અબતક, નવી દિલ્હી :
ટેકાના ભાવમાં ટેકાની જગ્યાએ કાયમ ” કાખઘોડી” પકડાવી દેવાનો ઘાટ જોવા મળી રહ્યો છે. ટેકોએ કાયમી માટે જોખમી છે. તે માત્ર થોડા સમય માટે હિતકારક છે તેવું નિષ્ણાંતોનું માનવાનું છે. એક સમયે અમેરિકાએ પણ દૂધ અને ચીઝ ઉપર ટેકો જાહેર કર્યો ત્યારે તેના અર્થતંત્રને મોટો ફટકો સહન કરવો પડ્યો હતો. આ જોતા ભારતમાં પણ કાયમી ટેકો અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ અનામત માત્ર 10 વર્ષ માટે રખાયું હતું, પણ કાયમી થઈ ગયું અને અન્યાયના સુરો ઉઠ્યા, તેવી જ હાલત એમએસપીની થાય તેવી દહેશત ફેલાઈ છે.
એમએસપીની છેલ્લા 5 વર્ષની સ્થિતિ જોઈએ તો ડાંગર અને ઘઉં પર લઘુત્તમ ટેકાના ભાવ છેલ્લા 5 વર્ષમાં અનુક્રમે 25 ટકા અને 16 ટકા વધ્યા છે. નવેમ્બર 2020 થી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ એમએસપી ઉપર પર કાયદો બનાવવાની માંગ કરી છે. કેન્દ્ર આ મુદ્દાનો અભ્યાસ કરવા માટે એક સમિતિની રચના કરવા સંમત છે.રાજ્યસભામાં લેખિત જવાબમાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે 2017 થી બદલાતા એમએસપી મૂલ્યોને પ્રકાશિત કર્યા.
દસ્તાવેજ મુજબ, મોટા ભાગના પાકો માટે એમએસપી દરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાર્ષિક આશરે 2-5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2017-18માં એક ક્વિન્ટલ ડાંગરની કિંમત 1,550 રૂપિયા હતી. વર્ષોથી, આ પાક પર એમએસપી દર 2021-22માં વધીને 1,940 રૂપિયા થઈ ગયો છે.
જો કે, રાગી, નાઇજરસીડ, જુવાર અને બાજરા પરની એમએસપી અનુક્રમે 77 ટકા, 71 ટકા, 61 ટકા અને 57 ટકાના દરે સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ઘઉંનો દર 2017-18માં 1,735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2021-22માં 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો હતો.
શુ છે MSP ?
MSPએ કોઈ ખેત ઉત્પાદનની મૂળ કિંમત અથવા દર છે કે જેના પર કેન્દ્ર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે. આ સિસ્ટમ હેઠળ, સરકાર 22 કૃષિ પાકો અને શેરડી માટે ટેકો આપે છે. એમએસપી ખેડૂતોને ખેત પેદાશોના ભાવમાં અચાનક ઘટાડા સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભાવમાં કોઈપણ અણધાર્યા ઘટાડાની સામે કૃષિ પેદાશોની કિંમતની ખાતરી માટે સરકાર એમએસપી મારફત તેમાં હસ્તક્ષેપ કરે છે. શરૂઆતમાં, તે મુખ્યત્વે ઘઉં અને ડાંગર માટે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ પછીથી અન્ય પાકોમાં પણ લંબાવવામાં આવ્યું હતું. જો કે, કેન્દ્રની મોટાભાગની ખરીદી માત્ર ઘઉં અને ડાંગર સુધી જ મર્યાદિત રહી છે.
MSP દર કેવી રીતે નક્કી થાય છે?
ભારત સરકાર વાવણીની મોસમની શરૂઆતમાં અનાજ, કઠોળ, તેલના બીજ અને વ્યાપારી પાકો જેવી 22 કોમોડિટીઝ માટે દર વર્ષે એમએસપી જાહેર કરે છે. તેની કિંમત કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસની ભલામણો પર આધારિત છે અને સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયોના અભિપ્રાયોને ધ્યાનમાં લીધા પછી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.