રાજસ્થાનમાં કોંગ્રેસ ફાવી, 3 બેઠકો કબ્જે કરી: ભાજપે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 3-3 બેઠક અને હરિયાણામાં 1 બેઠક મેળવી
રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાનો ખેલ બગડ્યો છે. તેને સતા હોવા છતાં મહારાષ્ટ્રમાં માત્ર 1 બેઠક મળી છે. બીજી તરફ રાજસ્થાનમાં કોંગ્રેસ ફાવી ગઈ છે. તેને 3 બેઠકો કબ્જે કરી છે. ભાજપે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 3-3 બેઠક અને હરિયાણામાં 1 બેઠક મેળવી છે.
રાજ્યસભાની 16 બેઠકોની ચૂંટણી માટે ગઈકાલે મતદાન થયું હતું. જેમાં મોડી રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામો જોઈએ તો રાજસ્થાનમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ તિવારી અને કોંગ્રેસના ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સૂરજેવાલા, પ્રમોદ તિવારીનો વિજય થયો છે.
જ્યારે કર્ણાટકમાં ભાજપના નિર્મલા સીતારમન, જગ્ગેશ, લહરસિંહ અને કોંગ્રેસના જયરામ રમેશનો વિજય થયો છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સતા હોવા છતાં ત્યાં એક માત્ર સંજય રાઉતનો જ વિજય થયો છે. જ્યારે ભાજપના પિયુષ ગોયલ, અનિલ બોડે, ધનંજય મહાદીક, એનસીપીના પ્રફુલ પટેલ અને કોંગ્રેસના ઇમરાન પ્રતાપગઢીનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલને 48 મત મળ્યા હતા. આ સિવાય ભાજપના ઉમેદવાર અનિલ બોંડે 48 મતોથી જીત્યા હતા. જ્યારે ભાજપના ધનંજય મહાડિકનો 41.58 મતોથી વિજય થયો હતો. હવે શિવસેનાની વાત કરીએ તો સંજય રાઉત 41 મતોથી જીત્યા. કોંગ્રેસમાંથી ઈમરાન પ્રતાપગઢી 44 મત મેળવીને જીત્યા. એનસીપીના પ્રફુલ પટેલને 43 મત મળ્યા અને તેઓ પણ જીતવામાં સફળ રહ્યા. બીજી તરફ હરિયાણામાં ભાજપના કૃષ્ણકાંત પવાર અને અપક્ષના કાર્તિકેય શર્માનો વિજય થયો છે.
સંસદના ઉપલા ગૃહમાં મહિલા સભ્યોની સંખ્યા હવે 32 થઈ જશે. તેમના શપથ લેવાની સાથે જ રાજ્યસભામાં મહિલાઓના પ્રતિનિધિત્વનો નવો રેકોર્ડ પણ બનશે. અગાઉ 2014માં રાજ્યસભામાં સૌથી વધુ મહિલા સભ્યોની સંખ્યા 31 હતી. ઉપલા ગૃહના 57 નિવૃત્ત સભ્યોમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોની સહિત પાંચ મહિલા સભ્યોનો સમાવેશ થાય છે. આ બે સિવાય નિવૃત્ત થનારી મહિલા સભ્યોમાં છત્તીસગઢથી કોંગ્રેસના છાયા વર્મા, મધ્યપ્રદેશમાંથી ભાજપના સામતિયા ઉઇકે અને બિહારમાંથી રાષ્ટ્રીય જનતા દળના મીસા ભારતીનો સમાવેશ થાય છે.
ક્યાં કોને કેટલી બેઠક મળી?
રાજસ્થાન
ભાજપ – 1 કોંગ્રેસ – 3
કર્ણાટક
ભાજપ – 3 કોંગ્રેસ – 1
મહારાષ્ટ્ર
ભાજપ -3 એનસીપી -1 કોંગ્રેસ -1 શિવસેના -1
હરિયાણા
ભાજપ – 1 અપક્ષ – 1
કુલ મળેલી બેઠક
ભાજપ 8
કોંગ્રેસ 5
એનસીપી 1
શિવસેના 1
અપક્ષ 1