“જયદેવને થયું કે એમ.પી.ની સશસ્ત્ર પોલીસની આવી માનસીકતા હોય તો દૂર ચંબલઘાટી અને જંગલોમાં આવેલા ગામડાઓમાં રહેતી નિ:સશસ્ત્ર જનતાની શું હાલત હશે ?
ફોજદાર જયદેવે ભાવનગર જિલ્લા પોલીસ વડાને ‘ચંબલના ડાકુ’ની યાદી આપી ત્યારબાદ મુરૈના માહિતી મોકલ્યા બાદ જયદેવે પોતાની ચેમ્બરમાં પાછો આવ્યો; કલાકે સમય પછી પોલીસ વડાએ જયદેવને તેમની ચેમ્બરમાં બોલાવ્યો. જયદેવ શું હશે તેની આતુરતા અને ઈન્તેજારીમાં પોલીસ વડાની ચેમ્બરમાં જતા જ પોલીસ વડાએ જયદેવને કહ્યું ‘અરે ભાઈ તુમને તો કમાલ કરદીયા ! ચંબલ ઘાટી કા ડાકુ સૌરાષ્ટ્ર મે સે ગીરફતાર કરલીયા !’ અભીનંદન સાથે પોલીસ વડાએ જયદેવને મુરૈનાથી આવેલો ફેકસ મેસેજ પણ આપ્યો જેમાં જણાવેલ હતુ કે મજકૂર આરોપી ખૂંખાર ડાકુ જુજારસિંહ ભોપાલસિંહ ભદોરીયા ભીંડ ઉપરાંત મુરૈના સહિત બાર જેટલા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ભયંકર ગુન્હાઓ (નહી નોંધાયેલા જુદા !)માં વોન્ટેડ હતો. જે તે સમયે ચંબલ ઘાટીને ધ્રુજાવતા આ ગેંગસ્ટર વિરૂધ્ધ મધ્ય પ્રદેશમાં ખૂન, અપહરણ, લૂંટ ઘાડ, જબરાઈથી કઢાવવા સહિતના ગુન્હાઓ નોંધાયા હતા. આ મેસેજ વાંચી જયદેવ રોમાંચિત અને ખૂશ થઈ ગયો જોકે તેણે એવું કોઈ મોટુ ભાલુ તો માર્યું ન હતુ. પરંતુ જોગાનુ જોગ પણ આરોપી જબરદસ્ત ‘ચંબલનો ડાકુ’ પકડયો હતો!
ત્યાર પછી તો સ્કોર્ડની કચેરી ઉપર પોલીસ હેડ કવાર્ટરમાંથી સશસ્ત્ર ૧+૩ની ગાર્ડ પણ મુકાઈ ગઈ! સ્કોડની કચેરીમાં અનધિકૃત પ્રવેશ બંધી પણ લાગુ થઈ ગઈ. પરંતુ ગમે તેમ પણ પત્રકારો અને ફોટોગ્રાફરોને જાણ થઈ જ ગઈ અને જયદેવનું ઈન્ટરવ્યુ થવા માંડયું. જયદેવે કહ્યું હાલ તો એટલું કહી શકાય કે આ વોન્ટેડ આરોપી છે. પરંતુ ખરી અને પૂરી વિગત અને આરોપીનો પૂર્વ ઈતિહાસ તો મૂરૈના મધ્યપ્રદેશ પોલીસ આવે તે પછી જ સાચો જાણવા મળે. તેમ છતા ચંબલની ઘાટીઓ અને ડાકુઓના ઈતિહાસથી રોમાંચિત પત્રકારોએ બીજા દિવસના છાપાઓમાં સચિત્ર અહેવાલો ચંબલ ઘાટી ડાકુ જુજારસિંહ અને ફોજદાર જયદેવના સ્કોડની ધૂમ મચાવતા સમાચારો ‘ભાવનગરમાં ચંબલના ડાકુના ડેરા’ એ મથાળા નીચે છપાયા, આમ ફરી એક વખત જયદેવના સ્પેશ્યલ ઓપરેશન સ્કોડની કામગીરી અને પ્રસિધ્ધી ને ચાર ચાંદ લાગી ગયા.
જે બીચારો બનવારીલાલ ઉર્ફે જુજારસિંહ અત્યાર સુધી ભાવનગરમાં રેઢો રખડી ખાતો હતો. તે જયદેવે પકડયા પછી પણ ફકત એક જ જવાનની દેખરેખ નીચે છૂટો રાખ્યો હતો તે હવે ખૂબ કિંમતી અને જોખમી પણ ગણાવા લાગ્યો હતો આથી એક ત્રણની સશસ્ત્ર ટુકડીની તૈનાતી લાગી ગઈ ! જયદેવ તેને વિગતે પુછપરછ કરતા તે પોતે હજુ બનવારીલાલ ચૌધરી જ હોવાનું ગાણુ ગાતો હતો તેથી જયદેવે ને મનમા ચિંતા થઈ કે છાપામાં તો મોટા મોટા સમાચારો આવી ગયા તેનો કયાંક ફીયાસ્કો ન થાય કેમકે ખરેખર તો મુરૈના પોલીસ આવે અને તેને ઓળખે તથા સાથે લાવેલા ફોટા સાથે સરખાવ્યા પછી જ સાચી હકિકત નકકી કરી શકાય.
બીજે દિવસે મધ્યપ્રદેશ પોલીસના એક દરોગા (ફોજદાર) અને એક સેશકન (દસ) જવાનો તેમના ટીપીકલ યુનિફોર્મ પાઘડીઓ, બાંડીસ પટ્ટા વિગેરે પહેરીને હાથમાં બંદૂકો ઉપરાંત ગુજરાતમાં જેમ ખૂંખાર આરોપીને રસ્સા (દોરડા)બાંધે છે. તેમ એમ.પી. પોલીસ આ ડાકુ હશે તેમ માનીને લોખંડની સાંકળો અને કડા પણ લઈ આવ્યા હતા. તેઓ પ્રથમ પોલીસ વડાને મળ્યા બાદમાં સ્કોડની કચેરીમાં આવ્યા આ એમ.પી. પોલીસની ટીમ સાથે એક હવાલદાર કે જેઓ ડાકુ જુજારસિંહને જોયે ઓળખતા હતા. તેને પણ લાવ્યા હતા. આ હવાલદારે પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપીને જોઈને જ કહ્યું ‘અરે જુજારસિંઘ તુમને યે કૈસી હાલત બના રખી હૈ, લગતા હૈ કી તુમ પાગલ હો ગયા હો !’ આ સાંભળીને જુજારસિંહ કાંઈક સંકોચથી અને કાંઈક શરમથી નીચુ જોઈ ગયો બંને વચ્ચેની આ વાતચીતથી જયદેવને શાંતી થઈ કે આટલી બધી પ્રસિધ્ધિ અને જાહેરાત પછી બીજુ કાંઈ ગતકડુ નથી નીકળ્યું પણ ખરેખર પકડેલ આરોપી ચંબલઘાટીનો ખૂંખાર ઈનામી ડાકુ જુજારસિંહ જ હતો તે હવે વાસ્તવીકતા બની.
લાંબી મુસાફરી કરીને આવેલા એમ.પી. પોલીસને માજીરાજ ગેસ્ટ હાઉસ પાનવાડી મોકલી ફ્રેશ થઈ આવવા જણાવ્યું ત્યાર પછી જયદેવે જુજારસિંહની નવેસરથી પૂછપરછ શરૂ કરી જુજારસિંહને પુછયું ‘જુજારસિંહ હવે તો તારૂ બધુ બરાબર પાકાપાયે થઈ ગયું હવે તો સત્ય હકિકત કહે?’ આથી જુજારસિંહની આંખમાં આંસુ આવી ગયા અને ગળું ખંખેરીને તેણે કહ્યું ‘સાહેબ મારા પાપનો ઘડો ભરાઈ ગયો બીજુ શું?’ જયદેવે અનુમાન કર્યું કે ખરેખર આ ડાકુનું હૃદય પરીવર્તન થઈ ગયું લાગે છે. જુજારસિંહે જે વાત કકરી તે આ પ્રમાણે હતી.
જુજારસિંહ એમ.પી.ના પોતાના ગામ ઈસુરી ખાતે વડીલોપાર્જીત જમીનમાં પોતાના ભાઈઓ સાથે ખેતી કામ કરી સીધુ સાદુ જીવન પસાર કરતો હતો. તેની જમીન તેના ગામ ઈસુરીના છેલ્લા સીમાડે બાજુના ગામનાં ખેતરો ને અડીને આવેલી હતી. બાજુના ગામના ઠાકુરોએ જમીનના શેઢા અમારી જમીન તરફ ખેસવીને પેશકદમી કરતા તેમની સાથે ઝઘડો થતા આ ઠાકુરોએ જુજારસિહના ભાઈનું ખૂન કરી નાખ્યું અને ખૂન કેસ પણ કોર્ટમાં છુટી જતા સામે વાળાની નિદોર્ષ થઈને આવી જતા પોતાને અતીશય દુ:ખ લાગેલુ આથી આવેશમાં આવી એક દિવસ સામે વાળા ખેતરોમાં કામ કરતા હતા તેમાંથી બે જણાને મેં ઓછા કરી નાખ્યા અને નાસી ગયો, પોલીસ પાછળ પડી આખરે હું માતા ચંબલનાં શરણે ગયો અને તેના કોતરો, ઘાટી પહાડોનાં શાસક ડાકુ માંધોસિંહની ગીરોહમાં ભળી ગયો.
થોડો સમય ન ફાવ્યું પણ પછી આ ડાકુઓનું રઝળપાટ અને તકલીફોથી ભરપૂર જીવન પણ કોઠે પડી ગયુ હતુ. પરંતુ જયારે હું ડાકુ ટોળકી સાથે કોઈ ગામ ભાંગવા કે લૂંટવા જતો ત્યારે ત્યાં લૂંટફાટ મારામારી દરમ્યાન નાના બાળકોના રૂદન અને સ્ત્રીઓનાં આક્રંદ અને ચીચીયારી તથા થતી હાલત મારા દીલને બહુ ઠેસ પહોચાડતા મને મનમાં થતુ કે મારાભાઈના મોતનો બદલો તો મે બે જણાને મારીને લઈ લીધો. હવે આ વધારાના પાપ શા માટે બાંધવા? આથી મનમાં નિદોર્ષ બાળકો અને સ્ત્રીઓને કારણે મને દયા અને કરૂણા ઉભરી આવતી પરંતુ ડાકુ ટોળકી દયા અને કરૂણા રાખે તો ભૂખ્યા મરે અને બીજા કોઈ તેનો પોતાનો પણ શિકાર કરી નાખે. તેથી આ ધંધો જ હળાહળ પાપનો છે તેમ મને મનમાં થતું. હું જયારે નાનો હતો ત્યારે ઈસુરી ગામના પાદરમાં આવેલા મંદિર આશ્રમમાં જતો ત્યાંના પૂજારી ઋષી જેવા માયાળુ હતા અને વાતો વાતમાં ધર્મ દયા પૂન્ય પાપ વિગેરે જ્ઞાન આપતા તે પોતાને ખૂબ ગમતા આ પૂજારી ગીતા શાસ્ત્રના કર્મના સીધ્ધાંત અંગે ઘણી વખત કહેતા કે ભગવાન શ્રી કૃષ્ણ એ એવું કહેલ છે કે વ્યકિતના સારા કે નરસા કર્મોનું ફળ પરિણામ તે વ્યકિતએ વહેલુ કે મોડુ આ જન્મે કે પછીના જન્મે પણ અવશ્ય ભોગવવું જ પડે છે. આમ આ દિવસો દરમ્યાન કરેલા ઘાતક કાર્યોના વિચારો મનમાં ચાલ્યા જ કરતા અને તેનું મનોમંથન કરેલ કર્મોના પરિણામ અંગેનું ચાલ્યા કરતું.
જુજારસિંહ એક વખત સખત બીમાર પડયો અને વેશપલ્ટો કરી ચોરી છુપીથી ચંબલના કોતરોમાંથી મુરૈના ખાતે ડોકટર પાસે આવ્યો અને દવા લઈને ઘાટીમાં પાછા જવાને બદલે એક ટ્રેનમાં બેસી ગયો !
જુજારસિંહની આ વાત સાંભળીને જયદેવને પણ મનમાં થયું કે બચપણમાં જેવા સંસ્કારો બાળકોમાં બીજ રૂપે રોપવામાં આવે તો તે સંસ્કારો જીંદગીના કોઈક તબકકે પણ કેવું પરિણામ લાવે છે? એક ખૂંખાર ડાકુનું આવા બચપણમાં સંત દ્વારા સંસ્કાર રૂપે રોપાયેલા બીજ ને કારણે કેવું પરીવર્તન આવ્યું ? જુજારસિંહના આવા છુપાયેલા સંસ્કારના કારણે કેટલાક લોકો તો તેની (જુજારની) ઘાતમાંથી અવશ્ય બચ્યા હશે આમ બાળપણના સંસ્કારો જે ઘર, નીશાળ, મંદિર,મસ્જીદ કે સમાજ અને કોલેજોમાં રોપાયા હોય તે જીવનમાં આ રીતે અવશ્ય ઉગી જ નીકળે છે. આ છે સંસ્કારનું પરિણામ ! આથી જ વિદ્યાર્થી કાળમાં અભ્યાસ સાથે ટકાવારી (પર્સેન્ટેજ) કરતા સારા સમાજના નિર્માણ માટે (કાળા નાણા; ગુંડાગીર્દી, કોમવાદ ગંદા રાજકારણને બદલે !) સુસંકારોની શાળા સ્કુલોમાં વધારે જરૂરીયાત છે.
જુજારસિંહે પોતાની વાત આગળ વધારીને કહ્યું કે પોતે કાયમી ધોરણે માતા ચંબલને અને જન્મભૂમિને મનોમન વંદન કરી ત્યાંથી વિદાય લઈ સાદુ ભકિતમય જીવન જીવવા નીકળી પડયો. પરંતુ પોતે ‘પેટ નો ખાડો પૂરવા માટે’ ભગવા પહેરી ને સાધુ થવાને બદલે જે કાંઈ નાનુ મોટુ કામ મળે તે કરીને નીર્વાહ કરવાનું નકકી કરી ચોરીછુપીથી અહી ભાવનગર મારા વતનથી દૂર રહેતો હતો પરંતુ કર્મની ગતી ન્યારી છે.
કમનસીબે મારા પાપ કર્મોએ અહી પણ મારો પીછો છોડયો નહી અને તમારા હાથે સપડાઈ ગયો અને ગળગળો થઈને બોલ્યો સાહેબ બસ હવે મારૂ બાકીનું જીવન તો જેલમાં જ પૂરૂ થશે.મધ્ય પ્રદેશ પોલીસે જુજારસિંહનો કબ્જો ભાવનગર પોલીસ પાસેથી સંભાળ્યો, હાથકડીઓ, સાંકળોથી બાંધ્યો જાણે ભયંકર ત્રાસવાદી હોય ! જોકે ચંબલની જનતા અને પોલીસ માટે તો હશે જ. એમ.પી. પોલીસે જુજારસિંહ ફરતે કોર્ડન કરી ને ચાલતી થઈ અને જયદેવે જુજારસિંહ તરફ દયા અને કરૂણામય દ્રષ્ટિથી જોયું તો જુજારસિંહે પણ દયામણી નજરે એક વખત જયદેવ તરફ દ્રષ્ટિપાત કરી નીચુ જોઈને ચાલતો થયો. જયદેવે વિચાર્યું કે આ જુજારસિંહની કમનસીબી હતી કે તે પોલીસના હાથે પકડાઈને જેલમાં ગયો, જો તેણે પણ કોઈ સર્વોદય કાર્યકર પાસે સમર્પણ કર્યું હોત તો તેને પણ ઘણી મોટી રાહત મળેત (ડાકુ ફૂલનદેવી માફક) કેમકે તેનામાં ખરેખર હૃદય પરિવર્તન થયેલ હતુ પરંતુ હવે જયદેવના હાથની વાત નહતી.
આ બનાવ બન્યા બાદ એકાદ મહિના બાદ ભાવનગરમાં એક વકિલ ઉપર કોઈ ટપોરીઓએ હુમલો કરી મારમારી નાસી ગયા ભાવનગર સી ડીવીઝનની પોલીસે આ ટપોરીઓને પકડવા તનતોડ મહેનત કરવા છતા પકડાતા ન હતા. થોડા દિવસો પછી આ આરોપીઓ નહી પકડાતા વકીલોએ હડતાલ પાડી પોલીસ વડાને આવેદન પત્ર આપ્યું જેમાં ઉલ્લેખ કર્યો કે જો ભાવનગર પોલીસ ચંબલઘાટીના ડાકુને પણ ભાવનગરમાંથી પકડી શકતી હોયતો આવા ટપોરીઓને કેમ પકડી ન શકે? આ બાબત સમાચાર પત્રોમાં પણ પ્રસિધ્ધ થઈ. આમ પોલીસ ઉપર માછલા ધોવાવાના શરૂ થયા જોકે આરોપીઓને નહિ પકડવામાં પોલીસનો કોઈ મલીન ઈરાદો નહતો. પણ ખરેખર આરોપીઓ અજ્ઞાત જગ્યાએ નાસી છૂટયા હતા. તેથી પકડાતા નહતા. તે પણ હકિકત હતી અને ચંબલનો ડાકુ પણ જોગાનું જોગ જ પકડાયો હતો તે પણ વાસ્તવિકતા હતી. આથી પોલીસ વડાએ જયદેવને કહ્યું કે ‘સાલી કૈસી સ્થિતિ હૈ, જનતા કો કૈસે સમજાયે કે દોનો હાલાત ઔર સંજોગ અલગ અલગ હૈ’ આથી જયદેવે કહ્યું સાહેબ આપણે ત્યાં હજુ વિકસતી લોકશાહી છે તેથી આવું તો ચાલતુ જ રહેવાનું સૌ પોત પોતાની અભીવ્યકિત અને લાગણી પોતાની રીતે મૂકત રીતે જાહેર કર્યા જ કરે. (હાલમાં વોટસએપ અને ફેસબુકમાં ધમાલ ચાલે છે સાચી થોડીને ખોટી વધારે !) જયારે પુખ્ત લોકશાહી થશે ત્યારે આવા ક્ષુલ્લક આક્ષેપો અને આંદોલનો પણ નહી હોય જોકે તે સમયે તે સંજોગો હતા હવે કોમ્યુનિકેશન વધતા રોડ રસ્તા વાહન વ્યવહાર વધતા સંજોગો અને લોકોની સ્થિતિ સુધરી જ હશે!
આ બનાવ બાદ એકાદ વર્ષ પછી જયદેવ જયારે તળાજા પોલીસ સ્ટેશનનો ફોજદાર હતો ત્યારે એક ડબ્બલ ખૂન કેસ કે જે વણ શોધાયેલો હતો તેની તપાસમાં નવા નીમાયેલા પોલીસ વડાએ જયદેવને મધ્ય પ્રદેશમાં મુરૈના અને ભીંડ ખાતે આ ડાકુ જેલમાં છે કે બહાર છે તેમજ તેના સાગ્રીતોની તપાસ કરવા જવા હુકમ કરેલો. જોકે જયદેવે અનુભવની દ્રષ્ટિએ એ રજૂઆત કરેલી કે આ મુરૈનાના આરોપી ને પોતે જ પકડેલો અને તેના એવા કોઈ લક્ષણો જણાતા ન હતા. કે તે એક જીપની લૂંટ માટે છેક ગુજરાત આવી ખૂન કરે. પરંતુ પોલીસ વડા એ આગ્રહ રાખતા જયદેવ મુરૈના અને ભીંડ ચંબલ ઘાટી તપાસમાં સરકારી વાહન લઈને રવાના થયો. જયદેવ અગાઉ ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે પણ ચંબલ ઘાટીના વિક્રમગઢ આલોટ અને પંત બરોલી થાણાના બીનપૂરા ગામે નારકોટીકસ ડ્રગ્ઝના ગુન્હાના આરોપીને પકડવા ગયેલો તે બનાવ યાદ આવી ગયો.
જયદેવે મુરૈના એસ.પી. (પોલીસ વડા)ને મળી ખાત્રી કરતા જાણવા મળ્યું કે જુજારસિંહ હજુ જેલમાં જ છે. છતા તેની વિગતે તપાસ માટે થાના નયાગાંવ મુરૈનાની બાજુમાં હોય ત્યાં જઈ પૂરી તપાસ કરી લેવા જણાવ્યું.
સાંજના પાંચેક વાગ્યે મુરૈનાથી જીપ લઈને જયદેવ નયાગાંવ જવા રવાના થયો. ગાઢ જંગલો,પહાડોમાં સીંગલ પટ્ટી રોડ નદીઓ કોતરો વિવિધ ઘાટો વટાવતો જતો હતો. શીયાળાના દિવસો હતા. તેથી સૂર્યાસ્ત વહેલો થતો હતો. રસ્તામાં લગભગ કોઈ જ વાહનો સામે મળતા ન હતા કે આગળ પાછળ પણ ન હતા. નયાંગાંવ પોલીસ સ્ટેશને પહોચતા છ વાગી ગયા અને અંધારૂ છવાઈ ગયું હતુ નયા ગાંવ પોલીસ સ્ટેશનમાં પહોચતા ફરી એજ પધ્ધતી પંતબરોલી થાણાની માફક થાણામાં પ્રવેશતા જ એક સશસ્ત્ર ગાર્ડે જીપને રોકી અને ચેક કરી ખાત્રી કરીને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ આપ્યો !
નયાગાંવ દરોગાએ જયદેવને પહેલો જ પ્રશ્ર્ન કર્યો કે તમે અજાણ્યા આ સાંજના સમયે જંગલમાં આવવાની હિંમત કેમ કરી?’ જયદેવે કહ્યું ‘અરે, પોલીસને થોડો ડર હોય?’ દરોગાએ કહ્યું ‘પરંતુ આતો ચંબલઘાટી છે અહી એકલ દોકલ પોલીસની જીપ પણ લૂંટાઈ જાય છે?’
જયદેવે વિચાર્યું કે જો દરોગાની આ માનસીક સ્થિતિ હોય તો તે પોતે કે તેના જવાનો ઈસુરી ગામે તપાસમાં સાથે શું આવશે? છતા જયદેવે ઈસુરી ગામે તપાસ કરવા મદદ કરવા જણાવતા દરોગાએ કહ્યું ‘ડાકુ જુજારસિંહ તો હજુ જેલમાં જ છે. છતા ત્યાં જવું જ હોય તો કાલે સવાર ઉપર વાત રાખો’ જેથી જયદેવે કહ્યું ‘જો શકદાર જ જેલમા હોય તો પછી ગામડામાં જવાનો કોઈ મતલબ જ નથી દરોગા એ જુજારસિહ જેલમાં હોવાનો રીપોર્ટ આપતા તે લઈને મુરૈના પાછા જવા રવાના થતા દરોગાએ જયદેવને કહ્યું તમે અહિં નયાગાંવમા જ રાત્રી રોકાઈ જાવ, સવારે મુરૈના જજો રસ્તામાં વળી કોઈ ગીરોહ મળી ગઈ તો પછી નાહક અમારે ઉપાધી થશે. જયદેવે કહ્યું ચિંતા છોડો એવું કાંઈ નહી થાય અને તે રવાના થયો અને રાત્રે જ મુરૈના પાછો આવી ગયો જયદેવને થયું કે જો દરોગા અને ત્યાંની પોલીસની જ આ માનસિકતા હોય તો દૂર જંગલો પહાડો વચ્ચેના ગામડાના બિચારા નિ:સશસ્ત્ર લોકો ત્યાં કેમ જીવતા હશે?