શાળાના ૧૭૦ બાળકો સહિત ટીચીંગ સ્ટાફ પણ રમતોત્સવમાં જોડાયો
ઓખા આઈ.એન.એસ. દ્વારકા નેવી સંચાલિત નેવલ ચિલ્ડ્રનમાં એલ.કે.જી., યુ.કે.જી. તથા ધો.૧ માં કુલ ૧૭૦ બાળકોને જ્ઞાન સાથે રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોગા અભ્યાસ જેવી વિવિધ પ્રવૃતિઓ નિયમિત કરાવવામાં આવે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ સ્પોર્ટ ડે નિમિતે રમત ઉત્સવ-૨૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથી ગુજરાત નેવલ એરીયા ફલેગ ઓફિસર સંજય રોય તથા તેમના ધર્મપત્ની રચના રોય સાથે ઓખા નેવી કેપ્ટન કમાન્ડો સી.સુરેશ ખાસ હાજર રહ્યા હતા. જેમણે મશાલ જલાવી આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. બાળકો પણ મશાલ પરેડ કરી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સ્કુલમાં અભ્યાસ કરતા તમામ ૧૭૦ બાળકોએ વિવિધ રમત-ગમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તમામ બાળકોએ સમુહમાં યોગા અભ્યાસ પણ કર્યો હતો. અહીં બાળકો સાથે તમામ વાલીઓ માટે પણ સંગીત ખુરશીની ગેમ રમી હતી તથા બાળકોના દાદા-દાદી, નાના-નાની એ પણ પાસીંગ બોલ રમી પોતાનું બાળ પણ યાદ કર્યું હતું અને સાથે આ શાળાના તમામ ટીચરોને પણ રનીંગ દોડ સાથે બુકમાં કવર ચડાવવાની હરીફાઈ પણ રાખવામાં આવી હતી. જેમાં તમામ ટીચરોએ ભાગ લીધો હતો. તમામ ગેમમાં પ્રથમ બીજા અને ત્રીજા નંબરના તમામ બાળકો, વાલીઓ તથા ટીચરોને નેવલ ઓફિસરો તથા તેમના પરીવારના હસ્તે મેડલ આપી પ્રોત્સાહિત કરાયા હતા.