વકીલોની દરેક સમસ્યામાં સાથે ઉભા રહીને નિકાલ કરાવવાનો જીનિયસ પેનલનો કોલ
અબતક, રાજકોટ
રાજકોટ બારની ચૂંટણીનો જંગ જામ્યો છે. બે પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે બંને પેનલ જીત મેળવવા એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે . તે સમયમાં જીનિયસ પેનલને અકીલ આલમમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે . ત્યારે બારની ચૂંટણીમાં જીનિયસ પેનલને વધુ બે બારનું સમર્થન મળ્યું છે . રાજકોટ લેબર બાર અને એમ .એ .સી .પી . બારે પણ જીનિયસ પેનલને સમર્થન જાહેર કર્યું છે .
બારની ચૂંટણીના પ્રચાર સંદર્ભે જીનિયસ પેનલે બહુમાળી ભવન ખાતે આવેલ લેબર એસોસિએશનની મુલાકાત લીધી હતી . જ્યાં લેબર બાર-2022ના પ્રમુખ મુકેશભાઈ તન્ના સહિતની ટીમે જીનિયસ પેનલનું સ્વાગત કર્યું હતું તેમજ જીનિયસ પેનલને ચૂંટણી જંગમાં ભવ્ય જીત અપાવવા કોલ આપ્યો હતો.
જે બાદ જીનિયસ પેનલના દાવેદારોએ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે આવેલા એમ.એ.સી.પી. બારની મુલાકાત લીધી હતી . જ્યાં આગામી ચૂંટણી સંદર્ભે એમ.એ.સી.પી. બાર દ્વારા સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં એમ.એ.સી.પી. બારના ઉપપ્રમખ જી .આર .પ્રજાપતિ સહિતની ટીમ અને કારોબારી સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનમાં સર્વાનુમતે જીનિયસ પેનલને જંગી બહુમતિથી જીત અપાવવા કોલ અપાયો હતો .
આ તકે જીનિયસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અર્જુનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજ સુધી વકીલોને પડતી મુશ્કેલી જેમ કે કોઈ પણ કોર્ટમાં કે પોલીસ તંત્ર દ્વારા હેરાનગતિથી પીડિત વકીલોને આજ દિન સુધી જે મદદ મેળવી જોઈએ તે ક્યારેય મળી નથી જેનું મુખ્ય કારણ એ છે કે હજુ સુધી રાજકોટ બારને એ પ્રકારના સેનાપતિ મળ્યા જ નથી જેના કારણે જુનિયર વકીલોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીનિયસ પેનલમાં જુના અને વર્ષોથી પ્રેક્ટિસ કરી રહેલા તેમજ ભૂતપૂર્વ જિલ્લા સરકારી વકીલ તેમજ બારના વિવિધ હોદ્દાઓની જવાબદારી નિભાવી ચૂકેલા અનુભવી દાવેદારો છે . જે ટીમ પોતાના અનુભવોને આધારે યુવાન અને જુનિયર વકીલોની તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકશે.
જીનિયસ પેનલના કાર્યાલયે સમર્થકોનો સતત મેળાવડો
જીનિયસ પેનલે ચૂંટણી સંદર્ભે 150 ફુટ રિંગ રોડ, ગિરિરાજ હોસ્પિટલ પાસે ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યુ છે ત્યારે કાર્યાલય ખુલ્લું મૂક્યાં બાદ સતત સમર્થકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. સિનિયરથી માંડીને જુનિયર તેમજ મહિલા વકીલો પણ કાર્યાલય ખાતે આવીને જીનિયસ પેનલને જંગી બહુમતીથી જીતવા શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. મોડી રાતે પણ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં વકીલોની હાજરી જોવા મળી હતી. આ તકે જીનિયસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અર્જુનભાઇ પટેલે સમર્થકોની સંખ્યા જ ચૂંટણીનું પરિણામ બયાન કરી દે છે તેવું જણાવ્યું હતું.
અનેક વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓનું જીનિયસ પેનલને સમર્થન
બારની ચૂંટણીમાં બંને પેનલ જયારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે જીનિયસ પેનલને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વકીલાત ક્ષેત્રે નામના ધરાવતાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ જીનિયસ પેનલને સંપૂર્ણ ટેકો જાહેર કરીને વિજયી ભવ:ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જીનિયસ પેનલ દ્વારા આયોજીત સિનિયર એડવોકેટ સાથેના સ્નેહમિલનમાં ક્રિમિનલ, રેવન્યુ, સિવિલ સહિતના મુદ્દે પ્રેક્ટિસ કરતા અનેક સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રીઓ હાજર રહ્યા હતા. આ તકે ધારાશાસ્ત્રીઓએ જીનિયસ પેનલના તમામ 16 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા કોલ આપ્યો હતો.
જીનિયસ પેનલ બારની તમામ બેઠકો કબ્જે કરશે: અર્જુનભાઇ પટેલ
રાજકોટ બારની 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. જેના માટે બંને પેનલ દ્વારા સતત પ્રચાર પ્રસાર પણ કરાઈ રહ્યો છે પરંતુ વકીલોનું સાચું સમર્થન કોને છે તે તો 17મીએ ખ્યાલ આવશે પરંતુ હાલ જીનિયસ પેનલને સતત મળી રહેલા સમર્થનને પગલે પેનલના પ્રમુખ પદના દાવેદાર અર્જુનભાઇ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે તમામ વર્ગના ધારાશાસ્ત્રીઓ સતત જીનિયસ પેનલને સમર્થન આપી રહ્યા છે તે જોતા જ સ્પષ્ટ થઈ જાય છે કે, જીનિયસ પેનલના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી બનશે અને જીનિયસ પેનલ બારની તમામ બેઠક કબ્જે કરશે.