જમવાના પ્રોગ્રામમાં થયેલી માથાકૂટમાં એક આરોપી પણ ઘવાયો: બંને હત્યારા પોલીસ સકંજામાં
માળિયા મિયાણા તાલુકાના વેણાસર ગામમાં ગઈ કાલે બપોરે સીમમાં જમવાનો પ્રોગ્રામ કરવા બેઠેલા મિત્રો વચ્ચે જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓએ યુવાન પર કાર ચડાવી કચડી નાખતા ગામમાં ચકચાર મચી છે. પોલીસને ઘટનાની જાણ થતાં પીઆઇ કે.જે. માથુકિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઇ તપાસનો ઘમઘમાટ હાથધર્યા છે. જેમાં એક આરોપીને પણ ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળિયા મિયાણા તાલુકાના વેણાસર ગામમાં રહેતા અશોક જીલુભાઈ કુંવરિયા, તેમના પિતરાઈ ભાઈ રણજિત મહિપતભાઈ કુંવરિયા, પ્રકાશ અને આરોપી ભાઈઓ સુનિલ લાભુ કોરડીયા અને સંદીપ લાભુ કોરડીયા ગામના નદીના કિનારે જમવાનો કાર્યક્રમ કરતા હતા.
તે દરમિયાન આરોપી સુનિલ કોરડીયા તેનો ભાઈ સંદીપ કોરડીયા અને રણજિત મહિપત કુંવરિયા વચ્ચે જૂની અદાવત મામલે માથાકૂટ થઈ હતી. તે દરમિયાન મૃતક રણજિત અને સંદીપ વચ્ચે ઝપાઝપી થતા સંદીપ કોરડીયાને હાથે ભાગે ઈજાઓ થઈ હતી. જ્યારે અન્ય આરોપી સુનિલ કોરડીયાએ પોતાના હવાલા વાળી જીજે.૧૭.એન.૪૪૯૫ નંબરની કાર પુરઝડપે રણજિત અને પ્રકાશ પર ચડાવી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રણજિત કુંવરિયાનું મોત નિપજતા પરિવારમાં શોક નો માહોલ છવાઈ રહ્યો છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ તમામ મિત્રો નદી કિનારે દારૂની મહેફિલ માણતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વેણાસર ગામે કાર ચડાવી યુવાનની હત્યા થઈ હોવાની જાણ થતાં પોલીસ ઇન્સપેક્ટર કે.જે. માથુકિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યારે બંને આરોપી પણ પોલીસના સંકજામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આજ રોજ સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક યુવાન રણજિત કુંવરિયાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જુવાનજોધ યુવાનના મોતથી શહેરભરમાં ગમગીની છવાઈ છે.