બનેવીના ઘરે રહેતા માતા-પિતાને મળવા આવેલા સાળા સાથે ઝઘડો થયો: વચ્ચે પડેલા બે યુવાન ઘવાયા
પશ્ચિમ કચ્છના મુંદ્રા નજીક આવેલા રામાણીયા ગામે બનેવીના ઘરે રહેતા માતા-પિતાને મળવા આવેલા સાળા સાથે થયેલા ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા સાળાએ પોતાના બનેવીને છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ છોડાવવા વચ્ચે પડેલા બે યુવાન પર છરીથી હુમલો કરી સાળો ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુંદ્રાના રામાણીયા ગામે રહેતા મુકિમ અબદુલ્લા શમા નામના યુવાનને ભૂજના ભારાપર ગામે રહેતા સાળા અબ્બાસ ઇસ્માઇલ શમા નામના શખ્સે છરીનો ઘા ઝીંકી હત્યા કર્યાની અને રહેમતુલ્લા દુસબ શમા તેમજ ઇમરાન પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
અબ્બાસ ઇસ્માઇલના માતા-પિતા રામાણીયા ગામે મુકિમ શમાના ઘરે રહેતા હોવાથી તેને મળવા માટે આવ્યો હતો અને પોતાના માતા-પિતાની પૂછપરછ કરતા પોતાને કંઇ ખબર ન હોવાનું જણાવતા અબ્બાસ શમાએ પોતાના બનેવી મુકિમ શમા, તેના ભાઇ રહેમતુલ્લા અને ઇમરાન પર છરીથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મુકિમ શમાનું મોત નીપજતા ઘટના હત્યામાં પરિણ્મી હતી.પોલીસે રહેમતુલ્લા શમાની ફરિયાદ પરથી અબ્બાસ શમા સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.