસિંહજી, રાજેન્દ્રસિંહજી જાડેજા, પ્રતિપાલસિંહજી જાડેજા તેમજ પ્રત્યક્ષ અને લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈ ગયા હતા.
ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે, પૂજ્ય સુમતિબાઈ મહાસતીજી આદિ ઠાણા, પૂજ્ય તરુબાઈ મહાસતીજી આદિ, સંઘાણી સંપ્રદાયના પૂજ્ય ઉષાબાઈ મહાસતીજી આદિ સાધ્વીવૃંદના સાંનિધ્યે પૂજ્ય સંજીતાબાઈ મહાસતીજીના શ્રીમુખેથી મંગલાચરણ અને લુક એન લર્નના બાળકોના સુંદર સ્વાગત નૃત્ય ગીત બાદ મુમુક્ષુ ભવ્યભાઇએ અંતરના સંયમ ભાવની અભિવ્યક્તિ કરતા ગુરુવર્યો પ્રત્યેનું ઉપકાર વંદન કરીને કહ્યું હતું કે, પ્રભુએ ફરમાવેલું સત્ય તે માત્ર સત્ય નહીં પરંતુ પરમ સત્ય છે અને તે સત્ય ગુરુકૃપા એ સમજાઈ ગયું છે. મુમુક્ષુ હેતાલીબેને ભાવ અભિવ્યક્તિ કરતા કહ્યું હતું કે, સંસારના પ્રકાશથી અંજાઇને બંધ પડેલી આંખોમાં મારા ઉપકારીએ આવીને સત્યના અંજન આંજી દીધા. મુમુક્ષુ પ્રિયંકાબેન અને મુમુક્ષુ નિશાબેને સુંદર જુગલબંધી સર્જીને ભાવ અભિવ્યક્તિ કરતા સંસારની અસારતા અને સંયમ જીવનની શ્રેષ્ઠતા દર્શાવીને ઉપસ્થિત સૌને સત્યમાર્ગની પ્રેરણા આપી હતી. મુમુક્ષુ દેવાંશીબેને સત્યની ખોજના અંત સ્વરૂપ સંયમને ઓળખાવીને ઉપકારી ગુરુવર્યો પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો. મુમુક્ષુ જીનલબેન અને મુમુક્ષુ નિધીબેને સુંદર જુગલબંધી સર્જીને સહુને સંયમ અભિવ્યક્તિના શબ્દો માત્ર સાંભળવા કરતાં અંતરથી સંયમને અનુભવી લેવાની પાવન પ્રેરણા કરી હતી.
ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામમાં પરંપરા અનુસાર ગોંડલ સંપ્રદાયની અનુજ્ઞા સંઘો દ્વારા આપવામાં આવી હતી. મંત્રી જીજ્ઞેશભાઈ વોરાના સુંદર સંચાલન સાથે આ અવસર સહુ માટે વંદનીય બની રહ્યો. કાર્યક્રમના અંતે લોહાણા પરિવારના અનિલભાઈ ઉનડકટ તરફથી ગૌતમ પ્રસાદનું આયોજન રાખવામાં આવેલ.
આ અવસરે ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી, રાજકોટ મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા, રોયલપાર્ક સ્થાનકવાસી જૈન સંઘના ચંદ્રકાંતભાઇ શેઠ, રાજવી પરિવારના યુવરાજ કુમાર જ્યોતિર્મયસિંહજી એ ભાવોની અભિવ્યક્તિ દ્વારા મુમુક્ષુઓને શુભેચ્છા વંદન અર્પણ કર્યા હતા.
ડો. પૂજ્ય અમિતાબાઈ મહાસતીજીએ આ અવસરે મુમુક્ષુ આત્માઓને આશીર્વાદ અર્પણ કર્યા હતા.
આ અવસરે ભારતના અનેક રાજ્ય અને પ્રદેશોમાં વસતા ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલના પનોતા પુત્રો ચંદ્રકાંતભાઇ માણેકચંદભાઇ શેઠ, રજનીભાઇ રતિલાલભાઇ શાહ અને મૂલવંતભાઇ ગુલાબચંદભાઇ દેશાઇ તથા ચંદ્રકાંતભાઇ શામળજીભાઇ માલાણીને ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘના સન્માનનીય ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવતા સર્વત્ર હર્ષ નાદ ગુંજી ઉઠ્યો હતો.