- વન બહારના વિસ્તારોમાં 1,143 ચો.કિ.મી.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને -વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા
- -વન અને વન્યજીવના સંરક્ષણ માટે આ વર્ષે વન વિભાગના બજેટમાં 20 ટકાનો વધારો કરાયો
- -પ્રોજેક્ટ લાયન માટે કુલ રૂ. 415. 68 કરોડની જોગવાઇ
- -વનોનું સંવર્ધન અને સંરક્ષણ કરવા વન વિસ્તારમાં 49 હજાર હેકટર અને વન બહારના વિસ્તારમાં ૩૯ હજાર હેકટરમાં વાવેતર કરવાનું આયોજન
- -મિષ્ટી કાર્યક્રમ હેઠળ ચાલુ વર્ષે કચ્છમાં સરક્રીક, કોરીક્રીક અને પડાલા બેટ સહિત કુલ 11,930 હેકટર વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
- -વન અને વન્યપ્રાણીઓનું રક્ષણ કરવાની સાથે સ્થાનિક લોકોને રોજગારી માટે રૂ. 6.20 કરોડની જોગવાઇ
- -જોખમી ઘનકચરાનું પરિવહન,તેનું સતત મોનીટરીંગ થાય તે માટે રાજય દ્વારા ઓનલાઇન મેનીફેસ્ટ અને વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સિસ્ટમ વિકસિત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય
- -પ્રદૂષણ નિયંત્રણ માટે ઉદ્યોગોનું સઘન મોનીટરીંગ થાય તે માટે 430 જેટલી ટેકનિકલ પોસ્ટની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં
- પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર
- વન બહારના વિસ્તારોમાં 1143 ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫માં વન અને પર્યાવરણ વિભાગનું બજેટ જે રૂ2,586 કરોડ હતું જે આ વર્ષે 20 ટકા વધારીને રૂ.3,139
- કરોડ કરાયું છે, આ અત્યાર સુધીનું આ ઐતિહાસિક બજેટ છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈએ કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ “એક પેડ માં કે નામ”ને દેશભરમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ પહેલ અંતર્ગત રાજ્યએ 17 કરોડ ઉપરાંત રોપાઓનું વાવેતર કરી નિયત સમય પૂર્વે લક્ષ્યાંક હાંસલ કર્યો છે. વડાપ્રધાનની આ અપિલને ગુજરાતના લોકોએ વધાવીને વૃક્ષારોપણમાં અનેરૂ પ્રદાન આપ્યું છે.
એશિયાઈ સાવજ એ ગુજરાતનું ઘરેણું છે. જેની વસ્તી અને વ્યાપમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 674 સિંહો વસવાટ કરે છે. ઉપરાંત, અગાઉ વર્ષો પૂર્વે જ્યાં સિંહોનો વસવાટ હતો તેવા બરડા વિસ્તારમાં સિંહોનો પુનઃવસવાટ કરવામાં સફળતા મળી છે.ગીર જંગલ સફારીની જેમ ચાલુ વર્ષે બરડા, જાંબુઘોડા, રતનમહાલ તથા શુલપાણેશ્વર ખાતે ઓપન જંગલ સફારી શરૂ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે,રાજ્યમાં આવેલા 24 અભયારણ્ય અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો તથા 1 કન્ઝર્વેશન રીઝર્વ વિસ્તારની જાળવણી માટે તથા ઇકો ટુરીઝમનો વિકાસ અને ખાસ કરીને બૃહદ ગીર વિસ્તારમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન કરવા હેતુ પ્રોજેક્ટ લાયન સહિત કુલ રૂ. 415. 68 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.કચ્છના નાનારણમાં જોવા મળતા ઘુડખરની વસ્તી 720 થી વધીને વર્ષ 2024 ની ગણતરી મુજબ 7672 થઇ છે.
વધુમાં રાજ્ય સરકાર દ્વારા હિંસક પ્રાણીઓના હુમલાથી મૃત્યુના કેસમાં દસ લાખ અને ઇજાના કેસમાં બે લાખ એટલે કે અગાઉ અપાતા વળતરને બમણું કરવામાં આવ્યું છે. કરૂણા અભિયાન અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ૫૩ હજાર કરતા વધુ પક્ષીઓનું સફળ રેસ્ક્યુ કરેલ છે. આ વર્ષે પણ ૧૫,૫૭૨ પક્ષીઓનું સફળ રેસ્ક્યુ કરેલ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે,
સિંહોના લાંબાગાળાના સંરક્ષણ હેતુ અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર જૂનાગઢ ખાતે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા વર્ચ્યુઅલ રીતે ખાતમુહર્ત કરવામાં આવેલ છે.
વનોનું સંવર્ધન અને સંરક્ષણ કરવા વન વિસ્તારમાં 49,000 હેકટર અને વન બહારના વિસ્તારમાં 39,000 હેકટરમાં વાવેતર કરવાનું આયોજન છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના સામાજિક વનીકરણ અંગે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ ૨૦૨૩ના રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં ૧૧૪૩.૨૯ ચો.કી.મી.ના વન આવરણ વધારા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. સાથે સાથે વન વિસ્તારમાં પણ ૯૦.૭૭ ચો.કી.મી.નો વન આવરણમાં વધારો નોંધાયેલ છે.
આ ઉપરાંત એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ છેલ્લા બે વર્ષમાં 46,000 હેકટરમાં ખેડૂતલક્ષી વાવેતર કરવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષથી બમણું વાવેતર કરવામાં આવી રહેલ છે. હવે 35000 હેકટરમાં વાવેતર કરવાનું આયોજન છે. અર્બન ફોરેસ્ટ હેઠળ શહેરી વિસ્તાર, પવિત્ર યાત્રાધામ અને પ્રવાસન વિસ્તારોમાં સુશોભિત રોપાઓનું વાવેતર કરવામાં આવે છે.
વનોની વીડીમાંથી ઉત્પાદિત થતા ઘાસનો પુરતો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવે છે. 370 જેટલા ઘાસ ગોડાઉનોમાં 500 લાખ કિલોગ્રામ ઘાસનો જથ્થો સંગ્રહિત કરવામાં આવેલ છે. તે ઉપરાંતનું ઉત્પાદિત થયેલ ઘાસ સ્થાનિક લોકોને વિના મૂલ્યે કાપી લઇ જવાની છુટ આપવામાં આવી છે.
મંત્રીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે,વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ મિષ્ટી-કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા ૫ વર્ષમાં આશરે ૫૪૦ ચોરસ કિ.મી.માં ચેર વાવેતરનો લક્ષ્યાંક રાખવામાં આવેલ જેની સામે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 190 ચોરસ કિ.મી. વિસ્તારમાં વાવેતર પૂર્ણ કરેલ છે. મિષ્ટી કાર્યક્રમ હેઠળ ચાલુ વર્ષે કચ્છમાં સરક્રીક, કોરીક્રીક અને પડાલા બેટ સહિત કુલ 11,930 હેકટર વિસ્તારમાં મેન્ગ્રુવ વાવેતર કરી ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. હવે 15000 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવનું વાવેતર કરવાનું આયોજન છે.
તેમણે કહ્યું કે,
મિશન ગતિશક્તિ હેઠળ ઇકો-રીસ્ટોરેશનથી સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ વિંધ્ય, અરવલ્લી અને સાતપુડા ગિરિમાળા તેમજ અંબાજીથી ધરોઇ વિસ્તારમાં ઘનિષ્ઠ વનીકરણ કરી હરિયાળુ અને લીલુંછમ બનાવવા માટે આયોજન છે. વન વિભાગ દ્વારા વાંસ સુધારણાની કામગીરીથી સ્થાનિક લોકોને રોજગારીલક્ષી તાલીમ આપવામાં આવે છે તેમજ વનબંધુઓને ઉપયોગ માટે છેલ્લા ત્રણ વર્ષમાં 1.60 કરોડથી વધુના વાંસ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી છે. વધુમાં વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે રૂ.૬૫૫.૦૭ કરોડની જોગવાઇ તેમજ વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂ.563.28 કરોડની જોગવાઇ કરેલ છે.
તેમણે કહ્યું કે,જાપાનના જાયકા દ્વારા સહાયિત પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ કામગીરી માટે રૂ. ૨૨૪.૯૨ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
વળતર વનીકરણ કેમ્પા હેઠળ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ માટે રૂ. 372.09 કરોડની જોગવાઈ કરી છે.
મંત્રીએ કહ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગની નવી બાબતો અન્વયે કુલ રૂ. 504.53 કરોડની જોગવાઇ કરાઇ છે.
રાજ્યમાં વન કવચ હેઠળ વૃક્ષારોપણમાં ખૂબ જ સારી સફળતા મળેલ છે જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 300 હેકટરમાં (વન કવચ) વાવેતર કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે ૨૦૦ હેકટર વિસ્તારમાં વાવેતર કરવા રૂ.50 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં શહેરી વિસ્તારો માટે પણ વિશેષ આયોજન રાખવામાં આવેલ છે.
ઇન્ફર્મેશન ટેકનોલોજીનાં માધ્યમથી એકીકૃત વન સંરક્ષણ,વન્યપ્રાણી સંવર્ધન અને પર્યાવરણ જાળવણી માટે રીયલ ટાઈમ મોનીટરીંગ કેન્દ્રની સ્થાપના કરવા માટે રૂ. ૪૦ કરોડની જોગવાઇ કરી છે.
‘મિષ્ટી’ કાર્યક્રમ અંતર્ગત પડાલા બેટ અને કોરીક્રીક વિસ્તારમા મેન્ગ્રુવ ડાયવર્સીટી વધારવા અને પ્રવાસન વિસ્તાર તરીકે વિકસાવવા માટે રૂ. ૫ કરોડની જોગવાઇ કરેલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે,વન અને વન્યપ્રાણી રક્ષિત વિસ્તારમાં સહભાગી વન વ્યવસ્થા મારફતે સ્થાનિક લોકોને તાલીમ આપી વન અને વન્યપ્રાણીઓનું રક્ષણ કરવાની સાથે સ્થાનિક લોકોને રોજગારી માટે રૂ. 6.20 કરોડની જોગવાઇ કરી છે.
ઇકો સેન્સેટીવ ઝોનમાં આવરી લેવામાં આવેલ વસાહતોમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃતિઓ હાથ ધરી ઇકો ડેવલોપમેન્ટની કામગીરી માટે રૂ. ૭.૯૭ કરોડની જોગવાઇ કરેલ છે.
બરડા ખાતે એશિયાઇ સિંહોનું બીજુ રહેઠાણ બનવા જઇ રહ્યુ છે ત્યારે બરડા ખાતેના માલધારી કુટુંબોના પુન:વસવાટ માટે રૂ. એક કરોડની જોગવાઇ કરેલ છે.
કચ્છ વિસ્તારના ચાડવા રખાલ ખાતે હેણોતરો પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે કેપ્ટિવ બ્રીડીંગ સેન્ટર અને કેર સેન્ટરની સ્થાપના માટે રૂ.૫ કરોડની જોગવાઇ કરી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે,
બનાસકાંઠાના ડીસા ખાતે ડેઝર્ટ થીમ આધારીત એશિયાનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય બનાવવાના આયોજન માટે રૂ. બે કરોડની જોગવાઇ કરેલ છે. હરીત વન પથ યોજના હેઠળ વૃક્ષાવરણમાં વૃદ્ધિ માટે લોક ભાગીદારીથી રોડ સાઇડ અને અન્ય જગ્યાઓમાં ૨૦ લાખ પૈકી મોટા રોપા, ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવા માટે નેવું કરોડની જોગવાઇ કરેલ છે.
કેવડીયા ખાતે ફોરેસ્ટ મ્યુઝિયમ માટે રૂ. 5 કરોડની જોગવાઇ કરેલ છે.
સામાજિક વનીકરણ હેઠળ ખાતાની નર્સરીઓમાં 76 લાખ જેટલા મોટા રોપાઓ તૈયાર કરવા માટે રૂ. 38 કરોડની જોગવાઇ કરેલ છે.
ચાલુ વર્ષે હરિત વનપથ યોજના હેઠળ કુલ 250 કિ.મી. લાંબા રસ્તાની બન્ને બાજુમાં ૫૦,૦૦૦ મોટા રોપાઓ રોપવામાં આવ્યા છે અને હવે અમદાવાદ થી કેવડીયા સુધીના આશરે 200 કિ.મી. રસ્તાની બન્ને બાજુ ગીચ વાવેતર કરવા માટે હરિત વન પથ યોજના હેઠળ રૂ. 8.80 કરોડની જોગવાઇ કરી છે.
તેમણે કહ્યું કે, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર હસ્તકના ઇન્દ્રોડા પાર્ક ખાતે વોક ઇન એવીયરી અને મગર, કાચબા જેવા વિવિધ સરીસૃપ જીવોના અલગ વિભાગનું નિર્માણ તથા લાયન સફારીના નિર્માણ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઇ કરેલ છે.ઉના ખાતે ટ્રાંઝીસ્ટ હોસ્ટેલના નિર્માણ માટે રૂ. બે કરોડની જોગવાઇ કરેલ છે.
વધુમાં ગીરનાર, અંબાજી, પાવાગઢ અને નર્મદા નદી જેવા તીર્થ સ્થળોએ થતી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ યાત્રાળુઓને સુવિધાઓ પુરી પાડવા સ્વચ્છ તીર્થધામ પરિક્રમા માટે રૂ. ૩.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજયમાં લઘુ ઉદ્યોગોની સંખ્યા મહત્તમ હોઇ ઔદ્યોગિક ગંદા પાણીના નિયંત્રણ માટે માળખાકીય સુવિધાઓ પર ભાર આપવામાં આવે છે. જેમાં સંયુક્ત શુદ્ધિકરણ માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. રાજયમાં આશરે 88 કરોડ લીટર જેટલી ક્ષમતાવાળા ઔદ્યોગિક ગંદા પાણીના સંયુક્ત શુદ્ધિકરણ પ્લાન્ટ (સીઇટીપી) આવેલા છે. આ બાબતે ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જ્યારે ઔદ્યોગિક ગંદા પાણીની સાથે સાથે ઘરગથ્થુ ગંદુ પાણી પણ સારી રીતે શુદ્ધિકરણ થાય છે. આ બાબતે છેલ્લા બે વર્ષમાં સંખ્યાબંધ નવા એસ.ટી.પી. બનાવવામાં આવેલ છે. રાજય દ્વારા એસટીપી તથા ઘરગથ્થુ ધન કચરાના નિકાલ માટે રૂ. ૨૧૦૦ કરોડ જેટલી માતબર રકમ રીંગફેન્સ એકાઉન્ટમાં અલાયદી રાખી છે. જે આ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મુખ્યમંત્રીની દિર્ધદ્રષ્ટીને લીધે ટ્રીટેડ સિવેજનો ઉદ્યોગ તથા ખેતીમાં ઉપયોગ થાય તે માટે પણ કામગીરી ચાલી રહી છે અને આશરે ૧૫૦ કરોડ લીટર જેટલા શુધ્ધ કરેલ સુવેઝ આગામી વર્ષોમાં ઉદ્યોગ કે ખેતીમાં વાપરવાનું આયોજન છે.
તેમણે કહ્યું કે, ઔદ્યોગિક ઘન કચરાના વ્યવસ્થાપન અને નિકાલ અંગે પણ રાજય સરકારે અનેક નવતર અભિગમો દ્વારા કાર્ય કર્યું છે. ગુજરાતે દેશને કો-પ્રોસેસીંગના ખ્યાલ થકી “કચરામાંથી કંચન” જેવો અભિગમ આપેલ છે. કેમીકલ, પેપર વિગેરે ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતો ઘનકચરો સિમેન્ટ જેવા ઉદ્યોગોમાં રો-મટીરીયલ અને બળતણ તરીકે વાપરવામાં પણ રાજય દેશભરમાં અગ્રેસર છે.
તેમણે કહ્યું કે,પર્યાવરણ અંગે સતત મંથન કરતા આપણા વડાપ્રધાનશ્રીએ ત્રણ શબ્દો આપ્યા છે; રીસાઈકલ, રીડ્યુસ અને રીયુઝ. રાજયમાં સરક્યુલર ઇકોનોમીને વેગ મળે તે હેતુ થી ઔદ્યોગિક ઘનકચરાના પુનઃ વપરાશ માટે રાજયમાં ઘનકચરાના પ્રકાર પ્રમાણે અને ઉદ્યોગ પ્રમાણે વૈવિધ્યપૂર્ણ એવી અનેક એસ.ઓ.પી. તૈયાર કરવામાં આવેલી છે.
તેમણે કહ્યું કે,જોખમી ઘનકચરાનું પરિવહન પણ ખૂબ સારી રીતે થાય અને તેનું સતત મોનીટરીંગ થાય તે માટે રાજય દ્વારા ઓનલાઇન મેનીફેસ્ટ સીસ્ટમ તથા વ્હીકલ લોકેશન ટ્રેકીંગ સીસ્ટમ વિકસિત કરવામાં આવેલ છે. ગુજરાત આવી સુવિધા ધરાવતુ દેશનું પ્રથમ રાજય છે. જે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સ્કોચ એવોર્ડ જેવો પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે,
રાજયમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત ઇ-ગવર્નન્સ પ્લેટફોર્મને ખૂબ સક્ષમ કરવામાં આવેલ છે. વોટ્સએપ જેવા માધ્યમથી ઉદ્યોગોને તેની અરજી અંગેની વિગત મળે તેવી પણ કામગીરી થયેલ છે. આ ઉપરાંત ઉદ્યોગોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ એન્વાયરમેન્ટ કલીનીક તથા ઓપન હાઉસ જેવા કાર્યક્રમો નિયમિતપણે કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે,પ્રદૂષણ નિયંત્રણ માટે ઉદ્યોગોનું સઘન મોનીટરીંગ થાય તે માટે બોર્ડનું માનવબળ વધારવા હેતુ છેલ્લા બે વર્ષમાં ૪૩૦ જેટલી ટેકનિકલ પોસ્ટને સરકારે મંજૂરી આપી તેની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
તેમણે આનંદ સાથે કહ્યું હતું કે,ઉદ્યોગો દ્વારા ફેન્ટન અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીઇટીપી કક્ષાએ પણ નિયત ધોરણોને પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. હવા પ્રદૂષણ નિયંત્રણ માટે કમ્યુનિટી બોઇલર જેવા અભિગમથી પ્રદૂષણ ઘટે તથા કોલસા જેવા રિસોર્સીંસ બચે તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. આ અભિગમ અપનાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવે છે. ટેક્ષટાઇલ ઉદ્યોગમાં હવા પ્રદૂષણ ઘટાડવા માટે સુરત તથા અમદાવાદમાં અમલીકરણ થઇ રહેલ એમીશન ટ્રેડીંગ સ્કીમ (ETS) એ દેશભરમાં અન્ય રાજયોનું ધ્યાન ખેંચ્યું છે.
તેમણે કહ્યું કે,અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મુખ્ય શહેરોમાં નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત આશરે રૂ. 1194 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. રાજયમાં એન્વાયરમેન્ટ ઓડિટ સ્કિમ હોય કે પછી કેપેસીટી બિલ્ડિંગ કરવાનું હોય કે પછી ઇ-ગવર્નન્સની વાત હોય. અંબાજી પદયાત્રામાં કચરાનું એકત્રીકરણ કરવાનું હોય કે પછી જાહેર સ્થળોએ ક્લોથ બેગ વિતરણના મશીન આપવાની વાત હોય કે પછી પ્લાસ્ટિક બોટલ રીસાયકલીંગ મશીન આપવાના હોય. આવી તો અનેકવિધ પહેલ કરીને રાજય સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલા લીધા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ સંબંધિત વિવિધ માહિતી આપવા તેમજ જાગૃતિ લાવવા માટે આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો પરથી દર રવિવાર રાત્રે ‘હરિયાળું ગુજરાત’ કાર્યક્રમના વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ 40 એપિસોડનું પ્રસારણ કરવામાં આવશે.
ગુજરાતની મુખ્ય નદીઓ જેવી કે નર્મદા, તાપી, અંબિકા, પૂર્ણા નદીના મુખ વિસ્તારોના સંશોધન અને મોનિટરીંગની કામગીરી વર્ષ 2025-26 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણના ઉદ્દેશ સિદ્ધ કરવા માટે ગેમી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. પ્રભાગ દ્વારા ગેમી માટે આ બજેટમાં રૂ. 8.47 કરોડની ચાલુ બાબતની જોગવાઇ કરવામાં આવી છે.
પ્રકૃતિના વિકાસ અને સંવર્ધન માટેની વન અને પર્યાવરણ વિભાગની માંગણીઓ આજે વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.