નીલેશ પંડ્યા અને સાથી કલાકારો ભરઉનાળે વરસી પડ્યા !
રમત-ગમત, યુવક સેવા સાંસ્કૃતિક વિભાગની કચેરી દ્વારા બોલબાલાના સહયોગથી યોજાયો કાર્યક્રમ
રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગની કચેરી ગાંધીનગર અને રાજકોટ દ્વારા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ગુજરાત લોકસંગીતનો ભવ્ય કાર્યક્રમ ‘મેંદી રંગ લાગ્યો’ યોજાઇ ગયો, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ લોકગાયક નીલેશ પંડ્યા, ભારતીબેન નિમાવત તથા રેખાબેન પટેલે લોકગીતો, ભજનો, દુહા-છંદ, લગ્નગીત તથા લોકવાતો કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વા વાયાને વાદળ ઉમટ્યાં, મેંદી તે વાવી માળવે, ઝીલણ તારાં પાણી, મન મોર બની થનગાટ કરે, સોના વાટકડી રે, અમે મૈયારાં રે, પાપ તારૂં પરકાય જાડેજા સહિત અનેક રચનાઓ પ્રસ્તુત કરી હતી.
યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે બોલબાલાના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. રાષ્ટ્રીય શાયર મેઘાણીજીના સવાસોમી જન્મ જયંતી ઉજવાઇ રહી છે ત્યારે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતો આ કાર્યક્રમ આપણને આપણી સંસ્કૃતિથી પરિચિત કરાવે છે. કલાકારો સાથે મગનભાઇ વાળા, દીપક નિમાવત, ડો.હરેશ વ્યાસ, ધીરૂ ધધાણીયાએ સાજ ઉપર સંગત કરી હતી.