૧૨ વર્ષથી થતા સિઘ્ધિ વિનાયક ધામમાં બાળકો, યુવાનો અને સિનિયર સીટીઝનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

ગઈકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ઠેર-ઠેર ગણપતિની સ્થાપના કરી લોકો ગણપતિ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છે. રેસકોર્ષ મેદાન ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં રાજકોટ શહેરના તમામ ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા મેયર જૈમન ઉપાધ્યાયના હસ્તે ભવ્ય આરતી કરવામાં આવી હતી.આ વિશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ હંમેશા સાંસ્કૃતિક નગરી રહી છે અને રાજકોટમાં દરેક તહેવારો ઉત્સાહભેર ઉજવાય છે ત્યારે રાજકિયથી પર ઉઠીને સામાજીક કાર્યો ભાજપ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષથી ભાજપ દ્વારા રેસકોર્ષ ખાતે સિઘ્ધી વિનાયક ધામનું આયોજન થાય છે. આજે આ મહોત્સવનો પ્રથમ દિવસ છે હજુ તા.૫ સપ્ટે. સુધી આ મહોત્સવ ચાલવાનો છે. ત્યારે બાળકો, ભાઈઓ-બહેનો, સિનિયર સિટીઝનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમણે ખાસ જણાવ્યું હતું કે, દિવ્યાંગો માટેની સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોજ રાત્રે ૯ થી ૧૨ સૌરાષ્ટ્ર ગુજરાતના નામી કલાકારોના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તેમણે અંતે અબતક મીડિયાના માધ્યમથી લોકોને આ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં જોડાવવા અપીલ પણ કરી હતી.સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે વિવિધ સ્પર્ધા વિશે જણાવતા કહ્યું હતું કે, બધા જ વયની ઉંમરના લોકો માટે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે પાણીપુરી સ્પર્ધા, વધારેમાં વધારે ગણપતિને પ્રિય મોદક ખાવાની સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોલી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન રાજકોટની પ્રજા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે તો લોકો ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં જોડાય તેવી મારી લોકોને અપીલ છે.શહેર ભાજપ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં આવતીકાલે ઓપન રાજકોટ (ધોરણ ૧ થી ૭) વન મીનીટ સ્પર્ધા યોજાશે. વધુમાં ‘શ્રીનાથજી ઝાંખી’ કાર્યક્રમ યોજાશે. આજે રાત્રે ૯:૦૦ કલાકે ધી‚ભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા દ્વારા હસાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ગણેશ ઉત્સવમાં ૧૫૦૦થી વધારે દર્શનાર્થીઓએ હોમીયોપેથીક દવા ગ્રહણ કરીને પોતાનું તેમજ પોતાના પરિવારના સ્વાસ્થ્ય અંગે જાગૃતતા બતાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.