“આ ચડસા-ચડસીનો ભોગ કાં તો જનતા અથવા જનતા સાથે પોલીસદળ પણ બનતું હોય છે !

ફરજ વિમુખતા

સામાન્ય રીતે સમાજ તો પોલીસને ‘હલકુ નામ હવાલદારનું’ તે દ્રષ્ટીએ જ જુએ છે. પરંતુ કમનસીબે બીજા સરકારી તંત્રો પણ પોલીસ દળના જવાનોને બીનબુધ્ધી જીવી ગણી ઉતરતા કે ગુલામની દ્રષ્ટીએ જુએ છે આથી આ તંત્રના કર્મચારીઓ અધિકારીઓને પોલીસ સાથે જયારે કામ પાડવાનો સમય આવે છે.

ત્યારે આ લોકો ‘હૈયાની વાત હોઠે આવી જાય’ તે રીતે તેમનું વર્તન પોલીસ સાથે કાંતો ઉપેક્ષાકૃત હોય છે. અને ઘણી વખત તો હડધૂત કરવા જેવો પણ વર્તાવ કરવામાં આવે છે. પરંતુ આ વર્તન કરનારા ભૂલી જાય છે અને જે સત્ય છે કે ખરેખર મુશ્કેલી ના કે દુ:ખના સમયે આ ઉપેક્ષાકૃત પોલીસ જવાનો જ મને કે કમને મદદમાં આવતા હોય છે. એ હકિકત સિધ્ધ થયેલી છે કે માણસ હિંસક પશુ સાથે લાંબો સમય મીત્રતા ભાવ રાખે તો આ હિંસક પ્રાણી પણ માણસ સાથે મિત્રતા રાખતુ થઈ જાય છે.

તો પછી પોલીસ દળના જવાનો આ સમાજ નાજ શિસ્તબધ્ધ દળના છે તેની સાથે સહકારની ભાવના કે મીત્રતા ભાવ રાખવાથી તો બીજા ઘણા કાર્યો સરળ થઈ જતા હોય છે. પરંતુ સામાન્ય રીતે અન્ય ખાતાના અધિકારીઓ કર્મચારીઓનો વ્યવહાર ‘સુપરીયાલીટી કોમ્પ્લેક્ષ’ ભર્યો હોવાથી પોલીસની અવગણના થતા પોલીસ દળના જવાનો પણ પોતાની મહત્તા સાબીત કરવા પોતાને મળેલ સત્તાનો જડતાથી અમલ કરે છે.

જેથી ખરેખર બંને પક્ષોને ફરજ બજાવવાનો સંતોષ અને આનંદ મળવો જોઈએ તેને બદલે ‘અહમભાવ’નો સંઘર્ષ થતા વાતાવરણ સુમેળ ભર્યું બનવા ને બદલે કલુષિત અને કંકાસ મય બની જાય છે. કારણ કે આ સંઘર્ષમાં પોલીસ મોકો મળ્યે જડતાથી કાયદાની અમલવારી કરીને ગમે તેને હડફેટે લઈ કાયદેસરની કાર્યવાહી કરીને પોતાની ‘મહત્તા’ સાબિત કરવા કોશીષ કરે છે. અને આ પ્રવાહ અવિરત ચાલુ રહે તો દોષનો તમામ ટોપલો હલકા નામ વાળા હવાલદાર ઉપર એટલે કે પોલીસ દળ ઉપર આવે અને તેઓ જબદનામ થતા હોય છે.

આવા અન્ય સરકારી ખાતાના અધિકારીઓની માનસીક મહત્તાના અને પોલીસ કર્મીઓને ટલ્લે ચડાવવાના સામાન્ય બાબતના કિસ્સા કેવી ગંભીર બાબતમાં પરિણામેલા અને ફોજદાર જયદેવે ઉદાહરણીય રીતે ઠંડા કલેજે ઉકેલેલા તે જોઈએ.

મોરબી-ભાવનગર રૂટની એસ.ટી.બસમાં રૂપીયા પાંચ હજારનું પીક પોકેટીંગ થયું બસનો ડ્રાઈવર બસને જ સીધી પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યો જયદેવે ફરિયાદીને સાંભળીને સૌ પ્રથમ પોલીસ જવાનો સાથે ફરિયાદીને લઈને બસમાં તપાસ  શરૂ કરી બસમાં થોડી ગીર્દી હતી પણ ફરિયાદી બસમાં કયાં ઉભો હતો આજુબાજુમાં કોણ કોણ હતુ તેખાત્રી કરી ફરિયાદીએ જણાવ્યુંં કે પોતે બસમાં પાછળ હતો અને જે બાજુમાં ઉભો હતો તે હાલમાં બસમાં આગળના ભાગે ઉભો છે.

જવાનોએ આગળ ઉભેલા ઈસમને નીચે ઉતરવાનું કહેતા તેણ થોડો હિચકીચાટ અનુભવ્યો અને ફરિયાદી સામે કતરાતો અને વાંકુ બોલતો નીચે ઉતર્યો. પણ શિકસસેન્સથી જયદેવને તેજ વ્યકિત શંકાસ્પદ જણાતા તેને ચેમ્બરમાં લાવી પૂછપરછ કરી આ ઈસમ ખરેખર ગુંડો હતો અને અગાઉ પણ અનેક પીક પોકેટીંગનાં ગુન્હાઓમાં પકડાયો હતો આમ પેધી ગયેલો હોઈ તે વિરોધ કરવા લાગતા અને જયદેવને તેના મોઢામાંથી  દારૂ પીધેલાની વાસ આવતા જયદેવનો વહેમ પાકો થઈ ગયો કેમકે અનુભવે જણાવેલ છે કે પીક પોકેટરો દારૂ પીને જ ગુન્હા કરતા હોય છે.

પોલીસે તેના બેગ થેલા તપાસ્યા તેમાં અકે દારૂની બોટલ મળી પણ ચોરીનો મુદામાલ રૂપીયા પાંચ હજાર મળ્યા નહિ. પંચો રૂબરૂ પંચનામું કરતા તેની અંગ ઝડતીમાં તેણે પહેરેલ નીકરમાંથી પાંચ હજાર રૂપીયાની થોકડી મળી આવી. જયદેવ હસ્યો કે તારૂ ખીસ્સુ ખરૂ છે હો ! તે હોંશીયારી બતાવી પોતાના જ રૂપીયા હોવાનું કહેતા જયદેવને થયું કે આ ‘લાતો ના ભૂત વાતોથી માને નહિ’ તે રીતે થોડી સર્વીસ કરતા જ તે આતો કબુલ્યો પણ બીજી પણ ત્રણ ચાર પીક પોકેટીંગ ચોરી માની ગયો.

પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ચાર દિવસના રીમાન્ડ ઉપર લીધો. તમામ તપાસ પૂર્ણ થતા આરોપીને અદાલતમાં રજૂ કરવાનો હતો પણ બાબરા ન્યાયધીશ રજા ઉપર હોઈ તેમનો ચાર્જ અમરેલી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પાસે હતો અને રજાનો દિવસ હોઈ આરોપીને અમરેલી ખાતે ન્યાયધીશ બંગલે જ રજૂ કર્યો અને તેમણે આરોપીનું જેલ વોરંટ ભરી દેતા વોરંટ તથા આરોપીને લઈને જયદેવ અમરેલી સેન્ટ્રલ જેલ ઉપર આવ્યો. જયદેવને હાઈવે નાઈટ પેટ્રોલીંગનો ઉજાગરો અને ત્રણ ચાર દિવસની દોડાદોડીનો થાક પણ હતો. જેથી આરોપીને વોરંટ સાથે પોલીસ પાર્ટી સાથે જેલમાં મોકલ્યો અને પોતે બહાર જીપમાં જ બેઠો.

થોડીવારે પોલીસ પાર્ટી આરોપીને લઈને પાછી જેલમાંથી બહાર આવી આથી જયદેવને ખૂબ નવાઈ લાગી ત્યાં જમાદારે આવીને કહ્યું ‘સાહેબ જેલર સાહેબે સાંજે ચાર વાગ્યે આરોપીને લઈને આવવાનું કહ્યું છે’ જયદેવને થયું કે આતો અગવડતા રૂપ તો ખરૂજ પણ ગેરકાનૂની પણ કહેવાય આ આરોપીનો કબ્જો કયા હેડ નીચે કોની જવાબદારી હેઠળનો કહેવાય.

જમાદારે વધુમાં કહ્યું કે જેલર કહેતા હતા કે અમે પોલીસ જેમ ચોવીસ કલાક બંધાયેલા નથી કે ગમે તે સમયે ચાલ્યા આવે અને ગમે તેવા આરોપીઓને નાખી જાય પછી અમારે આરોપીની સારવાર સુવાવડ કરવાની જયદેવને થયું કે ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ પણ એક શબ્દ બોલ્યા નહિ અને આ જેલરની આવી ઉદંડતા? જમાદારે આગળ વાત કરી કે મેં આરોપીનું જેલવોરંટ જેલર સાહબેને આપેલું તે તેમણે ગુસ્સાથી બડબડકરતા મારી તરફ ઘા કરેલો તેથી વોરંટ જમીન ઉપર પડયુંં.

પણ તે મેં તુરત જમીન ઉપરથી ઉપાડી લીધું પુછો આઆરોપી અને બીજા જવાનોને. જેલના સીપાઈઓ કહેતા હતા કે જેલર આમેય તુંડ મીજાજી છે. તેમાં તમે બપોરના જમવાના સમયે આવ્યા અને તેમાંય આજતો રજાનો દિવસ અને તમે મોડા આવ્યા તેથી વધુ ઉશ્કેરાયા છે.આમેય તેઓ બાબરા પોલીસ વિશે જેમ તેમ બોલતા જ હોય છે કે જે આરોપીઓને સારવાર કરાવવા હોસ્પિટલ મોકલવા પડે છે તે લગભગ મોટાભાગના બાબરા થાણાના જ આરોપીઓ હોય છે. તેમાં અત્યારે પણ બાબરાનું નામ પડયું અને તેઓ ઉશ્કેરાઈ ગયા.

જયદેવ પણ થાકેલો હતો ચાર વાગ્યા સુધી આરોપીને લઈને કયાં ઠેબા ખાવા તેમ વિચારતા તેનો મગજ પણ ચસકયો કે જેલરને પણ કાંઈક કાયદેસરનો બોધપાઠ તો શીખવવો પડશે કે તેઓ પણ પોલીસ માફક જ ચોવીસેય કલાક ફરજ માટે બંધાયેલા જ છે. જયદેવે તુર્તજ જમાદારને કહ્યું તમે એક કામ કરો આરોપી અને વોરંટ લઈ પાછા જેલમાં જાવ અને જેલરને કહો આ વોરંટ ઉપર લખી આપોકે સાંજના ચાર વાગ્યા પછી આરોપીને લઈને આવો.

વળી કાફલો જેલમાં ગયો આ જોઈને જેલર વધુ વિફર્યો પરંતુ જમાદારે વોરંટ આપી તેના ઉપર ચાર વાગ્યે આરોપીને લઈને આવવાની નોંધ કરી આપવાનું કહેતા જેલરે ઉભા ઉભા જ વોરંટ ઉપર તે પ્રમાણે નોંધ કરી સહી કરી દીધી જે નોંધ જ ગેરકાનૂની હતી જમાદાર વોરંટ અને આરોપીને લઈ પાછા જેલની બહાર આવ્યા. જયદેવે બજારમાં આવી સૌ પ્રથમ આ વોરંટની પાંચેક ઝેરોક્ષ નકલોકરાવી લીધી જેનાઉપર જેલર નો શેરો હતો.

જયદેવને ખ્યાલ આવી ગયો કે આ વોરંટનો જમીન ઉપર ઘા કરવો કે ફેંકવું તે અતિગંભીર બાબત હતી તે રાષ્ટ્રીય માનહાનીનો ગુન્હો બનતો હતો કેમકે અદાલતનાં દરેક સમંસ વોરંટના ઉપરના ભાવે રાષ્ટ્રીય ચિન્હ અશોકસ્તંભ કે જેમાં માનવ ધર્મ ચક્રનું પણ ચિન્હ પણ છપાયેલું હોય છે.

જેથી જેલરે એ ભલે અજાણતા કે ઈરાદાવગર પરંતુ તિરસ્કારથી વોરંટનો ઘા કરીને જમીન ઉપર ફેંકેલ હોય ભલેતે ઉશ્કેરાટમાં કે આવેગમાં કૃત્ય કરેલ હોય પરંતુ તે બાબત The Emblem and Name (Prevention of improper Use) Act-1950 અને ‘રાષ્ટ્રીય માનહાની નિષેધ અધિનિયમત ૧૯૭૧ના કાયદા મુજબ ત્રણ વર્ષની સજાનો નૈતિક અધ:પતનનો ગંભીર ગુન્હો જ બનતો હતો.

જયદેવને થયું કે જેલરનો ઈરાદો આવો રાષ્ટ્રીય માનહાનીનો ન હતો તેથી ‘ચીભડાના ચોરને ફાંસીની સજા’ જેવી કાર્યવાહી કરવી નથી. પરંતુ અદાલતના તિરસ્કાર અને હુકમના અનાદર પૂરતી કાર્યવાહી બહુ થઈ રહેશે અને ભવિષ્યે રાષ્ટ્રિય પ્રતિકનું તકેદારીથી સન્માન કરશે તે હેતુથી આ કાયદા મુજબ અમરેલી શહેર પોલીસમાં ફોજદારી ફરિયાદ આપવાનું માંડી વાળ્યું.

હવે જયદેવે ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ અમરેલીને આ બનેલ બનાવનો ‘અદાલતના હુકમનો તિરસ્કાર અને અવગણના’નો વિગતવાર રીપોર્ટ કરી વોરંટના આરોપી અંગે તથા કોર્ટના હુકમના તિરસ્કાર બદલ કાર્યવાહી કરવા વિનંતી કરી. રવિવારનો દિવસ હતો બપોરનો એક વાગી ગયો હતો.

છતા જયદેવ જજીજ બંગલે આવ્યો અને મેજીસ્ટ્રેટને રીપોર્ટ અને જેલરના શેરાવાળુ વોરંટ રજૂ કર્યું. વિદ્વાન મેજીસ્ટ્રેટે કાંઈ પણ બોલ્યા વગર કહ્યું તમે થોડીવાર બેસો હું હુકમ આપું છું અને અરધાએક કલાકમાં મેજીસ્ટ્રેટે કોર્ટના તિરસ્કાર બદલની નોટીસ; આરોપીનું બીજુ વોરંટ જેલમાં આપવા તથા એક અલાયદુ કવર આ તિરસ્કારની અદાલતી કાર્યવાહી કરવાનું પ્રકરણ બાબરા અદાલતે આપવાનું જયદેવને આપ્યું.

જયદેવ જીપ લઈને પાછો મધ્યસ્થ જેલ અમરેલી ઉપર આવ્યો. આરોપીનું બીજુ વોરંટ, અદાલતના તિરસ્કારની નોટીસ જે જેલર ને આપવાની હતી તે અને આરાપીને પોલીસ પાર્ટી સાથે પાછા જેલમાં મોકલ્યા. થોડીવારે પોલીસ પાર્ટી આરોપીને જેલમાં સોંપીને પાછી જીપમાં જયદેવ પાસે આવીને કહ્યું કે બે મીનીટ રોકાજો જેલર સાહેબ મળવા આવે છે. જેલરે જમી લીધું હશે તેથી કોઠો ઠંડો થઈ ગયો હશે અને પછી આ કંડેમ ઓફ કોર્ટની નોટીસ મળી હશે તેથી તેમની વર્તુણુક સાવ ફરી ગઈ હતી.

હવે ‘ઉંટ બરાબર પહાડ નીચે આવ્યું હતુ’ જેલરે જેલ બહાર આવી જયદેવ સાથે વાત કરી કે સાહેબ આપ જ આરોપીને લઈને આવ્યા છો એવી ખબર હોત તો આ બનવા પામેત નહિ અને ચા પાણીનો આગ્રહ કર્યો પણ જયદેવે નમ્રતાથી ના કહી અને વધુમાં કહ્યું ‘હું હોઉ કે જમાદાર શું ફર્ક પડે છે.

છેતો પોલીસ જને? ખેર, તમારૂ આ કૃત્ય ઈરાદા વગરનું હતુ અને પોલીસ તથા જેલ સ્ટાફ ‘એક સીકકાની બે બાજુ’ જેવા છે આમ તો આ કૃત્ય એ ‘રાષ્ટ્રીય માનહાની નિષેધ અધિનિયમ’ હેઠળનો ગુન્હો બને છે. પરંતુ અમોએ ફરિયાદ આપવાનું ટાળ્યું છે’ આ સાંભળીને જેલર વધુ છોભીલા પડી ગયા.

જયદેવે કહ્યું હવે મને કોઈ પૂર્વ ગ્રહ નથી પણ તમો પણ પોલીસની તકલીફો અને જે હોય તે મજબુરીઓ સમજો કેમકે પોલીસ જે કાંઈ કરે છે તે પણ જનતાના હિતમાં જ કરે છે. પોલીસને ધકકા ખવરાવવાથી કોઈ ફાયદો નથી જેલરે મીઠી હિન્દી જબાનમાં કહ્યુ હવે જે થયું તે તમે ભૂલી ગયા તે મોટો ઉપકાર છે હું કાલે ખાસ બાબરા આવું છું જયદેવ સમજી ગયો કોર્ટનું પ્રકરણ પુરૂ કરવા માટે !

એક વખત કરીયાણા બાજુના પંચાળ વિસ્તારના એક ગામની ગરીબ અને શ્રમજીવી કન્યાએ તેના જ એક નાતીલા વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ કરી. જયદેવે એફ.આઈ.આર. લઈ ગુન્હાની તપાસ શરૂ કરી ભોગ બનનાર કન્યાને મહિલા પોલીસ સાથે બાબરાના સરકારી દવાખાને સારવાર અને શારીરીક તપાસણી માટે મોકલી દીધી પરંતુ થોડીવારમાંજ મહિલા પોલીસ આ કન્યાને પાછી લઈને આવીને જયદેવને કહ્યું કે ડોકટર રજા ઉપર છે. આથી જયદેવે બીજો રીપોર્ટ તૈયાર કરી અમરેલી સીવીલ હોસ્પિટલ તરફ તેમને રવાના કર્યા પરંતુ સાથે એક પોલીસ જવાનને પણ મદદમાં મોકલ્યો અને તમામ એસ.ટી.બસમાં રવાના થયા.

ત્રણેક કલાક પછી આ દવાખાના પાર્ટી અમરેલીથી બાબરા પાછી આવી અને રીપોર્ટ જયદેવને પાછો આપી કહ્યુંં કે સીવીલ હોસ્પિટલમાં તપાસણીની ના પાડીને આ શેરો કરી દીધેલ છે.જયદેવે જોયું કે શેરામાં લખેલ હતુ કે બાબરાના ડોકટર રજા ઉપર હોય તો તેનો ચાર્જ ચિત્તલ સરકારી ડોકટર પાસે રહે છે.

માટે આ પેશન્ટ (ભોગ બનનાર)ને ચિત્તલ દવાખાને આગળની કાર્યવાહી માટે મોકલવી. ભોગ બનનાર કન્યાની ફકત શારીરીક તપાસણી જ કરવાની ન હતી પરંતુ ત્વરીત સારવારની પણ જરૂરત હતી. અત્યારે કન્યાએ પહેરેલા કપડા પણ લોહીવાળા થઈ ગયા હતા સવારના સમયે બનાવના વખતે પહેરેલ કપડા બગડેલા હોય પૂરાવા રૂપે કબ્જે કરી આ હાલના નવા પહેર્યા હતા. તેથી કન્યાને માનવતાના ધોરણે પણ સારવાર આપવી જરૂર હતી.

જયદેવને થયું કે સાલુ પોલીસને પણ ખરી ગુલામી છે. કયા ખાતાના કયા અધિકારી કયારે રજા ઉપર જશે અને કોની પાસે ચાર્જ રહેશે તેનો પણ પોલીસે જ ખ્યાલ રાખવાનો? આ માહિતી કોઈ મોકલતુ નથી અને કયાંથી મેળવવાની તે પણ દોડાદોડી પોલીસને કરવાની? પોલીસને બીજુ કામ જ નહિ હોય? પોલીસ વિફરવાના આવા અનેક કારણો અને સંજોગો છે તેતો જેને અનુભવ થાય ત્યારે ખબર પડે !

જયદેવે સારવાર અને શારીરીક તપાસણી માટેનો ત્રીજો રીપોર્ટ ચિતલ સરકારી દવાખાનાના ડોકટરના નામનો લખી મહિલા પોલીસને આપી પાર્ટીને ભોગ બનનાર કન્યા સાથે ચિત્તલ ગામે રવાના કરી. પાર્ટી બસ રસ્તે ચિત્તલ પહોચી દવાખાને ગયા રજાનો દિવસ હોય ચિતલના ડોકટર પણ કોઈને જાણ કર્યા સિવાય કયાંક ચાલ્યા ગયા હતા અને પાછા આવવાના કોઈ સંજોગો નહતા. મહિલા પોલીસ પાર્ટી પાછી બાબરા આવી.

તે સમયે ઉતર ભારતનાં કોઈક પોલીસ મથકમાં બળાત્કારનો ભોગ બનેલ મહિલા સાથે પોલીસે પણ દુષ્કર્મ કર્યાનો બનાવ બનેલ અને તે સમાચારો છાપામાં બહુ ચર્ચામાં હતા અને પછી સમગ્ર પોલીસ દળ ઉપર ‘માછલા ધોવાતા’ હતા આથી જયદેવ પણ ચિંતિત હતો. એટલે જયદેવે ચોથો રીપોર્ટ કન્યાને સારવાર અને શારીરીક તપાસણી કરી આપવા માટે અમરેલી સિવિલ સર્જનને સંજોગો અને ભોગ બનનારની હાલત જોતા સત્વરે કરવા વિનંતી સાથે કર્યો. અને પાર્ટી પાછી અમરેલી રવાના કરી.

સાંજના છ વાગ્યા પછી તો સિવિલમાં કોઈ જવાબદાર અધિકારી હોય નહિ પણ ઓન ડયુટી કોઈ સ્ટાફ કે ડોકટરે પણ રીપોર્ટ ને હાથ અડાડયો નહિ. પોલીસ પાર્ટી મુંજાઈ અને પી.સી.ઓમાંથી બાબરા જયદેવને ફોન કર્યો કે હવે શું કરવું? સવારના સાડાદસ વાગ્યા ના આ ભોગ બનનાર કન્યાને લઈ પોલીસ પાર્ટી એક દવાખાનેથી બીજા દવાખાને અને એક ગામથી બીજા ગામ ભટકતા હતા.

પરંતુ આ કેસ મેડીકોલીગલ હોઈ કોર્ટમાં કોણ ધકકો ખાય તે કારણે જ કોઈ ડોકટર કેસને હાથ અડાડતા ન હતા. કે કોર્ટ મુદતે કારણ વગર કોણ હેરાન થાય? હવે રાત્રીનાં સાડા અગીયાર વાગવા આવ્યા હતા. જયદેવે પાર્ટીને ફોન ઉપર જ કહ્યું હવે પાછા બાબરા આવતા નહિ તમે ભોગબનનાર ને લઈ જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ માં જઈ મને આ બાબતે કે કેસ કોઈ હાથ ઉપર નથી લેતુ તેનો વાયરલેસ મેસેજ બાબરા ખાતે કરો અને હું બીજો આદેશ આપું ત્યાં સુધી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જ રહેજો.

પોલીસ પાર્ટીના જમાદારનો વાયર લેસ મેસેજ અમરેલીથી બાબરા આવે તે પહેલા જ જયદેવે આજે આ બનેલ આખી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અને પછી સરકારી દવાખાનાનું છલ્લક છલાણુ સવારના સાડા દસ વાગ્યાથી પોલીસ પાર્ટી અને ભોગબનનાર કન્યા સારવાર વગર બાબરા, અમરેલી, બાબરા, ચિતલ, બાબરા, અમરેલી અને અત્યારે કંટ્રોલ રૂમ સુધીના ધકકા ધૂકકીનો ચિતાર વર્ણવ્યો અત્યારે રાત્રીના બાર વાગ્યા છે.

ઉતર ભારતમાં બનેલ બનાવનું ઉદાહરણ ટાંકીને આ ભોગ બનનાર ક્ધયા સારવાર અને તપાસણીના અભાવે હજુ અમરેલી શહેરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠી હોવાનો ક‚ણાસભર વાયરલેસ મેસેજ તૈયાર કર્યો આ મેસેજ મોકલનાર તરીકે પો.સબ ઈન્સ. બાબરા અને મેસેજ મેળવનાર તરીકે કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ અમરેલીનો ઉલ્લેખ કર્યો અને આ વાયર લેસ મેસેજની નકલો જાણ સાથ મોકલવાનો ઉલ્લેખ કર્યો પોલીસ વડા અમરેલી, સેશન્સ જજ અમરેલી જીલ્લા આરોગ્ય અધિકારી અમરેલી અને સીવીલ સર્જન અમરેલીનો દવાખાના પાર્ટીના જમાદારનો વાયરલેસ બાબરા આવતા જ જયદેવે આ પોતે તૈયાર કરેલ વાયર લેસ મેસેજ અમરેલી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં પાસ થઈ ગયો. હવે જયદેવ નિશ્ચીત થઈ ગયો.

કંટ્રોલરૂમના રનરે તાત્કાલીક બુલેટ મોટર સાયકલ લઈ તમામ અધિકારીઓને આ વાયરલેસ મેસેજની નક્લો પહોચાડી દીધી તમામ ચિંતાતુર થઈ ગયા એક પછી એક અધિકારીઓના ટેલીફોન સિવિલ હોસ્પિટલ ઉપર ચાલુ થયા. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી ગયા અને આ દર્દી કન્યાને શોધવા માટે દોડાદોડી કરવા લાગ્યા.

પણ દર્દી નહિ મળતા ઓન ડયુટી ડોકટરે પેશન્ટ માટે બાબરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. ફોન જયદેવે જ ઉપાડયો અને કહ્યું આ રીતે ટલ્લો ખાઈને હવે કાર્યવાહી માટે તૈયાર થયા તો દિવસે જ આ દસ પંદર મીનીટની કાર્યવાહી કરી નાખી હોત તો? કેટલા અધિકારીઓ અને માણસો દુ:ખી થયા ! બાદ જયદેવે કંટ્રોલરૂમ અમરેલીને જાણ કરી જમાદારને ભોગબનનાર કન્યા સાથે સીવીલમાં રવાના કર્યા.

જીલ્લા કક્ષાએ જે તે ખાતાના વડાઓની સંકલન મીટીંગો થતી હોય છે. ચર્ચાઓ સુચનો પણ થતા હશે પરંતુ તેનો અમલ કરનારા બીજા જ હોય તે ‘પથ્થર ઉપર પાણી’ જેવું થાય છે. કામ ચોરી અને જવાબદારીથી ભાગવા વાળા પોતે તો બેશરમ બે ઈજજત થાય છે.પરંતુ ખાતાને અને સરકારને પણ બદનામ કરીને લજવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.