જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા દ્વારા પુરતા સાધનો વસાવી લેવા માંગ
સુરતમાં થયેલ ટયુશન કલાસમાં અગ્નિકાંડમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની મહામુલી જીંદગી હોમાઈ ગઈ. ચાર માળનાં બિલ્ડીંગમાં પુરતા ફાયર સેફટીનાં સાધનો ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેમને કારણે વિદ્યાર્થીઓની જીંદગી હોમાઈ ત્યારે તબેલામાંથી ઘોડા છુટી ગયા બાદ તાળા મારવાનો ઘાટ સર્જાયો છે.
સુરતમાં બનેલ બનાવને દુ:ખદ ઘટના જણાવીને રાજકોટ જીલ્લા પંચાયતનાં વિપક્ષી નેતા ધ્રુપતબા કુલદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓ પાસે ફાયર સેફટીનાં સાધનો મુદ્દે છ માસ પહેલા જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિતના પાસે વિગતો માંગવામાં આવી હતી. જે આજ દિવસ સુધી પુરી કરવામાં આવી નથી. સુરતમાં બનેલ બનાવ જેવો રાજકોટ જીલ્લામાં ન બને એ પહેલા તમામ સ્કુલમાં પુરતા સાધનોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
રાજકોટ જીલ્લા પંચાયતની જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની જીલ્લાનાં કુલ તાલુકા શહેરી વિસ્તાર કઈ-કઈ પ્રાથમિક શાળાઓમાં લાગેલી આગને બુઝાવવા માટે કઈ સ્કુલમાં ફાયર સેફટીનાં સાધનો આપવામાં આવેલ છે તેમની સ્કુલવાઈઝ વિગતો આપવા અંગે ગત તા.૨૧/૧૨/૨૦૧૮નાં રોજ પત્ર દ્વારા માંગ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત ધ્રુપતબા જાડેજાએ વધુ વિગતો માંગતા જણાવ્યું હતું કે, ફાયર સેફટીનાં સાધનો ભારત સરકાર તેમજ રાજય સરકાર કે જીલ્લા પંચાયત સ્વ ભંડોળ, શિક્ષણ ઉપકરની ગ્રાન્ટમાંથી ફાળવેલ હોય તો તેમની વિગતો પણ જણાવો.
જીલ્લાની શાળાઓમાં જો કોઈ સાધનો આપવામાં આવેલ ન હોય તો કયાં કારણોસર આપવામાં આવેલ નથી તેમની લેખીતમાં જાણ કરવાની માંગ કરેલ હતી પરંતુ છ માસ કરતા પણ વધુ સમય વિતવા છતાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિગતો આપવામાં કામ પુરવાર થયા છે ત્યારે આગામી સમયમાં તાત્કાલિક અસરથી પ્રાથમિક શાળાઓને ફાયર સેફટીના સાધનો જીલ્લા પંચાયતમાં પુરતી ગ્રાન્ટ હોવા છતાં ફાળવવામાં ધ્યાન આપતા ન હોવાથી શિક્ષણ સમાજનાં ચેરમેન સહિતનાને કોર્ટમાં ઘા નાખીને ખસેડવાની ફરજ ન પડે એ પહેલા ફાયર સેફટીનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.