૯૦ સ્પર્ધકો વચ્ચે ૪૦ કિમીની સ્પર્ધા યોજાઈ પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કૃત કરાયા
ગુજરાત સરકારના કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા વિવિધ સાહસિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જે અનુસાર સાગર ખેડુ સમાજનાં સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સમુદ્ર સાહસિક પ્રવૃતિ અંતર્ગત ૪૦મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓખાની દામજી જેટીથી બેટ દ્વારકા ફરતે ૪૦ કિલોમીટર વિસ્તારમાં આ માછીમારોને પ્રોત્સાહિત કરવા ૧૯મી મહાજન સ્મારક સ્પર્ધા જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં કોઈપણ જાતના યંત્રો વગરની ૩૦ હોડીમાં ૯૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. છેવાડાના વિસ્તાર એવા ઓખા અને બેટ દ્વારકામાં માછીમારી સમાજને પ્રોત્સાહન માટે યોજાયેલ સ્પર્ધામાં સ્થાનીય યુવા માછીમારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર ઈશાક વલા કમર, બીજા સ્થાને રજાક સોઢી તથા ત્રીજા નંબરે આદમ સંધાર તથા તેની ટીમે મેદાન મારતા વિજેતા બન્યા હતા. પ્રથમ ત્રણ ક્રમાંકે આવનારા વિજેતાઓનું આયોજકો તથા અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.