‘માયા’ માટે જાણીતા જૂના સાદુળકા ગામમાં અગાઉ અનેક વખત ખજાનો મળી ચૂક્યો છે
મોરબી નજીક આવેલા જુના સાદુળકા ગામમા ગઈકાલે રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો ગુપ્ત ખજાનાની લાલચમાં શિવમંદિરનું ગર્ભગૃહ ખોદી નાખતા નાના એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે, આ અગાઉ પણ બે વર્ષ પૂર્વે સાદુળકા ગામના આ શિવમંદિરમાં અજાણ્યા શખ્સોએ મંદિરમા ખોદકામ કરી મંદિરને ભારે નુકશાન પહોચાડ્યું હોવાનું બહાર આવ્યું છે.
આ ચકચારી અને ચોકાવનારી ઘટનાની વિગતો જોઈએ તો મોરબીનું જુના સાદુળકા ગામ વર્ષો જુના ટીમ્બા પર વસેલું છે અને અહીં બેશુમાર ખજાનો દટાયેલો પડ્યો હોવાની લોક વાયકા વચ્ચે જુના સાદુળકા ગામમા આવેલ શિવ મંદિર નીચે ’ માયા ’ છુપાયેલી હોવાનું વર્ષોથી લોકમુખે ચર્ચાય રહ્યું છે, એવામાં ગઈકાલે રાત્રીના સમયે અજાણ્યા શખ્સો ગામમાં ઘુસી આવ્યા હતા અને આખી રાત્રી દરમિયાન શિવમંદિરનું ગર્ભગૃહ ખોદી નાખી ગુપ્ત ખજાનો ગોતવા મંદિરને તહસ નહસ કરી નાખ્યું હતું.
આ ઘટના અંગે ગામના પૂર્વ સરપંચ કનુભા રઘુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે સવારે શિવ મંદિરે પૂજા અર્ચના કરવા ગયા ત્યારે મંદિરનું ગર્ભગૃહ ખોદી નખાયાનું જણાતા ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને તપાસ કરતા રાત્રીના સમયે કોઈ શખ્સો માયાના લોભમાં મંદિર ખોદી ગયા હોવાનું જણાય રહ્યું છે.
વધુમાં પૂર્વ સરપંચ કનુભાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રીની ઘટનામાં લાલચુ શખ્સો જીપ જેવું વાહન લઈને આવ્યા હોવાના સગળ મળ્યા છે અને આ મામલે પોલીસે ફરિયાદ કરવામાં આવશે.
દરમિયાન જુના સાદુળકા ગામે રહેતા એડવોકેટ ધર્મેન્દ્રભાઈ બારેજીયાએ ગુપ્ત ખજાના અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમારું ગામ જૂનો ટિમ્બો છે, ભૂકંપ બાદ નવું ગામ વસ્યું છે અને હાલમાં અહીં ૧૦૦ પરિવારો વસવાટ કરે છે, તેઓએ ઉમેર્યું કે વર્ષોથી અમારા ગામના ભૂતળમાં ખજાનો દટાયેલ હોવાની લોકવાયકા છે.
આ મામલે તેઓ જણાવે છે કે ભૂકંપ સમયે પણ કેટલાક લોકો અમારા ગામમાં આવ્યા હતા અને મંદિર નીચે મોટો ખજાનો હોવાનું જણાવી અહીં ખોદકામ કરવા દેવામાં આવેતો બદલામાં ગામની ફરતે વરંડો બનાવી દેવાનું કહ્યું હતું પરંતુ ગ્રામજનોએ સ્પષ્ટ ના પાડી હતી.
ધર્મેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે આ અગાઉ બે વર્ષ પૂર્વે પણ આજ રીતે અજાણ્યા શખ્સો મંદીરના બહારના ઓટલાથી લઈ મંદિર સુધી ખોદકામ કરી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુપ્ત ખજાના પર વસેલા મોરબીના જુના સાદુળકા ગામમાં અગાઉ ખોદકામ દરમિયાન ખજાનો મળવાના કિસ્સાઓ હકીકતમાં બન્યા છે અને હજુ પણ અનેક લોકોના મકાનના પાયા કોઈ અજાણ્યા માણસો રાતો રાત ખોદી જતા હોવાની ઘટનાઓ બનતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
આ સંજોગોમાં હલતુર્ત તો ખજાનાની લાલચમાં લાલચુઓ શિવમંદિર ખોદી જતા શિવલિંગ લટકી પડ્યું છે અને ગ્રામજનો દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરી આ કૃત્ય આચરનારને ઝડપી લેવા માંગ કરી રહ્યા છે.