રાજુલા-જાફરાબાદમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજુલામાં ૧૫૪ મીમી અને જાફરાબાદમાં ૧૫૩ મીમી વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવેલ હતા. જેમાં રાજુલાના ભેરાઈ ગામે રામજી મંદિર વિસ્તાર તથા હરીજનવાસ તેમજ દેવીપુજકવાસમાં પાણી ભરાયેલ હતા.

જયારે રાજુલાના નિચાણવાળા વિસ્તારોમાં પણ ખુબ જ પાણી ભરાયેલ હતા. આમ એક જ દિવસમાં આટલો વરસાદ વરસી પડતા રાજુલા-ડુંગર રોડ પર આવેલ કુંભારીયા પાસેનો અડધો પુલ તુટી ગયેલ છે. જયારે ભેરાઈના દેવપરા વિસ્તારમાં તેમજ વિકટરના લેબર કવાટરમાં પાણી ઘુસી ગયાના દ્રશ્યો સામે આવેલ છે. જયારે રાજુલાથી ભેરાઈ રોડ રાત્રીના સમયથી સવારના ૧૦:૦૦ વાગ્યા સુધી પાણીના કારણે બંધ રહેલ હતો અને ખારવાનું અડધું નાલુ આ પાણીમાં તુટી ગયેલ છે જે તાત્કાલિક રીપેરીંગ કરવાની માંગ ઉઠેલ છે.

રાજુલામાં આવેલ ધાતરવડી-૧ ડેમમાં કુલ સપાટી ૩૪.૧૦ની છે. જેમાં ૧૪.૪૦ ફુટ ભરાયેલ છે એટલે કે ૩૦% પાણી ભરાઈ ગયેલ છે. જયારે ધાતરવડી-૨ ડેમ ૬૦% ભરાઈ ગયેલ છે અને જો હવે વધારે પાણી આવે તો દરવાજા ખોલવા પડે તેમ છે અને રાજુલાના તમામ ગામડાઓમાં ખુબ જ સારો વરસાદ થઈ જતા હવે વાવણીના કામ શરૂ થશે. આમ રાજુલામાં પ્રથમ વરસાદ જોરદાર પડતા જ તંત્ર ઉંધા માથે થઈ ગયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.