પેટા ચુંટણીના પ્રચારમાં કેમ નથી દેખાતા? તમામની હાજરી પણ તપાસી કાલથી સક્રિય થઇ જવા કડક તાકીદ: પક્ષના તમામ કાર્યક્રમમાં નગરસેવકોની હાજરી ફરજિયાત કરાય
વોર્ડ નં.15ની બે બેઠકો માટે પેટા ચુંટણીના આડે હવે 20 દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. કોંગ્રેસના ગઢ સમા આ વોર્ડમાં જીતવા ભાજપ મથામણ કરી રહ્યું છે. ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. છતાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપના જ કેટલાક કોર્પોરેટરો પેટા ચુંટણીના પ્રચારમાં દેખાતા નથી. તે સંદર્ભે આજે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખે તમામ કોર્પોરેટરોને ખખડાવી નાંખ્યા હતા. જો હાજર ન રહી શકતા હોય તો જાણ કરવી જેથી આગળની વ્યવસ્થા કરવાની ખબર પડે તેવી પણ માર્મીક ભાષામાં ટકોર કરી હતી.
પેટા ચુંટણીને ભાજપના કોર્પોરેટરો મહત્વ આપતા ન હોય તેવું લાગી રહ્યું છે. આજે પ્રચારમાં અનેક કોર્પોરેટરો દેખાયા ન હતા. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ નગરસેવકોનો ક્લાસ લીધો હતો. પેટા ચુંટણીના પ્રચારમાં કેમ દેખાતા નથી. તેવો સવાલ કર્યો હતો. જો પક્ષનું કામ ન કરવું હોય તો વિચારી રાખજો. આગળની વ્યવસ્થા કરવાની ખબર પડે. તેવી પણ માર્મીક ટકોર કરી હતી. સાથોસાથ જણાવ્યું હતું કે તમે જ્યારે ચુંટણી લડતા હતા ત્યારે કાર્યકરોએ કાળી મંજૂરી કરીને તમને નગરસેવક બનાવ્યા છે. એ વાત ભૂલવી જોઇએ નહિં. નિષ્ક્રિય રહેશો તો જરા પણ ચલાવી લેવામાં આવશે નહિં. આજથી સક્રિય થઇ જાવ. તેઓએ સંકલનમાં હાજરી પત્રક મંગાવી તમામની હાજરી અને ગેરહાજરી ચેક કરી હતી. સાથોસાથ એવું પણ સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું હતું કે પક્ષના તમામ કાર્યક્રમોમાં કોર્પોરેટરોએ હાજરી આપવી ફરજીયાત છે. જો આગામી દિવસોમાં પણ નિષ્ક્રીયતા દાખવવામાં આવશે તો ન છૂટકે કડક હાથે કામ લેવું પડશે. શહેર ભાજપ પ્રમુખના કડક ઠપકાથી કોર્પોરેટરો સ્તબ્ધ થઇ ગયા હતા.