ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાની ચાર બેઠક માટે શનિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રદેશ ભાજપ નક્કી કરેલા ત્રણ નિરીક્ષકો સમક્ષ દાવેદારોએ પોતાના માનીતા નેતાઓની દાવેદારી રજૂ કરી હતી. રાજકોટ જિલ્લાની ચાર બેઠકમાં સૌથી વધુ દાવેદારો જસદણ બેઠક પર 15 અને ધોરાજી-ઉપલેટા બેઠક પર 11 દાવેદારે ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાજકોટ જિલ્લાની ચાર બેઠક માટે પ્રદેશના નિરીક્ષકો જીતુભાઇ હીરપરા (પોરબંદર જિલ્લા પ્રભારી), વાસણભાઇ આહીર (સંસદીય સચિવ), વસુબેન ત્રિવેદી (ધારાસભ્ય)એ શનિવારે સવારે 11થી 1 દરમિયાન ઉપલેટા-ધોરાજી અને જેતપુર વિધાનસભા બેઠક માટે અને બપોર બાદ 3 થી 6 દરમિયાન જસદણ, ગોંડલ બેઠક માટે સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને સમર્થકોને સાંભળ્યા હતા. ગોંડલના સીટિંગ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે કાનૂની કાર્યવાહી થતા અન્યને દાવેદારી કરવાની તક મળી શકે છે. જો કે, અહી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધ્રુપદબા જાડેજાએ પણ દાવેદારી કરી છે.