દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર પોતાનાં રંગીન પીછાથી આકર્ષણનું કેન્દ્ર બનતો રહ્યો છે.
વર્ષાઋતુમાં મધુર ટહુકા સાથે નર મોર પીછા ફેલાવે છે અને નૃત્ય કરતા હોય તેમ ધીરે ધીરે ગોળ ગોળ ફરતા ફરતા પોતાના પીછાને ઝડપથી ધ્રુજાવે છે જેને મોરે કળા કરી કહેવાય છે. પક્ષીવિદોનાં મતે નર મોર આવી કળા ઢેલને એટલે કે માદા મોરને મેટીંગ માટે આકર્ષવા કરે છે. મોરનો મેટીંગ પિરીયડ પણ ચોમાસાની ઋતુ હોય છે. માદા મોર ઢેલ ત્રણ ચાર ઈંડા મુકી ૨૮ દિવસ પછી તેમાંથી બચ્ચુ જન્મે છે. જે એક દિવસમાં ચાલવા માંડે છે. નર મોરને આકર્ષક બનાવવા પીછાની લંબાઈ ૫ થી ૬ ફુટ સુધીની હોય છે. એક મોરને આવા ૧૫૦ થી ૨૦૦ પીછા હોય છે. દર વર્ષે જુના પીછા ખરી જઈને નવા આવતા રહે છે.
ઓખા ગામનાં મુખ્ય વિસ્તારો ફિશરીઝ કવાર્ટરો અને બાર બંગલા પોર્ટ બંદર કવાર્ટરો દાયકાઓ પુરાના આવેલા છે. અહીં લોકો દ્વારા દરેક કવાર્ટરમાં મોટા મોટા વૃક્ષો વાવેલા છે તેથી આ વિસ્તારોમાં લીલોતરી ભરેલી જોવા મળે છે જેને કારણે ઓખામાં પશુ પક્ષી સાથે મોરની સંખ્યા પણ વધારે જોવા મળે છે. અહીં બારે માસ સવાર સાંજ મોરના મીઠા ટહુકાર સાંભળવા મળે છે. તેમાંયે હમણા વરસાદની સીઝનમાં અહીંની પ્રાકૃતિક વાતાવરણ અને જોવા મળે છે. અહીંના ફીશરીઝ કવાર્ટરનાં વિશાળ મેદાનમાં મોરને મોજ પડી જાય છે અને વહેલી સવારે મોર અને ઢેલ પોતાની મસ્તીમાં કળા કરતા જોવા મળે છે. કળા કરતા મોરનું આ આહલાદક દ્રશ્ય જોવા લોકો ઉમટી પડે છે.