શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૧૨૪એ પહોંચી: યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી ગોંડલના મોવીયાની
શહેરમાં આજે કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ મળી આવ્યો છે. ગોંડલની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા અને શહેરનાં પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેના સંપર્કમાં આવેલા ૪૪ લોકોને હોમ-ફેસેલીટી કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં કોરોના પોઝીટીવનો આંક ૧૨૪એ પહોંચી જવા પામ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મહાપાલિકાનાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરનાં ૨૩-૨૪ પ્રહલાદ પ્લોટ સ્થિત ૩૦૨ અવધ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૦ વર્ષીય નિલેશભાઈ નવનીતભાઈ જીકરીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ ગોંડલનાં મોવૈયા ગામની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. નિલેશભાઈ યુનિવર્સિટી રોડ પર પારસ જવેલર્સ નામનો શો-રૂમ ધરાવે છે. તેઓનાં સંપર્કમાં આવેલા ૨૫ વ્યકિતઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે ૧૯ વ્યકિતઓને ફેેસેલીટી કવોરન્ટાઈન કરાયા છે. શહેરમાં આજ સુધીમાં કોરોનાનાં ૧૨૪ કેસ નોંધાયા છે જે પૈકી ૯૩ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે જયારે ૪ વ્યકિતઓનાં મોત નિપજયા છે. હાલ ૨૭ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.