“ગુજરાત પોલીસ યુનિયનના કાયદે આઝમ નેતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ કરવી એટલે સિંહની બોડમાં હાથ નાખવો
આમ તો સામાન્ય રીતે મદારી નવા વિસ્તારમાં આવે એટલે પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ પોતાનું નામ સરનામું લખાવી દે છે. મદારી બે પ્રકારના હોય છે. લાલવાદી અને ફૂલવાદી ગામડાના લોકો મદારીને વાદી પણ કહે છે એમ કહેવાય છે કે મદારી કયારેય ચોરી કરતા નથી મદારી એટલે મીની જાદુગર અને મીની સરકસ ટીકીટ વગરનું ગામડાનું મનોરંજન ‘દે ઉસકા ભી ભલા ન દે ઉસકા ભી ભલા’ તેમનું સુત્ર હોય છે. જો મદારીને મંજુરી મળે તો તેમનો પ્રથમ ‘શો’ તો પોલીસ સ્ટેશનમાં કે પોલીસ લાઈનમાં જ હોય છે. મદારીની ડાકલુ વગાડવાની એક ખાસ રીત હોય છે. જે વગાડે એટલે ગામડાનાં લોકો સમજી જાયકે સરકસ-કમ-જાદુગર આવી ગયો અને બાળકો ગમે તેમ કરીને માતા પિતા પાસેથી થોડા પૈસા લઈને ડાકલાના અવાજની દિશામાં દોડવા લાગે છે.
તેની જાહેરાતનું બીજુ સાધન તેનું બીન કે વાંસળી છે તેનો અવાજ કેસૂર પણ મદારી સિવાય કયાંય સાંભળવા મળતો નથી લોકો એકઠા થયા પછી મદારીની બોલવાની રીતે અને લહેકો ત્યાં હાજર માણસોને સેમી હીપ્નોટાઈઝ (નઝરબંધી) કરવા પૂરતા છે. તેમના મોઢામાંથી લોખંડના મોટા મોટા ગોળા કાઢવા, કોશ કે દસ્તો કાઢવા, મોઢામાંથી વિંછી કે સાપ કાઢવાની કળા અને તે સમયે ગળા નાક અને મોઢામાંથી કાઢતા વિચિત્ર અવાજો પણ જુગુપ્સા પ્રેરક હોય છે. હવે મદારી કયાંક ગામડાઓમાં જોવા મળતા હશે બાકી શહેરોમાં તો તેમની નો એન્ટ્રી થઈ ગઈ છે. તેમના રહેવાના મુખ્ય બે ઠેકાણા જણાયા છે એક ધ્રાંગધ્રા અને બીજુ રાજકોટ કુવાડવા પાસે હીરાસરનાં પાટીયા પાસે. વાદીનો પહેરવેશ પણ અદ્વિતીય હોય છે. આખી બાંયનું પહેરણ ઉપર બંડી નીચે ધોતીયું ગળામાં જુદાજુદા પ્રકારના પારાની માળાઓ ગળામાં મફલર કે મોટો હાથ રૂમાલ અને માથા ઉપર ભગવા રંગનું પનીયું બાંધેલુ હોય છે. અને ખંભે કાપડ જેમાં તેના બંને પ્રકારના ખેલ (સરકસ અને જાદુ)ની સાધન સામગ્રી હોય છે. બોલવામાં અતિ વિનમ્ર અને પ્રિયભાષી હોય છે. તેમને પોલીસ અધિકારીઓ સાથે ફોટા પડાવવાનો બહુ જ શોખ હોય છે અને પોતાની કલા અંગેનું પોલીસ અધિકારી પાસેથી પ્રમાણ પત્ર ગમે તેટલી આના કાની છતા મેળવ્યે છૂટકો કરે એકંદર બીન ઉપદ્રવી કોમ છે.
બપોરના સાડા બારેક વાગ્યે ફોજદાર જયદેવ પોલીસ સ્ટેશનમાં હાજર હતો ત્યાં એક મદારી દોડતો અને રડતો આવ્યો તમામ પોલીસ અચંબામાં પડી ગઈ કે મદારીને કયારેય ડખો થાય નહિ. મદારી એ જયદેવના પગ પકડી લીધા અને રોઈને બોલ્યો ‘સાહેબ હું લૂંટાઈ ગયો’ જયદેવે પૂછયું કે પહેલા કહે તો ખરો કે શું થયું? મદારીએ કહ્યું કે ગામના ચોકમાં હું ખેલ કરી રહ્યો હતો ચોકમાં નોળીયાનું પીંજ, વિંછીના દાબડા વિગેરે વસ્તુઓ પડી હતી. હું બીન વગાડીને કરંડીયામાં ફણીધર (કાળોક્રોબ્રા)નાગને નચાવતો હતો ત્યાં એક દરબાર આવ્યા લગભગ પીધેલા લાગ્યા તેમણે નાગને ફેણ નીચેથી પકડીને પોતાના ગળે વિંટયો અને ચાલતા થયા પહેલા મને એમ થયું કે તેઓ રમતા હશે કે મશ્કરી કરતા હશે આથી મેં આજીજી કરી પરંતુ તેઓ માન્યા નહિ અને નાગને લઈ ને ચાલ્યા ગયા છે.
જયદેવને મનમાં થયું કે આ દરબારેય ખરા છે અને પોલીસને બજારમાં દોડાવી પરંતુ પેલા દરબારનો કયાંય પતો લાગ્યો નહિ જેથી રાયટર કોન્સ્ટેબલ જયુભાને બજારમાં મોકલ્યા કે પહેલા નામ જાણો કે કોણ હતુ. જયુભા જઈને નામ તો ઠીક એક વ્યકિત કે જે જયદેવના એક અગત્યના કેસના પંચ હતા તે દીલુભાને પણ સાથે લેતા આવ્યા તેઓ પીધેલા ન હતા દીલુભાએ સામેથી જ કહ્યું કે ‘સાહેબ આ લોકો બીચારા પ્રાણીઓને પુરી રાખી ત્રાસ આપે તે બરાબર કહેવાય?’ જયદેવે તેમને કહ્યું કે દરબાર ‘જીવો જીવસ્ય જીવનમ’ ! આ નાગના કારણે જ મદારીના કુટુંબનું જીવન ચક્ર ચાલે છે. આપી દો નાગ’ દીલુભાએ કહ્યું કે નાગ તો હું નદીમાં છૂટો મૂકતો આવ્યો. જયદેવે જીપમાં તુરત જ જયુભા અને દીલુભાને મદારી સાથે નદીએ મોકલ્યા, દિલુભાએ જગ્યા બતાવી તેથી મદારીએ તેની કલા અને તેની બીનની ધૂન વગાડી નાગ પાછો મેળવી લીધો! તે સમયે ઘણા મદારીઓ સાથે રીંછ પણ રાખતા હતા. રીંછ બચ્ચુ હોય ત્યારથી પાળતા અને નાચવાની તાલીમ આપતા, મદારી લોકો મુસાફરીમાં હોય ત્યારે ગામના પાદરમાં કોઈ મંદિર હોય ત્યાં ઉતારો કરતા અથવા ગામના પાદરમાં તંબુ કે ડેરો કે દંગો નાખતા.
એક વખત આ રીતે મદારી રીંછ લઈને મુળી આવેલ અને ગામના આથમણા પાદરમાં ભોગાવો નદીને સામે કાંઠે શિતળા માતાજીના મંદિરે ઉતરેલ હતો. મદારીના આ ખેલ બે ત્રણ દિવસથી ટીકર, ગઢાદ, ખાટડી ગામે ચાલુ હતા.
સાંજના છ એક વાગ્યે જયદેવ મુળી પોલીસ સ્ટેશનનાં ફળીયામાં ખૂરશી નાખી ખૂલ્લી હવામાં બેઠો હતો અને એક મદારી દોડતો અને રડતો આવતો જોયો જયદેવને થયું કે વળી દરબારોએ કાંઈક બબાલ કરી લાગે છે. મદારીને શાંત પાડીને જયદેવે પુછયું કે શું થયું તો તેણે કહ્યું કે ત્રણ દરબારોએ મારું તાલીમ આપી તૈયાર કરેલું રીંછ મારી નાખ્યું આથી જયદેવે તે દરબારોના નામ પૂછયા તો મદારીએ કહ્યું કે તે તમામ ત્યાં શીતળા માતાજીના મંદિરે હાજર જ છે. જયદેવ જીપ લઈને રવાના થયો અને મનમાં વિચારતો હતો કે દરબારો દારૂપી ગયા હશે નહિ તો વગર કારણે આવડા મોટા રીંછને થોડા મારી નાખે?
પુલ વટીને જીપ મંદિરમાં આવી ત્યાં પુષ્કળ લોકો એકઠા થઈ ગયા હતા. અને રીંછ મરેલુ પડયું હતુ. પરંતુ તેના ઉપર લોહી કે ઈજાના નિશાન દેખાતા ન હતા. જયદેવે મદારીને પૂછયું કે કોણ કોણ મારવામાં હતા તો તેણે ત્યાં હાજર ત્રણ યુવાનોને બતાવ્યા જેમને જયદેવે એક બાજુ લઈ જઈ બીજા લોકોને દૂર જતા રહેવા કહ્યું ત્રણે યુવાનો ઉંચા સશકત અને મજબુત બાંધાના હતા. પણ દારૂ પીધેલા નહતા જયદેવે તેમને પુછયું કે રીંછને શા માટે અને શાના વડે માર્યું? એક જણે કહ્યુંં ‘સાહેબ, મદારીને જ પુછો ને?’ જયદેવે મદારીને પુછયું તો તેણે કહ્યું કે ‘સાહેબ હવે આ રીંછડુ બચ્ચામાંથી પાથડુ થઈ ગયું હતુ તાલીમ પણ પુરી આપી દીધેલ પરંતુ નાક વિંધેલ નહિ તેથી હુકમ મુજબ કામ કરતુ ન હતુ. બે ત્રણ ગામમાં આ રીંછને નાક વિંધીને કાણુ પાડીને નથ નાખવા પ્રયત્ન કરેલો પણ તે જવાનો જરા ઢીલા હતા કે રીંછ ને બરાબર પકડી જ શકતા નહતા. અને રીંછ નાક વિંધવામાં તે બહુ તોફાન કરે કે હુમલો પણ કરે. તેથી મુળીમાં આ હટ્ટાકટ્ટા અને મજબુત યુવાનો જોઈ મેં રીંછને નથ પહેરાવી દેવાનું નકકી કરેલું આ ત્રણે યુવાનોને વાત કરીતો તેમણે મદદ કરવાની હા કહી અને મારા કહ્યા પ્રમાણે જ ત્રણે જણોએ એકે છાતી પાસે એકે પેટ પાસે અને એકે રીંછના પગ પાસે બરાબર બથભરીને પકડી રાખ્યું જયારે નાક વિંધવાનો સમય થયો ત્યારે મેં કહ્યું જો જો બરાબર પકડજો જોરથી અને ફરી નથ પહેરાવતી વખતે ફરી વખત કહ્યું અને ત્રણે જણે બરાબર તાકાતથી દબાવી રાખ્યુ હતુ મેં રીંછને નથ પહેરાવી દીધી એટલે કહ્યું મુકો હવે અને ત્રણે જણાએ એક સાથે રીંછને મુકયું પણ રીંછ તો સીધુ જમીન ઉપર ચત્તાપાટ ઢળી પડયુંં. આ ત્રણે જણાએ ખુબ દબાવ્યું તેથી જ મરી ગયું છે. જયદેવે કહ્યું તેમાં આ ત્રણ જણાનો શું દોષ? કહે જોઉ.’ મદારી એક કહ્યું પણ રીંછતો મરી ગયું ને? જયદેવે કહ્યુંં કે તેં જ તે લોકોને બે વખત જોરથી દબાવી રાખવા કહ્યું હતુ તો આ લોકો પકડી જ રાખે ને? મદારીને તો સ્વાર્થ હતો કે જો દરબારો પાસેથી કાંઈક નીકળે તો. જયદેવે મદારીને કહ્યું તારી પાસે રીંછને રાખવાનું જંગલ ખાતાનું પ્રમાણ પત્ર છે ? જો હોય તો તારી જાણવા જોગ નોંધ લઉ અને નહોય તો તારી વિધ્ધ જંગલ અધિનિયમ (ફોરેસ્ટ એકટ) મુજબ પરમીટ વગર જંગલી પ્રાણી રાખવા સબબ હું જાતે ફરિયાદી થાઉ. પરંતુ મદારી કરગરવા અને રડવા લાગતા અને આજીજી કરવા લાગતા જયદેવે કહ્યું કે હવે મરેલ રીંછનો અગ્નીસંસ્કાર કરી નીકાલ કરો અને પેલા ત્રણય યુવાનોને તેમાં મદદ કરવા કહ્યું.
તે સમયે હળવદના ફોજદાર ગજરાજ તે વખતના પોલીસ યુનિયનના ફોજદાર વિભાગના રાજય કક્ષાના નેતા હતા. નેતા તો હતા પણ અદ્વિતીય કાયદે આઝમ અને ખાતાકીય વહીવટી નિયમોના ઘણા જાણકાર પણ હતા. સારા સારા અને ઉચ્ચ હોદા વાળા અધિકારીઓ પણ મુશ્કેલી ના સમયે કાયદાકીય અને ખાતાકીય બાબતોમાં તેમની સલાહ લેતા એકંદર ‘માથાભારે માણસની પાંચ શેરી ભારે’ તે ન્યાયે તેનાથી મોટાભાગના અધિકારીઓ ડરતા. તો ઘણા અધિકારીઓ સાથે આ હળવદ ફોજદાર પણ સામેથી સંબંધ રાખતા ટેકોતો જોઈએ ને?
હળવદ વિસ્તારમાં દારૂ જુગારના બે નંબરી ધંધા અને અડ્ડાઓ ચાલતા પણ એલ.સી.બી. ટાસ્ક ફોર્સના ફોજદારો આ કાયદાની પુંછડી યુંનિયનના નેતા સાથે કોણ સંબંધ બગાડે તેમ માની આ અડ્ડાઓ ઉપર રેઈડો પાડવાનું ટાળતા પરંતુ હળવદની અસામાજીક પ્રવૃત્તિ અંગે છાપાઓમાંખૂબ સમાચારો છપાતા આખરે જીલ્લા પોલીસ વડાએ જાતે એલસીબી ટાસ્ક ફોર્સને લઈને કોઈ ગ્રામ્ય વિસ્તારમાં દાની મોટી ભઠ્ઠી ઉપર રેઈડ કરી પરંતુ હળવદ ફોજદાર ફોટોગ્રાફરને સાથે લઈ ત્યાં પહોચી ગયા તેમણે ફોટોગ્રાફરને સમજાવી રાખેલું કે હું જયારે પોલીસ વડા સાથે ઉભો રહુ અને કાંઈક આંગળી ચીંધી બતાવતો હોય ત્યારે તારીખ સમય સાથેનો ફોટો પાડીલેવા. રેઈડ વાળી જગ્યાએ જઈ હળવદ ફોજદારે પોલીસ વડાને સલામ કરી કહ્યું સાહેબ આપને ધકકો ખાવો પડયો? મને કહ્યું હોત તો હું રેઈડ પાડી દેત. આતો પત્રકારોએ મને કહ્યું તેથી ખબર પડી તેમ કહી ફોટોગ્રાફરને કહ્યું ‘ભાઈ જલ્દી પતાવ નીકળવું છે’ આમ પોલીસ વડા સાથે જુદી જુદી અદામાં ફોટા પડાવી લીધા. રેઈડ બહુ મોટી હતી તેથી પોલીસ વડાએ એલ.સી.બી.ના ફોજદારને કહ્યું તમે કામ પૂરું કરી નાખજો પણ હળવદ ફોજદાર ને રેઈડમાં સાથે દર્શાવતા નહિ તેમ કહી રવાના થઈ ગયા. પાછળ એલ.સી.બી. ટાસ્ક ફોર્સના ફોજદારોનાં પેટમાં લબકારા બોલતા હતા. પરંતુ હળવદ ફોજદારે કહ્યું ભાઈઓ આમાં તમારો શું વાંક? તમારે તોપોલીસ વડા કહે એટલે સાથે આવવું જ પડે. ને ભાઈ? મને મનમાં કાંઈ નથી. હું તો પોલીસ વેલ્ફેરનો માણસ છું તમને મદદ કરીશ અમે કહી કામ કરતા માણસોને કહ્યું જોજો હો ફોટોગ્રાફી થઈ ગઈ છે. પંચનામાં કાંઈ બાકી રહી જાય નહિ તેમ કહી પ્રથમ પંચનામાના ટાંચણનું લીસ્ટ બનાવરાવ્યું અને એફઆઈઆર પણ તેમના પોતાના રાયટરના અક્ષરમાં લખાવી દઈ પૂરી મદદ કરી. પરંતુ આવી મોટી રેઈડની બાતમી નહિ મેળવી શકવા અને રેઈડ નહિ કરવા બાબત હળવદ ફોજદારને ખાતાકીય તપાસનું તહોમતનામુ અપાયા પણ આ કાયદે આઝમે બચાવમાં પોતે રેઈડમાં સાથે જ હતા તેવું ફોટોગ્રાફીથી તથા પંચનામાના તેમના પોતાના રાયટરના હસ્તાક્ષરથી પ્રસ્થાપિત કરી દઈ નિદોર્ષ છૂટી ગયા !
‘કુતરાની પુછડી ગમે તેટલી જમીનમાં દાટો વાંકીને વાંકી જ નિર્ભય હળવદનાં ફોજદારે તળપદ હળવદ ગામમાં જ બે જુગારની કલબો ચલાવવાની મંજૂરી આપી દીધી. પરંતુ પાળેલા આલ્સેશનથી કાંઈ મોટો શિકાર થઈ શકે નહિ. પોલીસ વડાને કોઈ એ સલાહ આપી કે આ બે કલબોમા રેઈડો તો સિંહ હોય તેજ કરી શકે. એક દિવસ બપોરનાં સાડા ચાર વાગ્યે જયદેવને વાયરલેસથી વરધી મળી કે એકે કે બે અંગત સ્ટાફ સાથે પોલીસ વડાને બપોરે ત્રણ વાગ્યે કચેરીમાં મળવું જયદેવ સુરેન્દ્રનગર પહોચ્યો પોલીસ વડાની ચેમ્બરમાં ધ્રાંગધ્રા સીટીના ફોજદાર ઝાલા બેઠા જ હતા. જયદેવને જોઈ તેઓ મોઢુ ત્રાંસુ રાખી થોડુ હંસી લીધું જયદેવને ખ્યાલ આવી ગયો કે કાંઈક કબાડુ લાગે છે. પોલીસ વડાએ બંને ફોજદારોને કહ્યું તમારા બંને માટે બહાર એક વાહન તૈયાર છે. તેમાં પોલીસના જવાનો રેઈડ કરવા વાળા તથા હેડ કવાર્ટરના હથીયારી પણ છે. તમારે ફકત સાથે જવાનું છે. જયદેવ સમજી ગયો કે કાંઈક રમત છે. પરંતુ આનાકાની થઈ શકે તેમ હતી નહિ મનમાં વિચાર કર્યો કે પોલીસ વડાની પણ કેવી મજબુરી છે? છતે અધિકારીએ સીતારામ. જયદેવ સમજી ગયો કે સામે કાયદે આઝમ મિત્ર જ છે, તેથી તેની હાલત ‘સાપે છંછુંદર ગળ્યા જેવી’ થઈ કચેરી કંપાઉન્ડમાં જ બે બંધ બોડીના મેટાડોર પડયા હતા એકમાં એલ.સી.બી.નો સ્ટાફ અને બીજામા ટાસ્કફોર્સનો સ્ટાફ જેની વ્યવસ્થા તેમના ફોજદારોએ જ કરી હતી. મેટાડોર દુધરેજ રોડ ઉપર આવતા જ જયદેવે મનોમન કહ્યુ અનુમાન સાચુ જ છે.
બંને મેટાડોર ધ્રાંગધ્રા થઈ હળવદમાં બાજુ બાજુમાં આવેલી બે શેરીઓમાં આવ્યા. જવાનો વાહનમાંથી ઉતરીને ફટાફટ બે માળના મકાન ઉપર જતા જયદેવ પણ ઉપર આવ્યો સાંજના છ એક વાગ્યા હતા રેઈડમાં છ એક માણસો ગંજીપાના પૈસા વડે તીનપતીનો જુગાર રમતા પકડાયા હતા પરંતુ રકમ મોટી હતી એલસીબીના સ્ટાફે રાબેતા મુજબ માણસોના નામ, રકમ, પટમાના પાના, રકમ મકાન નીચતુર્દીશાનું ટાચણ કરી જયદેવને કહ્યું ચાલો સાહેબ જયદેવે કહ્યું ના ! અહી જ પંચનામા એફ.આઈ.આર.ની. કાર્યવાહુ પુરી કરો દરમ્યાન શેરીમાં બેન્ડ વાજા વાગવાનો અવાજ આવ્યો જયદેવેને થયું કે કોઈ પ્રસંગ માટે હશે અને બેન્ડ સુરાવલી કાઢતુ કાઢતુ બાજુની શેરીમાં ગયું પણ થોડીવારમાં જ પાછુ આવ્યું અને આજ શેરીમાં ઉભુ રહી વગાડવાનું ચાલુ રાખ્યું જયદેવે બારીમાંથી જોયું તો આ કલબ હાઉસના દરવાજા સામે જ બેન્ડ વાગતુ હતુ અને ઘણા લોકો આ તમાશો જોવા ભેગા થયા હતા બેન્ડમાંથી ગીત વાગતું હતુ ‘દેખા હૈ પહેલી બાર….. પછી થોડી વાર બાદ ગીત વાગ્યું ‘દીલ દીયા હૈ જાન ભી દેંગે ઓ….’ જયદેવે ખાનગમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે આ બેન્ડવાજાની વ્યવસ્થા લતાવાસીઓએ કે વિરોધીએ ખાસ નોંધપાત્ર રીતે કરી હતી અને આ રેઈડ તથા બેન્ડ વાજા વાગ્યાના સમાચારો બીજા દિવસે શણગારીને છાપામાં આવ્યા હતા મેટાડોરમાં પંચો સાથે જ હતા. કાગળોની કાર્યવાહી પૂરી કરી જયદેવ હળવદ પોલીસ સ્ટેશનમાં આવ્યો.
હળવદ ફોજદાર પોલીસ સ્ટેશનમાં જ હતા મેટાડોર આવતા તેઓ બહાર આવી જયદેવનું સન્માન પૂર્વક સ્વાગત કર્યું પધારો બાપુ જયદેવને મનમાં સંકોચ પામતો જોઈને હળવદ ફોજદાર બોલ્યા ‘બાપુ તમે તો મા નામ રોશન કર્યું કે’ મિત્ર આ સિંહની બોડમાં શિયાળીયા આવી શકે નહિ તમારી જેવા સિંહને જ મોકલવા પડે!’ ચેમ્બરમાં બેસી ચા પાણી મંગાવ્યા ચા આવતા જ હળવદ ફોજદારે હુકમ કર્યો કે ધ્રાંગધ્રા નરેશને બોલાવો રાજના કામ તો ચાલ્યા કરે અને ત્રણે જણાએ સાથે ચા પાણી પીધા જયદેવે કરેલ કાર્યવાહીનો લેખીત રીપોર્ટ તૈયાર કરી મેટાડોર સરા તરફ લેવડાવ્યું અને પોતે મુળી આવતા ઉતરી ગયો.
તે સમયે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી ચૂંટણી પોલીંગ સ્ટાફ અને પોલીસ સુરક્ષા સ્ટાફ આગલા દિવસે ગામડે પહોચી ગયેલા તે સમયે ઈવીએમ આવ્યા નહતા. મતદાન સીકકા અને શાહી વડે થતુ હતુ.
સવારના સાત વાગ્યે મતદાન શરૂ થવાનો સમય હતો. તે વખતે થાણા અધિકારીને પણ પેટ્રોલીંગ માટે એક્ગ્રુપ રીઝર્વ આપવામાં આવતું જયદેવ પેટ્રોલીંગ ફરતો ફરતો નવેક વાગ્યે પલાસા ગામે આવ્યો ત્યાં રેવન્યુ (ચૂંટણી અધિકારી)ની જીપ પણ ઉભી હતી. પુષ્કળ લોકો એકઠા થયેલા થયેલા હતા. મામલો ચિંતાજનક લાગતા જયદેવ જીપમાંથી ઉતરીને મતદાન મથકમાં ગયો શું છે તેમ પુછતા જાણવા મળ્યું કે સવારથી મતદાન જ શરૂ નથી જેને ખુબ ગભીર બાબત કહેવાય. કારણ જાણવા મળ્યું કે ચૂંટણીમાં મત દેવા માટે જે સીકકો મારવા માટે શાહીનું પેડ જોઈએ તે કર્મચારીઓ લાવતા ભૂલી ગયા છે. ગ્રામ પંચાયતનું પેડ છે પણ કો અને પાણી નાખી નાખીને વાપરી નાખેલ હોય શાહી જ નથી અને સીકકો જ ઉપસતો નથી નવ વાગી ગયા છે જો મુળી જઈને નવુ પેડ લાવેે તો પણ અગીયાર વાગી જાય અને ત્યાં સુધીમાંતો કોઈક રાજકારણી બબાલ કરી મતદાન મથકનું મતદાન જ રદ કરાવી નાખે અને ચૂંટણી સ્ટાફનું તો આ બેદરકારી બદલ આવી જ બને!
જેથી જયદેવે પેડ હાથમાં લીધું અને ઉંધુ કરી ફેરવી જોતા પણ તેમાં શાહી જેવું તત્વ જ નહતુ જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ અને પોતાની બોલપેન કાઢી તેમાંથી રીફીલ કાઢી અને રીફીલનો ધાતુ વાળો લખવાનો ભાગ દાંડ વડે ખેંચી નાખી એક છેડો પેડમાં રાખી બીજા છેડે મોઢા વડે ફૂંક મારી પેડ ઉપર ભરપૂર શાહી આવી ગઈ. તમામ ચૂંટણી સ્ટાફના ચહેરા ઉપર તેજી અને આનંદી લહેર આવી ગઈ. મતદાન ચાલુ થઈ ગયું ગામ લોકોએ આનંદ મનાવ્યો અને મતદાન કર્યું ‘બુધ્ધીર્ યસ્યં બલંતસ્ય!’
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com